ગઈકાલે દશામાતાના દસ દિવસના ઉત્સવ અંતે વિસર્જન હતું. પરંતુ આનંદનો આ દિવસ કેટલાક લોકો માટે શોકમાં પરિવર્તન પામ્યો છે. વડોદરા નજીક સિંઘરોડ મહી નદીમાં એક હોમગાર્ડ સહિત બે યુવાનો અને સાવલી તાલુકાના કનોડા ગામ પાસે રણછોડપુરા ગામના વતની 3 યુવાન ડૂબી ગયા હતા. વડોદરા ફાયર બ્રિગેડે આ યુવાનોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ઘર્યું હતું. જોકે, ફાયર બ્રિગેડને બે યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. બીજા ત્રણ યુવાનોની શોધખોળ ચાલી રહી છે.વડોદરા નજીક સિંધરોટ મહી નદીમાં એક હોમગાર્ડ જવાન સહિત બે યુવાનો ડૂબી ગયા હતા.
મૂર્તિનું વિસર્જન કરતી વખતે ચેકડેમ પાસેના ધસમસતા પ્રવાહમાં પ્રજ્ઞેશ માછી તણાવા લાગ્યો હતો. પ્રજ્ઞેશ મદદ માટે બૂમો પાડતા મિત્ર સાગર કુરી પાણીમાં કુદી પડ્યો હતો પરંતુ પાણીનું જોર વધારે હોય બંને જણા તણાઈને લાપતા થઈ ગયા હતા. બનાવની જાણ થતા હોમગાર્ડ જયેશ શર્મા તથા અન્ય હોમગાર્ડ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી બંને મિત્રોની શોધ ચલાવી હતી. બે પૈકી એક મિત્રનો મૃતદેહ મળી આવ્યો છે. બીજો લાપતા છે.
બંને મિત્રો પાણીમાં તણાઈ જતા કિશનવાડીમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે દશામાની મૂર્તિના વિસર્જન માટે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોવા છતાં તંત્ર દ્વારા સિંઘરોટ નદી પર કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી.
બીજી તરફ સાવલી તાલુકાના કનોડા ગામમાં રણછોડપુરા ગામના 3 યુવાનો સંજય ગોહિલ (32), કૌશિક ગોહિલ (20) અને વિશાલ ગોહિલ (15) પરિવારજનો સાથે દશામાની મૂર્તનું વિસર્જન કરવા કનોડા ગામ પાસેથી પસાર થતી મહી નદી પર ગયા હતા ત્યારે ધસમસતા પાણીમાં ત્રણેય યુવાનો એકબીજાને બચાવવા જતા ડૂબી જતા લાપતા થયા હતા.
ગામમાં વાત પહોંચતા ગ્રામજનો નદી કિનારે દોડી ગયા હતા. ત્રણેય યુવાનોના પરિવારજનોએ આક્રંદ મચાવી દીધો હતો. કનોડા ગામના સરપંચ મહેશ વાઘેલાએ ફાયર બ્રિગેડને જાણ કરતા લાશ્કરો પહોંચી ગયા હતા. તપાસમાં સંજય ગોહિલનો મૃતદેહ મળી આવ્યો હતો. સંજય પરિણીત છે અને તેના બે સંતાન પણ છે. ખેતી કરીને તે પરિવારનું ગુજરાન ચલાવતો હતો. કૌશિક કોલેજમાં અભ્યાસ કરે છે અને વિશાલ ધો. 10માં ભણે છે.
આ પણ વાંચો:અમદાવાદના 15 ટકા કેમેરા હજુ પણ બંધ હાલતમાં, કરોડોનું મેન્ટેનન્સ શા માટે?
આ પણ વાંચો:તથ્ય પટેલનો ચિઠો આવતી કાલે કોર્ટમાં!