ગુજરાતભરમાં ચકચાર જગાવનાર અને પોલીસબેડાંમાં ફફડાટ માચાવતી માહિતી બહાર આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલની બુટલેગરો પર થતી રેડ પર છેલ્લા કેટલાય સમયથી ચોક્કસ બુટલેગરો પરની રેડ નિષ્ફળ નીવડતી હતી. દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટીલ અને SMC ના ડી.વાય.એસ.પી. કે.ટી.કામરીયાની તપાસમાં જાણવા મળ્યું હતું કે ભરૂચ એલ.સી.બી.ના ટેક્નિકલ સર્વેલન્સમાં ફરજ બજાવતા મયુર વાઘેલા અને અશોક સોલંકી દ્વારા પોલીસ રેડ અને અધિકારીઓના લોકેશનની માહિતી બુટલેગરો સહિત કેમિકલ માફિયાઓને અપાતી હતી. બન્ને કોન્સ્ટેબલ દ્વારા IPS અધિકારીઓ સહિત એસ.એમ.સી. પોલિસના 15 પોલીસકર્મીના મોબાઈલ લોકેશન છેલ્લા ૩ મહિનામાં 600 વખત બુટલેગરોને આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે ભરૂચ પોલીસવડા ડૉ. લીના પાટીલે ટેક્નિકલ સર્વેલન્સમાં બુટલેગરો માટે ફરજ બજાવતા કોન્સ્ટેબલ મયુર અને અશોકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે પોલીસ જ પોલીસની માહિતી બુટલેગરોને આપતી હોય ત્યારે બુટલેગરો બેફામ બનતા હોય તેમાં કોઈ શક નથી. ત્યારે આ પોલીસ ડિપાર્ટમેન્ટના મોબાઈલ લોકેશન આપવાનું કાંડ કેટલા સમયથી ચાલતું હતું. કેટલા બુટલેગરોને માહિતી વેચાય અન્ય કેટલા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ આ સમગ્ર પોલીસ દ્વારા જ પોલીસની જાસૂસી કાંડમાં સામેલ હતા સહિતની વિગતો આગામી સમયમાં જાહેર થાય તો તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
પોલિસ રેડ થાય તે પહેલાં બતમીદારનું નામ જાહેર થઈ જતું હોવાના અઢળક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જાગૃત નાગરિકો દ્વારા બુટલેગરોની દારૂની હેરાફેરી કે વેપારને લઈ પોલીસ પર ભરોસો મૂકી માહિતી આપતાં હોય છે ત્યારે પોલીસ રેડ કરવા પહોંચે તે પહેલાં જ બુટલેગરો સજાગ બની ગેરકાયદેસર દારૂને સગેવગે કરી માહિતી આપનાર પર જીવલેણ હુમલા કરતાં હોય છે જેના કારણે પોલીસે લોકોનો ભરોસો ગુમાવ્યો છે અને પરિણામ સ્વરૂપે બુટલેગરો બેફામ બની ગેરકાયદેસર દારૂનો વેપાર કરે છે.
ભરૂચમાં થોડા દિવસો પહેલા બબુલ નામક બુટલેગરની માહિતી જાગૃત નાગરિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટને આપી હતી જોકે થોડા જ સમયમાં બુટલેગરોએ ભેગા મળી માહિતી આપનાર અને તેના બે મિત્રો પર જીવલેણ હુમલો કર્યો હતો. જોકે ત્યારબાદ પોલીસે બે બુટલેગરોને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જોકે માહિતી આપનારના નામો બુટલેગરો સુધી કેવી રીતે પહોંચ્યા તે તપાસ ચાલી રહી છે. ત્યારે માહિતી લીક કરી બુટલેગરોને પ્રોત્સાહન આપતા પોલીસ કર્મીઓને પણ સસ્પેન્ડ કરી ઉદાહરણરૂપી કાર્યવાહી કરવામાં આવવા તો પોલીસ પ્રજાનો મિત્ર છે તે ઉક્તિ ખરા અર્થમાં સાર્થક થાય. અસામાજિક તત્વો જેવા બુટલેગરોના આમ પ્રજા પર હુમલા અટકે અને ખરાબ દારૂના વેચાણના પગલે કેટલાય પરિવારો ઉજડતા બચે.
ભરૂચ જિલ્લાના કેટલાય વિસ્તારોમા આજે પણ દારૂ વેચાતો હોવાની લોકો દ્વારા રજુઆતો થાય છે, માહિતીઓ અપાતી રહે છે, પોલિસ દ્વારા રોજેરોજ દારૂડિયાઓને પકડી કેસો કરતા હોય છે. બીજી તરફ એક દારૂડિયાને દારૂના વેચાણ સ્થળની માહિતી મળી જતી હોય છે પણ પોલીસ ડિપાર્ટમેન્ટના ડી-સ્ટાફ કે બીટ જમાદારોને પોતાના વિસ્તારમાં દારૂના વેચાણ કે હેરાફેરીની ચોક્કસ માહિતી ન મળતી હોય તે કેવી રીતે માની શકાય. જો પોલીસ ડિપાર્ટમેન્ટ કડકાઈથી કામગીરી આરંભે તો દારૂડિયાઓ પાસેથી દારૂ વેચનારની જગ્યા અને નામ મળી રહે, જે બાદ દારૂના સપ્લાયર, વેપારી અને આ કાંડમાં સંડોવાયેલા તમામની માહિતી મળી શકે છે. જિલ્લા પોલીસ આ બાબતે ગંભીરતાથી છેલ્લા વ્યક્તિ સુધી અને રૂપિયા ધીરનાર સહિતના નામ ઉજાગર કરી તમામને જેલના સળિયા પાછળ ધકેલી સામાન્ય લોકોનો વિશ્વાસ જીતી શકે છે. ત્યારે બુટલેગરોના રખેવાળા સમાન પોલીસ અધિકરીઓ કે પોલીસકર્મીઓમાં કોલ ડિટેઇલની સઘન તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
આ પણ વાંચો:અમદાવાદ ગોદરેજ સીટીમાં આગ લાગતા મહિલાનું મોત, પતિએ પત્નીની હત્યા કર્યા બાદ આગ લગાવી હોવાની આશંકા
આ પણ વાંચો:અમદાવાદમાં આજથી પેપર કપ પર પ્રતિબંધ, કમિશનરના આ નિર્ણય પર મેયરે આપ્યો આ જવાબ,જાણો
આ પણ વાંચો:મોંઘવારીએ માઝા મૂકી, સીંગતેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
