ટોક્યો,
હવામાન વિભાગની જાણકારી અનુસાર જાપાનમાં જેબી નામનું ચક્રવાતી તોફાન પોતાના કેન્દ્રથી 162 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી આગળ વધી રહ્યું છે. વર્ષ 1993 પછીનું આ સૌથી વધારે ભયાનક વાવાઝોડું છે.
જાપાનમાં મંગળવારે છેલ્લા 25 વર્ષનું સૌથી વધારે શક્તિશાળી તોફાન આવ્યું છે. આખા દેશમાં ઝડપી હવા અને ભારે વરસાદના લીધે અત્યાર સુધીમાં 10 લોકોના મૃત્યુ થયા છે અને બીજા 160થી વધુ લોકો ઘાયલ થયા છે.
તોફાનના લીધે ઘણાય મકાનોના છાપરા ઉડી ગયા હતા અને કેટલાક પુલ પર ઉભા રહેલા ટ્રક ઊંધા પડી ગયા હતા. જેબી વાવાઝોડુંના લીધે એક ટેન્કર એરપોર્ટના પુલને અથડાવાથી ઘણું નુકશાન થયું છે.
વાવાઝોડાને લીધે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કંસાઈ સાથે સંપર્ક છૂટી ગયો છે. સંપર્ક છૂટી જવાથી 3000 જેટલા મુસાફરો હાલ ફસાઈ ગયા છે અને 800 ફ્લાઇટને કેન્સલ કરવામાં આવી છે.
એરપોર્ટના અધિકારીનું કહેવું છે કે પુલના સમારકામની કામગીરી હાલ ચાલુ કરી દીધી છે પરંતુ તેને કેટલો સમય લાગશે તે જણાવ્યું નથી.
વાવાઝોડાને લીધે ઘણાય એરપોર્ટ પર પાણી ભરાઈ ગયા છે જેને લીધે ફ્લાઇટ કેન્સલ કરવા પડી છે. જાપાનના પશ્ચિમ ભાગના તટવર્તી વિસ્તરમાં જેબી વાવાઝોડું ત્રાટક્યું હતું। 216 કિમી પ્રતિ કલાકની ઝડપથી આવેલા આ ચક્રવાતને લીધે ઘણી જગ્યાએ મુશળધાર વરસાદ પણ પડ્યો છે.
આ કુદરતી તોફાનને લીધે વડાપ્રધાન સિન્ઝો અબેએ લોકો ને જેમ બને તેમ ઝડપથી ઘર ખાલી કરવા માટે સૂચના આપી છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનની શક્યતાને લીધે 3 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાના નિર્દેશ આપ્યા છે.