સુરેન્દ્રનગર/ 16 ઓકટોબરથી ઘૂડખર અભયારણ્ય સહિતના 27 અભ્યારણ્યો પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાશે

ધૂડખરનો સંવનનકાળનો સમય હો 16 જૂનથી 15 ઓક્ટોબર ચાર મહિના અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરાયુ હતુ

Gujarat Others
SSS 9 16 ઓકટોબરથી ઘૂડખર અભયારણ્ય સહિતના 27 અભ્યારણ્યો પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાશે

રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ધૂડખરનો સંવનનકાળનો સમય હોઇ 16 જૂનથી 15 ઓક્ટોબર ચાર મહિના અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરાયુ હતુ. આજે 16 ઓક્ટોબરથી ઘૂડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું છે. પણ રણમાં હજી વરસાદી પાણી અને કાદચ કીચડ જોવા મળતા એની સીધી અસર પ્રવાસન ક્ષેત્ર પર જોવા મળશે.

ગુજરાતમાં કુલ 27 અભયારણ્યો આવેલા છે. જેમાં રણકાંઠામાં 4954 ચો.કિ.મી.માં ફેલાયેલુ ઘૂડખર અભયારણ્ય પણ આવેલું છે. જ્યાં વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા 6082 જેટલા ઘૂડખરો વસવાટ કરે છે. ઘૂડખર પ્રાણીનો સંવનનકાળનો સમય હોઇ એમને ખલેલ ન પહોંચે એટલે આ ઘૂડખર અભયારણ્ય દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સતત ચાર મહિના સુધી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે.

16 ઓક્ટોબરથી ઘૂડખર અભયારણ્ય સહિતના ગુજરાતના તમામ 27 અભયારણ્યો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. આ અંગે વધુ વિગત આપતા બજાણા ઘુડખર અભયારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અનિલભાઇ રાઠવાએ જણાવ્યું કે, આજથી ઘૂડખર અભયારણ્ય ખુલ્લુ મુકવામાં આવ્યું છે. પરંતુ ચાલુ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ અને રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની નદીઓના પાણી રણમાં ઠલવાતા હજી પણ રણમાં વરસાદી પાણીનો ભરાવો અને કાદવ કીચડનું સામ્રાજ્ય છે. તંત્ર દ્વારા એને યુધ્ધના ધોરણે વ્યવસ્થિત કરવાની તજવીજ હાથ ધરાઇ છે. જેથી કરીને અભયારણ્ય પ્રવાસીઓ માટે ઝડપી ખુલે એવા પ્રયત્નો હાથ ધરાયા છે. જેથી કરીને દિવાળીના તહેવારો નિમિત્તે પ્રવાસન ઉદ્યોગને એની અસર ન પડે.

પાટડીના વેરાન રણમાં અગરિયાઓ અને ઘૂડખર પર રિસર્ચ માટે અત્યાર સુધીમાં વિદેશી મહિલાઓ સહિત 20થી વધુ મહિલાઓનો રણમાં પડાવ નાખી રિસર્ચ બાદ વિશ્વ લેવલે નામના મેળવી છે. જેમાં એક જર્મન લેડીએ ઘૂડખરના પાડેલા ફોટાને આંતરરાષ્ટ્રીય લેવલે 46 એવોર્ડ મળ્યાં હતા. જ્યારે પાટડીના રણમાં યુવતિએ પાડેલા અગરિયાઓના ફોટા વિશ્વ લેવલે છપાયા હતા અને સાથે વિશ્વના શ્રેષ્ઠ 100 ફોટોગ્રાફરોમાં પણ આ યુવતિનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો. જ્યારે પાટડીના રણમાં મીઠું પકવતી 104 વર્ષની સૌથી વધુ વયોવૃદ્ધ મહિલા પર એક મહિલાએ જ ડોક્યુમેન્ટરી ફિલ્મે ખુબ નામના મેળવી હતી.

પાટડીના રણમાં આઝાદી પહેલા બ્રિટિશ હુકુમત સમયેથી પરંપરાગતરીતે મીઠું પકવતા છેવાડાના માનવી ગણાતા એવા અગરિયા સમુદાયની સાથે વર્ષના આઠ મહિના દુનિયાથી અલિપ્ત રહેતી અગરિયા મહિલાઓ પર રિસર્ચ કરવા કે રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘૂડખર પર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા અને અગરિયાઓના જીવન પર પીએચડી કરવા અત્યાર સુધીમાં વિદેશી મહિલાઓ સહિત 20થી વધુ મહિલાઓએ રણ ખુંદી વિશ્વ લેવલે નામના મેળવી પછાત ગણાતા એવા રણકાંઠાનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર ગુંજતુ કર્યું છે.

જેમાં ડો.ગ્રટરૂડ અને હેલ્મુટ ડેનઝાઉ નામના જર્મન દંપતી આજથી 34 વર્ષ અગાઉ સને 1984માં પ્રથમ વખત જ્યારે ખારાઘોઢા રણની મુલાકાતે આવ્યા ત્યારે જર્મન મહિલાએ મહિનાઓ સુધી રણમાં ડેર‍ા તંબુ તાણી બે ઘૂડખરનું એક મુખ દેખાતું હોય એવો એક્સક્લુઝીવ ફોટો પાડ્યો હતો. વધુમાં આ ફોટાની ખાસીયત એ હતી કે, આ ફોટાને જોઇને કોઇ કહી ના શકે કે આ મુખ બે માંથી ક્યા ઘૂડખરનું છે. આ ફોટાને અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય લેવલે 46 જેટલા એવોર્ડો મળેલા છે. રણમાં ઘૂડખર પોતાના બચ્ચાને જન્મ આપતો લાઇવ ફોટો લેનાર આ જર્મન મહિલા વિશ્વની એકમાત્ર મહિલા છે.

એ જ રીતે અમદાવાદની યુવતિ પ્રભા જયેશ પટેલે રણમાં 0થી 50 ડીગ્રી સેલ્સીયસ તાપમાનમાં રણ તંબુ શાળામાં ભણતા અગરિયા ભુલકાઓનાં પાડેલ‍ા ફોટા ‘ધ અધર 100’ નામના પુસ્તકના પ્રથમ પાને છપાયા છે. જેમાં વિશ્વના શ્રેષ્ઠ 100 ફોટોગ્રાફરોમાં પાટડીની યુવતિનો સમાવેશ થતા પછાત રણકાંઠાનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર ગુંજતુ થયુ છે. વધુમાં વિશ્વના 100 ફોટોગ્રાફરોની યાદીમાં બ્રાઝીલ, સ્પેન, ઇન્ડોનેશીયા, ઓસ્ટ્રલિયા, અફઘાનિસ્તાન, શ્રીલંકા, પાકિસ્તાન, ઇટાલી, અમેરીકા, રસીયા, ચાઇના, ફ્રાન્સ અને જર્મની સહિતના વિશ્વના 100 ફોટોગ્રાફરોમાં ભારતના માત્ર બે જ ફોટોગ્રાફરોનો સમાવેશ કરાયો હતો. જેમાં એક કોલકત્તાના સુદિપ્તો દાસ અને અમદાવાદની પ્રભા જયેશ એ બેનો જ સમાવેશ કરાયો છે. જેમાં અમદાવાદની ફોટોગ્રાફર યુવતિ પ્રભા જયેશના રણમાં તંબુશાળા ભણતા અગરિયા ભુલકાઓના કુલ બે ફોટા છપાયા હતા. જેમાં એક ફોટો રણમાં ઉપર આકાશ અને નીચે ધરતી તળે બ્રાઉન્ડ્રીની હદમાં તંબુશાળામાં ભણતા ભુલકાઓનો ફોટો પુસ્તકના પ્રથમ પાને છપાયો હતો. અને બીજો રણસ્કુલનો જ ફોટો પુસ્તકના પાના નં. 121 અને 122 પર છપાયો હતો.

જેમાં રાજસ્થાનમાં ફાનસના અજવાળે ચાલતી રાત્રી શાળા, કોલકત્તામાં વ્હિલચેર પર ચાલતી શાળા, લદાખમાં પર્વતની ટોચ પર ચાલતી શાળા, ઓરિસ્સામાં ટેકરી પર ચાલતી શાળા, આંન્ધ્રપ્રદેશમાં પાણીમાં હોડીમાં ચાલતી શાળા, કાશ્મિરમાં સરોવરની વચ્ચે ટાપુમાં ચાલતી શાળા, જૂની દિલ્હીમાં ગીચ ગલીમાં ચાલતી શાળા, લદાખમાં મઢમાં ચાલતી શાળા અને મુંબઇમાં બસમાં ચાલતી એક શાળા સહિત ગુજરાતની એકમાત્ર વેરાન રણમાં કંતાનના ઝુંપડામાં ચાલતી રણ શાળાનો દેશની દશ દુર્લભ શાળામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.