@અમિત રૂપાપરા
હાલ સુરત સહિત સમગ્ર રાજ્યમાં આંખ આવવાની બીમારીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના અલગ અલગ શહેરની ઘણી શાળાઓમાં બાળકોને આંખ આવી હોવા છતાં ભણવા આવવા માટે શાળા દ્વારા મજબૂર કરવામાં આવે છે. તેવામાં સુરતની શાળાઓએ હકારાત્મક અભિગમ અપનાવ્યો છે અને જે બાળકોની આંખ આવી હોય તેમને સ્વેચ્છિક રજા આપવામાં આવે છે. આ ઉપરાંત પરીક્ષા દરમિયાન પણ આવા બાળકની પાછળથી પરીક્ષા લેવા માટે શાળા દ્વારા નિર્ણય કરાયો છે. તો બીજી તરફ જો વાલીના મનમાં પરીક્ષાને લઈને કોઈ ડર હોય તો આવો બાળકો માટે અલગ બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને બાળકને આંખ આવે તેવી પરિસ્થિતિમાં ફરજિયાત ચશ્મા પહેરીને શાળાએ આવવા માટે જણાવવામાં આવે છે. આ ઉપરાંત આવા બાળકોને આગળની બેંચોમાં એક સાથે બેસાડવામાં આવે છે જેથી અન્ય બાળકોમાં આ રોગ ન પ્રસરે છે.
હાલ સુરત સહિત સમગ્ર રાજ્યમાં આંખના રોગમાં વધારો થઈ રહ્યો છે. આ રોગને કંજક્ટિવાઈટિસ નામથી ઓળખવામાં આવે છે અને સામાન્ય રીતે લોકો આ બીમારીને આંખ આવવી તેવું કહે છે. ત્યારે રાજ્યના અલગ અલગ શહેરની ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓને આંખ આવી હોવા છતાં ભણવા આવવા માટે દબાણ કરવામાં આવતું હોવાની માહિતી સામે આવેલી છે. ત્યારે આ બીમારીને લઈને સુરત શહેરની શાળા દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઇ તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓને શાળા દ્વારા જ ઘરે રહેવાનું સૂચન કરવામાં આવે છે ત્યારે આવી પરિસ્થિતિમાં સુરતની કેટલીક શાળાઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, શાળામાં અભ્યાસ કરતા જો કોઈ વિદ્યાર્થીની આંખ આવે તો તેને સ્વેચ્છાએ બે દિવસની રજા આપવામાં આવે છે અને ત્રીજા દિવસે જો વાલી શાળાએ બાળકને મોકલે તો ફરજિયાત બાળકને ચશ્મા પહેરીને શાળાએ આવવા જણાવવામાં આવે છે એટલે કે અન્ય બાળકોને આંખ આવવાની બીમારી ન લાગે તે માટે સુરતની કેટલીક શાળાઓ દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જો વાલી પોતાના બાળકને બે દિવસની રજા બાદ ફરી શાળાએ મોકલે તો આવા બાળકોને ચશ્મા પહેરીને પહેલી બેન્ચોમાં બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે. જેથી કરીને શાળામાં અભ્યાસ કરતા અન્ય બાળકોમાં આ રોગ ન ફેલાય.
તો હાલ પરીક્ષા ચાલી રહી હોવાના કારણે ઘણી શાળાઓ દ્વારા જે વિદ્યાર્થીઓની આંખ આવી હોય તે વિદ્યાર્થીઓની પરીક્ષા પાછી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ જો વાલીઓના મનમાં બાળકોની પરીક્ષાને લઈને કોઈ પણ પ્રકારનો ડર હોય તો આવા બાળકોને પરીક્ષા આપવા શાળાએ બોલાવવામાં તો આવે છે પરંતુ તેમના માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે કે જે વિદ્યાર્થીઓની આંખ આવી હોય તે વિદ્યાર્થીઓને ચશ્મા પહેરીને શાળાએ પરીક્ષા આપવા બોલાવવામાં આવે છે અને આ તમામ વિદ્યાર્થીઓને એક અલગ રૂમમાં એટલે કે પરીક્ષા ખંડમાં બેસાડીને પરીક્ષા અપાવવામાં આવે છે. મહત્વની વાત એ છે કે જો શિક્ષક એટલે કે સુપરવાઇઝિંગ કરનાર ખંડ નિરીક્ષક પણ પોતે ચશ્મા પહેરીને જ આ બાળકોની પરીક્ષાનું નિરીક્ષણ કરે છે.
આંખ અવવાની બીમારી પહેલા ઘણા લક્ષણો દેખાય છે. જેમાં આંખમાં લાલાશ જણાય છે, આ ઉપરાંત આંખમાં દુખાવો થાય અથવા તો ચેપડા થાય છે અને જો આવા કોઈ પણ પ્રકારના લક્ષણો બાળકમાં કે કોઈ ઘરના સભ્યોમાં જોવા મળે તો તાત્કાલિક લોકોએ નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવી જોઈએ. ડોક્ટરની સલાહથી મેડિકલ સ્ટોરમાંથી ડોક્ટરે જણાવેલા આંખના ટીપાનો ઉપયોગ કરવો જોઈએ. ડોક્ટરની સલાહ વગર મેડિકલ સ્ટોરમાંથી આંખના ટીપા લેવા ન જોઈએ. આ ઉપરાંત જો કોઈને આંખ આવી હોય તો તેમને પૂરતી તકેદારી રાખવી જોઈએ કે પોતાનો હાથ રૂમાલ, ટુવાલ તથા વ્યક્તિગત વપરાશની જે ચીજો હોય તેને અલગ રાખવી અને લોકોનો સંપર્ક ટાળવો જોઈએ. જો કે આ બીમારી ઓછા સમય સુધી રહેતી હોવાના કારણે દર્દીએ ગભરાવાની કે પરિવારના સભ્યોએ વધુ ચિંતા કરવાની જરૂર નથી અને જો કોઈને આંખ આવે તો તેમને પોતાની આંખને ચશ્માથી કવર કરીને રાખવી જોઈએ.
આ પણ વાંચો:જૂનાગઢમાં ઈમારત ધરાશાયી થતા બે પુત્રો અને પતિ ગુમાવ્યા બાદ મહિલાનો આપઘાત
આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જુલાઈએ આવશે ગુજરાતની મુલાકાતે, સૌરાષ્ટ્રને આપશે મોટી ભેટ
આ પણ વાંચો:રીલ્સનો કેવો ક્રેઝ છે! લોકોએ લાઈક્સ અને વ્યુઝ માટે રસ્તાની વચ્ચે કર્યા ગરબા