Jamnagar News : જામનગરના ઢીંચડા રોડ પર ભૂગર્ભ ગટરના ચાલી રહેલા કામકાજ દરમિયાન સાંજના પાંચેક વાગ્યાના અરસામાં હિટાચી મશીનના ચાલકે 2 મહિલાઓને હડફેટમાં લઈ લીધી હતી, જેમાં એક મહિલાનું હિટાચી મશીન નીચે આવી જતાં ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું, જયારે બીજી મહિલાના 2 પગ કપાયા છે, હાલ આ મહિલાની સારવાર ચાલી રહી છે. આ ઘટનાને લઈને ભારે દોડધામ થઈ, હિટાચી મશીનનો ઓપરેટર ભાગી છૂટ્યો હતો. પોલીસ ટુકડી ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી.
મળતી માહિતી અનુસાર, જામનગરના ઢીંચડા રોડ પર મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની પાઇપલાઇન સમારકામનું કામ હાથ ધરાયું છે અને પૂજા બિલ્ડર્સ નામની પેઢી દ્વારા આ સ્થળે ભૂગર્ભ ગટરની પાઇપલાઇન બીછાવવાનું કામકાજ રાખવામાં આવ્યું છે. જે કંપનીના કામ હેઠળ સોમવારે(3જી માર્ચ 2025) સાંજે પાંચેક વાગ્યાના અરસામાં હિટાચી મશીન દ્વારા ખોદાણ ચાલી રહ્યું હતું. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલી 2 મહિલાઓ એકાએક હિટાચી મશીન નીચે આવી ગઈ હતી.

વધુ વિગત મુજબ, જેમાં ઢીંચડા રોડ પર રહેતી અને મજૂરી કામ કરતી મધુબેન નારણભાઈ સુરડીયા નામની 55 વર્ષની પ્રૌઢ મહિલા, કે જે રિવર્સમાં આવી રહેલા હીટાચી મશીન નીચે દબાઈ જવાથી તેણીનું ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. હિટાચી મશીનની નીચે દબાઈ જવાના કારણે તેના દેહનો વેરવિખેર થઈ ગયો હતો, અને ભારે બીહામણાં દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત તેની સાથે જ ચાલી રહેલી અન્યા એક મહિલા આઇશાબેન ખફી, કે જેના 2 પગ કપાયા અને તેણીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ તેણીની તબિયત લથડતાં વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ મામલે સમગ્ર બનાવની જાણ થતાં આ વિસ્તારના વિપક્ષી કોર્પોરેટર રાહુલ બોરીચા ઘટના સ્થળે દોડી આવ્યા અને તાત્કાલિક અસરથી 108ની ટીમ, ફાયર બ્રિગેડની ટુકડી, તેમજ પોલીસને જાણ કરી હતી. જેથી 108ની ટીમે ઈજાગ્રસ્તને હોસ્પિટલે પહોંચાડી હતી. જ્યારે ફાયરની ટીમે હિટાચી મશીનની નીચે દબાયેલા મહિલાના મૃતદેહને ભારે જહેમતથી બહાર કાઢ્યો હતો.
આ મામલે સીટી C ડિવિઝનની પોલીસ ટીમે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ સમયે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને હીટાચી મશીનનો ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ ઉપરાંત ખાનગી કંપનીના અન્ય સ્ટાફ કે કર્મચારીઓ સ્થળ પર હાજર ન હતા, અથવા તો તેઓ પણ ભાગી છુટ્યા હતા. જે સમગ્ર મામલામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.
@ સાગર સંઘાણી
આ પણ વાંચો: જામનગરમાં મકાનોમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો
આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત, માર્ચના પ્રથમ સપ્તાહમાં જામનગરની લઈ શકે છે મુલાકાત
આ પણ વાંચો: જામનગરમાં યુવાન વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો, કર્યો આપઘાતનો પ્રયાસ
