Russia Ukraine Crisis/ રશિયા – યુક્રેન વચ્ચે છેડાયેલા યુદ્ધને 1 વર્ષ પૂર્ણ

એક વર્ષ પહેલા વિશ્વ આખાની નજર રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ ઉપર હતી. આખરે 24 ફેબ્રુઆરી 2022ના દિવસે એ જ થયું જેનો ડર આખા વિશ્વને સતાવી રહ્યો હતો. આજે 24 ફેબ્રુઆરીના…

Mantavya Exclusive
Russia and Ukraine Exclusive

Russia and Ukraine Exclusive: એક વર્ષ પહેલા વિશ્વ આખાની નજર રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ ઉપર હતી. આખરે 24 ફેબ્રુઆરી 2022ના દિવસે એ જ થયું જેનો ડર આખા વિશ્વને સતાવી રહ્યો હતો. આજે 24 ફેબ્રુઆરીના દિવસે જ રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધના મંડાળ થયા હતા. યુક્રેનમાં રશિયન મિસાઇલોનો વરસાદ વરસ્યો હતો. આજે રશિયા – યુક્રેન વચ્ચે છેડાયેલા યુદ્ધને 1 વર્ષ થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે, કોઇ પણ યુદ્ધ હોય એ પછી ભલે નાનું હોય કે મોટું. યુદ્ધ હંમેશા તબાહી જ મચાવે છે. આવો જોઈએ યુદ્ધનું એક વર્ષ, મંતવ્ય વિશેષમાં…

ક્યારેય એવું ન વિચારવું જોઇએ કે, કોઇ પણ યુદ્ધ સરળ હોય છે અથવા યુદ્ધ કરવા નીકળેલો વ્યક્તિ તે તબાહી અને તોફાનોને આંકી તેનો સામનો કરી શક્શે. સ્ટેટસમેનને સમજવું જોઈએ કે એકવાર સંકેત મળી જાય પછી તે નીતિનો માસ્ટર નથી, પરંતુ અણધારી અને બેકાબૂ ઘટનાઓનો ગુલામ છે”

રશિયાની યુક્રેન સામેની જંગને આજે બરાબર એક વર્ષ પૂર્ણ થયું છે. આ સ્થિતિમાં બંને પક્ષોની એવી ઘારણા હતી કે, આ યુદ્ધ થોડા સમયમાં સમેટાઈ જશે. આ ધારણા ખોટી પડી છે. એક વર્ષ થયા બાદ પણ બંને વચ્ચે યુદ્ધ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. મહત્વનું છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માનતા હતા કે, તેઓ યુક્રેનને થોડા દિવસોમાં હરાવી દેશે અને દેશને “ડી-નાઝીફાઇંગ” કરવાના તેમના ઉદ્દેશ્યને અનુસરીને, કદાચ પોતાનું શાસન સ્થાપિત કરશે. તેના બદલે, ચાર પૂર્વીય પ્રાંતો – ડોનેટસ્ક, લુહાન્સ્ક, ખેરસન અને ઝાપોરિઝિયામાં પ્રારંભિક પ્રાદેશિક લાભો પછી રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કી હેઠળ યુક્રેનની લડાઈ, યુએસ અને પશ્ચિમના શસ્ત્રો, ગુપ્ત માહિતી અને લશ્કરી સલાહ લઈને રશિયાને યુદ્ધમાં વળતો જવાબ આપ્યો.

યુક્રેન રાજધાની કિવથી રશિયન આક્રમણકારી સૈન્યને પાછળ ધકેલવામાં સફળ રહ્યું છે. આ સાથે નવેમ્બરમાં ખેરસન સહિત કેટલાક અન્ય પ્રાદેશિક નુકસાનને પણ ઉલટફેર કરી દીધું છે. સપ્ટેમ્બર 2022માં રશિયાએ પૂર્વ ડોનબાસના ચાર પ્રાંત દ્વારા પ્રવેશ કરીને તેના પર કબજો જમાવ્યો હતો. જ્યાં રશિયનીકરણ કરવાનું શરૂ કર્યુ હતું. આ પછી રશિયાએ વધુ વિસ્તાર હાંસિલ કરવા માટે યુક્રેન પર તોપખાના અને મિસાઇલોથી બોમ્બમારો કર્યો, શહેરોને નિશાન બનાવ્યા હતા. તદ્દઉપરાંત ઇન્ફાસ્ટ્રકચરનો નાશ કર્યો. જેમાં હજારો નાગરિકોને જાનહાનિ થઇ. યુક્રેનિયન દળોના શરણાગતિ સાથે ડનિટસ્કમાં મેરીયુપોલની લાંબી અને વિનાશક ઘેરાબંધીનો અંત આવ્યો.

ભૌગોલિક રાજકીય પુનરચના

યુક્રેન પર રશિયાના આક્રમણે વિશ્વની ભૌગોલિક ભૂ-રાજનીતિને નવુ રૂપ આપ્યું છે. આક્રમણ અંગેના એલાર્મે યુરોપિયનોનું ધ્યાન પોતાની સુરક્ષા અને સંરક્ષણ પર કેન્દ્રિત કર્યું છે. આ સંદર્ભમાં, પ્રથમ વિશ્વ યુદ્ધ પછીના શાંતિવાદમાંથી જર્મનીનું મેટામોર્ફોસિસ સૌથી નોંધપાત્ર હતું. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે યુરોપ-યુએસ સુરક્ષા ગઠબંધન ફરીથી સક્રિય થયું છે. નાટોએ સ્વીડન અને ફિનલેન્ડના સૂચિત સમાવેશ માટે તેના દરવાજા ખોલ્યા છે, જે ફરી એકવાર રશિયા સામે ગઠબંધનના નવા લશ્કરી મોરચાની રચના કરશે.

ચીનની ગણતરી

પેરિસ, રોમ, બુડાપેસ્ટ, મ્યુનિક સુરક્ષા સંમેલન અને મોસ્કોમાં સ્ટોપ સાથે પૂર્વ ચીનના વિદેશ પ્રધાન વાંગ યીની યુરોપની યાત્રાએ બેઇજિંગની સ્થિતિ અંગે માહિતી આપી. વાંગ, ચીનના સેન્ટ્રલ ફોરેન અફેર્સ કમિશનના વડા છે, તેઓ ગયા વર્ષે મોસ્કોમાં પુતિનને મળ્યા હતા અને ઔપચારિક રીતે મિત્રતાને પુનઃ સમર્થન આપ્યું હતું. પરંતુ એ પણ સાચું છે કે બેઇજિંગ તેના યુરોપના સંબંધોને જોખમમાં નાખવા માંગતું નથી. પશ્ચિમી વિવેચકોએ ચીનના વિદેશીમંત્રી વાંગની મુલાકાતને અપમાનજનક  ગણાવી હતી. વાંગે ફ્રાન્સ અને જર્મનીને તેમની વ્યૂહાત્મક સ્વાયત્તતા પુનઃ પ્રાપ્તનો પ્રસ્તાવ રાખ્યો હતો, પરંતુ તેને સમજમાં ન આવ્યું કે રશિયા આક્રમણને કારણે યુરોપની વિચારધારાને કેટલી હદે બદલી નાંખી છે. યુએસ અને યુરોપ રશિયાને ચીનના શસ્ત્રોના પુરવઠાને લઈને ચિંતિત છે. વાંગે કહ્યું કે તેઓ યુદ્ધની વર્ષગાંઠ પર શાંતિ યોજનાનું અનાવરણ કરશે.

ભારત પર દબાણ

ભારત માટે યુક્રેન યુદ્ધ વ્યૂહાત્મક સ્વાયત્તતાનો ઉપયોગ કરવાનો અવસર રહ્યો છે. “સૂક્ષ્મ” તટસ્થતાને અપનાવીને, દિલ્હીએ મોસ્કો સાથે તેના સંબંધો જાળવી રાખ્યા છે અને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે પશ્ચિમી પ્રતિબંધોની આસપાસ કામ કર્યું છે. ભારતની 25% તેલ ખરીદી હવે રશિયા પાસેથી થાય છે, જે યુદ્ધ પહેલા 2% કરતા પણ ઓછી હતી.

યુક્રેને ભારતને યુએનજીએના ઠરાવને સમર્થન આપવા જણાવ્યું હતું, યુદ્ધની પ્રથમ વર્ષગાંઠના સમયે, રશિયાને તેના પ્રદેશમાંથી ખસી જવા કહ્યું હતું. અત્યાર સુધી યુદ્ધને સમાપ્ત કરવા માટે કોઈ ગંભીર રાજદ્વારી પ્રયાસો કરવામાં આવ્યા નથી. હાલ કોઈ સમાધાન કરવા તૈયાર નથી. ભારતે આશા વ્યક્ત કરી છે કે તે તેની G-20 અધ્યક્ષતાનો ઉપયોગ શાંતિ સ્થાપવા માટે કરી શકે છે.

પુતિને 32 વર્ષે પરમાણુ પરીક્ષણ સાઈટ ખોલી

યુક્રેન પર રશિયાના આક્રમણને એક વર્ષ પૂરું થઈ ગયું છે. એક વર્ષ પછી પણ રશિયા-યુક્રેનનું આ યુદ્ધ પૂરું થવાના કોઈ સંકેત મળતા નથી. અમેરિકન પ્રમુખ જો બાઈડેનની યુક્રેન મુલાકાતથી છંછેડાયેલા રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને યુક્રેન સરહદે દુનિયાની સૌથી શક્તિશાળી પરમાણુ મિસાઈત તૈનાત કરવાની જાહેરાત કરી છે. વધુમાં અમેરિકા સાથે છેલ્લી બાકી રહેલી પરમાણુ સંધી ‘ન્યૂ સ્ટાર્ટ’ તોડ્યા પછી રશિયન પ્રમુખે ૩૨ વર્ષે પરમાણુ પરીક્ષણ સાઈટ ખોલી દુનિયાને પરમાણુ યુદ્ધના કિનારે લાવીને મૂકી દીધી છે.

એક વર્ષ પહેલાં ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ સૈન્ય અભિયાનના નામે રશિયન સૈન્ય યુક્રેન સરહદમાં ઘૂસ્યું હતું. આ સમયે રશિયા ગણતરીના દિવસોમાં યુક્રેન પર વિજય મેળવી લેશે તેમ મનાતું હતું. પરંતુ રશિયાના આક્રમણ સામે દુનિયાના સૌથી શક્તિશાળી સૈન્ય સંગઠન નાટોની લશ્કરી અને હથિયારોની મદદથી યુક્રેને રશિયાને જોરદાર લડત આપી છે. આ એક વર્ષમાં યુદ્ધ શાંત થવાના કોઈ સંકેતો મળ્યા નથી. આવા સંજોગોમાં અમેરિકન પ્રમુખ જો બાઈડેને રવિવારે યુક્રેનની મુલાકાત લઈને રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનને ઉશ્કેર્યા છે. બાઈડેનની યુક્રેન મુલાકાત પછી રશિયન પ્રમુખે અમેરિકા સાથે બાકી રહેલી છેલ્લી પરમાણુ સંધિ ‘ન્યૂ સ્ટાર્ટ’ તોડી નાંખી હતી અને હવે પુતિને ૩૨ વર્ષે તેની પરમાણુ સાઈટ ખોલતાં દુનિયામાં હડકંપ મચી ગયો છે. અમેરિકા-રશિયા વચ્ચેની આ સંધિ તૂટવાની સાથે જ દુનિયા પરમાણુ યુદ્ધના કિનારે પહોંચી ગઈ છે. આ સંધિ રશિયા અને અમેરિકાને નવા પરમાણુ પરીક્ષણો કરતાં રોકતી હતી. પરંતુ અમેરિકન પ્રમુખ બાઈડેને યુક્રેન પહોંચીને ઝેલેન્સ્કીને તમામ મદદની ખાતરી આપતાં રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે રશિયા અને અમેરિકા, યુરોપનું થઈ ગયું છે.

રશિયન પ્રમુખ પુતિન કોઈપણ સંજોગોમાં આ યુદ્ધ હારવા માગતા નથી. પરિણામે તેમણે ૩૨ વર્ષથી બંધ પડેલી રશિયાની નોવાયા જેમલ્યા પરમાણુ પરીક્ષણ સાઈટ ખોલીને દુનિયાને ચોંકાવી દીધી છે. પુતિને આ સાઈટ પર વહેલી તકે પરમાણુ પરીક્ષણ કરવાના પણ નિર્દેશ આપી દીધા છે. તેનાથી દુનિયામાં મહાવિનાશ નિશ્ચિત મનાય છે. ‘નોવાયા જેમલ્યા’ પરમાણુ સાઈટ ખોલવાના પુતિનના નિર્ણયથી યુક્રેન જ નહીં, પરંતુ અમેરિકા અને યુરોપ હચમચી ગયા છે. દુનિયામાં સૌથી વધુ પરમાણુ હથિયારો ધરાવતું રશિયા હવે કોઈપણ હદે જવા તૈયાર છે. આ સાઈટ ખોલવાની સાથે પુતિને દુનિયાની સૌથી શક્તિશાળી પરમાણુ મિસાઈલ તેનાત કરવાની પણ જાહેરાત કરી છે. પુતિને કહ્યું કે, અમે આ વર્ષના અંત સુધીમાં સરમત મિસાઈલ રશિયન સૈન્યમાં તૈનાત કરી દઈશું. તેમની આ જાહેરાતથી પશ્ચિમી દેશોમાં પરમાણુ યુદ્ધનો ડર વધી ગયો છે. આરએસ-૨૮ સરમત લિક્વિડ ફ્યુઅલથી ચાલતી રશિયાની સૌથી ઘાતક મિસાઈલોમાંની એક છે.

પુતિને ક્રેમલિનથી જાહેર કરેલા એક વીડિયો સંદેશમાં કહ્યું કે, અમે પહેલાંની જેમ ન્યૂક્લિયર ટ્રાયડ મજબૂત કરવા પર વિશેષ ધ્યાન આપી રહ્યા છીએ. આ વર્ષે સરમત મિસાઈલ સિસ્ટમના પહેલા લોન્ચરને યુદ્ધક ડ્યુટી પર તૈનાત કરાશે. આ સિવાય પુતિને કહ્યું કે, રશિયા હાઈપરસોનિક કિંજલ મિસાઈલ સિસ્ટમનું મોટાપાયે ઉત્પાદન ચાલુ રાખશે અને ઝિરકોન હાઈપરસોનિક મિસાઈલોનો મોટાપાયે પૂરવઠો શરૂ કરશે. દરમિયાન બાઈડેનના કીવ પહોંચીને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને ખુલ્લું સમર્થન આપવા સામે હવે ચીનના પ્રમુખ શી જિનપિંગ પણ રશિયા પહોંચીને પુતિનને સમર્થન આપશે. ચીનના ચાણક્ય કહેવાતા વાંગ યી હાલ મોસ્કોમાં છે. તેમણે પુતિન સાથે મુલાકાત કરી હતી. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવપૂર્ણ વાતાવરણને જોતાં પુતિને કહ્યું કે, ચીન અને રશિયા વચ્ચે આંતરરાષ્ટ્રીય સહયોગ ખૂબ જ જરૂરી છે. રશિયન પ્રમુખ પુતિને આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપિત કરવામાં ચીનનું સમર્થન માગ્યું છે. હવે ચીનના પ્રમુખ શી જિનપિંગ પણ ટૂંક સમયમાં જ મોસ્કોનો પ્રવાસ કરશે. જિનપિંગ સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ એક ‘શાંતિ ભાષણ’ આપશે તેમ મનાય છે.

યુક્રેન યુદ્ધમાં રશિયા સાથે આવ્યો આ દેશ તો વિશ્વયુદ્ધ ફાટી નીકળશે

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કીએ ચેતવણી આપી છે કે જો ચીન રશિયા સાથે યુદ્ધમાં કૂદી પડશે તો વિશ્વમાં ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો રહેશે. ઝેલેન્સકીએ કહ્યું કે તેમણે ચીનના નેતૃત્વનો સંપર્ક કર્યો છે અને તેમને યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને કોઈ મદદ ન આપવા માટે વિનંતી કરી છે. આ પહેલાં અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ચેતવણી આપી હતી કે ચીન ટૂંક સમયમાં રશિયાને ઘાતક હથિયારો સપ્લાય કરી શકે છે. ઝેલેન્સકી અને અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયા અને ચીનની મિત્રતા નવા શિખરે પહોંચી છે. દરમિયાન નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ચીનનો કૂદકો વાસ્તવમાં વિશ્વ યુદ્ધ શરૂ કરી શકે છે.

ન્યૂયોર્ક ટાઈમ્સના લોકપ્રિય કટારલેખક થોમસ ફ્રીડમેને રવિવારે ચેતવણી આપી હતી કે ચીન રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ‘વાસ્તવિક વિશ્વ યુદ્ધ’માં ધકેલી શકે છે. ફ્રાઈડમેને એક ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘ચીન ઈચ્છશે કે તે આ યુદ્ધને લંબાવશે જેથી અમેરિકા ફસાઈ જાય અને અમે અમારા તમામ શસ્ત્રો અને લશ્કરી સ્ટોર્સને ખતમ કરી રહ્યા છીએ. અમેરિકન નિષ્ણાતે કહ્યું કે મારું માનવું છે કે ચીન ઇચ્છશે કે રશિયા નબળું પડે, જે તેને આર્થિક રીતે બેઇજિંગ પર નિર્ભર કરશે. જોકે, ચીન નથી ઈચ્છતું કે રશિયાનું પતન થાય.

‘જો ચીન યુદ્ધમાં જોડાશે તો વિશ્વયુદ્ધ થશે’

થોમસ ફ્રીડમેને કહ્યું, ‘જો પશ્ચિમી દેશો રશિયાને ઝુકાવવામાં સફળ થાય છે તો તે તાઈવાન માટે ખૂબ જ ખરાબ સંકેત છે. તેથી મને લાગે છે કે ચાઇનીઝ આ વિશે ચિંતિત હશે. તેમણે કહ્યું કે જો ચીન આ યુદ્ધમાં જોડાશે તો તે વાસ્તવિક વિશ્વયુદ્ધ હશે. તે દરેક વૈશ્વિક બજારને અસર કરશે અને  આ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું છે કે તેમણે ચીનના વિદેશ મંત્રીને રશિયાને મદદ કરવા અંગે ચેતવણી આપી છે.

બ્લિંકને કહ્યું કે જો ચીન યુક્રેન યુદ્ધમાં રશિયાની મદદ કરશે તો તેને ‘ભારે કિંમત’ ચૂકવવી પડશે. જ્યારે ચીનના હથિયારોની મદદ અંગે પુરાવા માંગવામાં આવ્યા ત્યારે બ્લિંકને કહ્યું, ‘ચીન તેને બે રીતે કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સાર્વજનિક રીતે ચીન એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે તે યુક્રેનમાં શાંતિ ઈચ્છે છે પરંતુ ખાનગીમાં મેં એમ પણ કહ્યું છે કે તે રશિયાને સીધી બિન-ઘાતક સહાય આપી રહ્યું છે. તેમણે કહ્યું કે એવા સંકેતો મળી રહ્યા છે કે ચીન હવે રશિયાને ઘાતક સહાય આપવા પર વિચાર કરી રહ્યું છે.

રશિયા યુક્રેન યુદ્ધને એક વર્ષ પૂર્ણ થયું. તેની દુનિયાએ મોટી કિંમત ચૂકવી છે. યુક્રેનમાં હજારો લોકો માર્યા ગયા છે. શાળા, કોલેજો, હોસ્પિટલો, ઈમારતોને ભારે નુકસાન થયું છે. હવે જોઈએ આ યુદ્ધ કેવી કરવટ બદલે છે.

આ પણ વાંચો: Adani-Hindenberg-AuditFirm/ અદાણી-હિન્ડનબર્ગ કેસનું રિપોર્ટિંગ રોકવાની વાત સુપ્રીમ કોર્ટે નકારી