Jamnagar News : જામનગર મહાનગરપાલિકાની ICDS (ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસિસ) શાખા હેઠળ ફરજ બજાવતી 112 આંગણવાડી (Anganwadi) કાર્યકર બહેનોએ સામૂહિક રાજીનામા આપી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે. પગારમાં સતત વિલંબ, બાળકોના નાસ્તાના બિલના બાકી ચૂકવણાં અને વિવિધ વહીવટી સમસ્યાઓને લઈને કાર્યકરોમાં ભારે અસંતોષ ફેલાયો છે.
આંગણવાડી (Anganwadi) કાર્યકર બહેનોના જણાવ્યા અનુસાર છેલ્લા 8 થી 9 મહિનાથી બાળકોને આપવામાં આવતા ફૂડ (નાસ્તા) સંબંધિત બિલના નાણાં ચૂકવવામાં આવ્યા નથી. ઉપરાંત માસિક પગાર પણ સમયસર ન મળતા આર્થિક સંકટ વધુ ગંભીર બન્યું છે. કાર્યકરોનું કહેવું છે કે અન્ય વિભાગોના કર્મચારીઓને મહિનાની શરૂઆતમાં પગાર મળી જાય છે, જ્યારે આંગણવાડી બહેનોને ઘણીવાર મહિનાના અંતિમ ભાગ સુધી રાહ જોવી પડે છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) હેઠળ OTP આધારિત સ્ટોક વિતરણ વ્યવસ્થામાં વારંવાર ટેકનિકલ ખામીઓ સર્જાતી હોવાનું પણ કાર્યકરોએ જણાવ્યું છે. OTP જનરેટ ન થતાં જથ્થાનું વિતરણ અટકી જાય છે, જેના કારણે અધિકારીઓની ચકાસણી દરમિયાન કાર્યકરોને કારણદર્શક નોટિસોનો સામનો કરવો પડે છે.
આંગણવાડી (Anganwadi) કાર્યકર વૈશાલી રાઠોડે જણાવ્યું હતું કે નાસ્તાના બિલ બાકી રહેતાં બાળકોને પૂરતું અને ગુણવત્તાયુક્ત પોષણ પૂરું પાડવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. સાથે જ MMY, FRS, વસ્તી ગણતરી, પોલિયો અભિયાન સહિતની વધારાની કામગીરીઓ પણ સોંપવામાં આવતી હોવાથી મૂળભૂત જવાબદારીઓ પર અસર પડી રહી છે.
કાર્યકરોના જણાવ્યા મુજબ વિવિધ યોજનાઓ માટે જરૂરી સામગ્રી એકસાથે ઉપલબ્ધ ન થતાં વારંવાર વોર્ડ કચેરી સુધી જવું પડે છે, જેના કારણે સમય અને મહેનત બંનેનો વધારાનો બોજો વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં બાળકોને પૂરક પોષણ અને પ્રાથમિક શિક્ષણ આપવાનું મુખ્ય કાર્ય અસરગ્રસ્ત બન્યું છે.
આ મુદ્દે આંગણવાડી કાર્યકરોએ જામનગરના મેયરને રજૂઆત કરી હતી. મેયરે પ્રશ્નોના નિરાકરણ માટે વિચારણા કરવાની ખાતરી આપતા કાર્યકરોને પ્રાથમિક સ્તરે સંતોષકારક જવાબ મળ્યો હોવાનું જણાવાયું છે.
તેમ છતાં કાર્યકરોએ ચેતવણી આપી છે કે જો નાસ્તાના બિલની ચુકવણી, સમયસર પગાર અને ઓનલાઈન પોર્ટલની ટેકનિકલ સમસ્યાઓનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.
