અમેરિકાની વર્જિનિયા ટેક.ના એસોસિયેટ પ્રોફેસર રોબર્ટ વેઇસે દાવો કર્યો હતો કે દરિયાની જળ સપાટી માં મામૂલી વધારાથી પણ ભવિષ્યમાં વિનાશક સુનામી નું જોખમ રહેલું છે. વિશ્વભરમાં દરિયાના કિનારાના વિસ્તારોમાં દરિયાની જળ સપાટી ના વધારાથી રહેલા જોખમને બધા જાણે છે, પરંતુ ધરતીકંપને કારણે પણ અંતરિયાળ વિસ્તારોમાં પૂર આવી શકે છે.
પ્રોફેસર રોબર્ટ વેઇસે જણાવ્યું હતું કે ઉત્તર જાપાનમાં 2011માં તોહોકુ-આેકી વિસ્તારમાં ભૂકંપ થયો હતો અને અણુમથકમાંથી ગળતર થવાથી કિરણોત્સર્ગ પદાર્થ આસપાસના વિસ્તારમાં ફેલાયો હતો. તેમણે જણાવ્યું હતું કે અમારા દ્વારા તાજેતરમાં કરાયેલા સંબંધિત અભ્યાસમાં માલૂમ પડ્યું હતું કે ભવિષ્યમાં નાના સુનામીની માઠી અસર હાલના મોટા સુનામી જેવી હોઇ શકે છે. સંશોધનકર્તા અનુસાર, દરિયાકિનારાના શહેરોમાં દરિયાનું જળસ્તર વધવાને લીધે થનારા ખતરાથી બધા વાકેફ છે પણ એક નવી રિસર્ચથી જાણવા મળ્યું છે કે, ભૂંકપ બાદ આવેલી સુનામીથી કિનારાના શહેરો ઉપરાંત દૂર વસેલા શહેરો અને વસ્તીઓને પણ ખતરો પેદા થઈ શકે છે.
વિજ્ઞાનીઓએ ચીનના મકાઉમાં 2060 સુધીમાં દરિયાની જળ સપાટી 1.5 ફૂટ અને 2100 સુધીમાં ત્રણ ફૂટ વધવાની શક્યતા વ્યક્ત કરી હતી. મકાઉ દક્ષિણ ચીનનો ભારે વસતિવાળો કિનારાનો વિસ્તાર છે.
સંશોધનકારોએ જણાવ્યું હતું કે દક્ષિણ ચીનના દરિયામાં મનિલા બાજુથી મોટા સુનામી નો ભય રહેલો છે. મનિલાના દરિયાકિનારાના વિસ્તારમાં 1560ના દાયકા બાદ 7.8થી વધુની તીવ્રતાવાળો ધરતીકંપ નથી આવ્યો.
સુમાત્રા – આંદામાનના 2004માંના અને ઉત્તર જાપાનમાંના 2011માંના ધરતીકંપથી ભારે જાનહાનિ થઇ હતી. પૃથ્વી પર ગરમીમાં થઇ રહેલા વધારાને લીધે દરિયાની જળ સપાટી વધી રહી છે અને તેથી કેટલાક નાના ટાપુ ભવિષ્યમાં દરિયામાં ડૂબી જવાનો ભય વ્યક્ત કરાય છે.