ઇસ્લામાબાદ,
પાકિસ્તાનમાં યોજવા જઈ રહેલા સાર્ક સંમેલનમાં શામેલ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાકિસ્તાન દ્વારા આમંત્રણ આપવામાં આવી શકે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે આ વાતની જાણકારી આપી હતી.
આ પહેલા આજથી બે વર્ષ પહેલા એટલે કે ૨૦૧૬માં પાકિસ્તાનમાં ૧૯માં સાર્ક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ભારત સહિત ભૂટાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને આ સમિટમાં ભાગ લીધો ન હતો. જો કે ત્યારબાદ આ સંમેલન રદ્દ કરવામાં આવ્યું હતું.
બીજી બાજુ પાકિસ્તાનના કરતારપુર કોરિડોરની આધારશિલાના કાર્યક્રમમાં શામેલ થવા માટે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓએ ઇન્કાર કયો હતો. વિદેશ મંત્રીની જગ્યાએ કેન્દ્રીયમંત્રી હરસિમરત કૌર બાદલ અને હરદીપ પુરી આ કાર્યક્રમમાં શામેલ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે બોર્ડર પાર સંબંધોમાં ખુબ ખટાશ જોવા મળી રહી છે. પાક. દ્વારા સતત આતંક વિરોધી પ્રવૃતિઓ અને સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે, કેન્દ્રની મોદી સરકાર દ્વારા પાડોશી કટ્ટર દેશના આમંત્રણ અંગે શું પ્રતિક્રિયા આપવામાં આવી શકે છે.