RRVL/ 7-ઇલેવન કન્વિનિયન્સ સ્ટોર્સ ભારતમાં શરૂ કરવા માટે માસ્ટર ફ્રેન્ચાઇઝી કરાર કર્યા

પહેલો 7-ઇલેવન સ્ટોર 9 ઓક્ટોબર શનિવારે મુંબઈના અંધેરી ઇસ્ટમાં શરૂ કરવામાં આવશે, ત્યારબાદ ગ્રેટર મુંબઈ ક્લસ્ટરના મહત્વના વિસ્તારો અને કોમર્શિયલ સંકુલોમાં ઝડપથી સ્ટોર્સ શરૂ કરવામાં આવશે

Business
77 7-ઇલેવન કન્વિનિયન્સ સ્ટોર્સ ભારતમાં શરૂ કરવા માટે માસ્ટર ફ્રેન્ચાઇઝી કરાર કર્યા

રિલાયન્સ ગ્રૂપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે (આરઆરવીએલ) અમેરિકાના ટેક્સાસની ફૂડ રિટેલ ચેઇન સ્ટોર્સ કંપની 7-ઇલેવન, ઇન્ક (સીઇઆઇ) સાથે ભારતમાં 7-ઇલેવન કન્વિનિયન્સ સ્ટોર્સ ભારતમાં શરૂ કરવા માટે માસ્ટર ફ્રેન્ચાઇઝી કરાર કર્યા છે. પહેલો 7-ઇલેવન સ્ટોર 9 ઓક્ટોબર શનિવારે મુંબઈના અંધેરી ઇસ્ટમાં શરૂ કરવામાં આવશે. ત્યારબાદ ગ્રેટર મુંબઈ ક્લસ્ટરના મહત્વના વિસ્તારો અને કોમર્શિયલ સંકુલોમાં ઝડપથી સ્ટોર્સ શરૂ કરવામાં આવશે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું કે, રિલાયન્સમાં અમે અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ ઓફર કરવામાં ગર્વ અનુભવીએ છીએ અને સમગ્ર વિશ્વમાં ભરોસાપાત્ર સ્ટોર્સ તરીકે પ્રસિદ્ધ 7-ઇલેવનને ભારતમાં લાવતાં ગર્વ અનુભવીએ છીએ. કન્વિનિયન્સ રિટેલ ક્ષેત્રે 7-ઇલેવન વિશ્વની સૌથી પ્રસિદ્ધ બ્રાન્ડ્સમાંની એક છે. અમે સીઇઆઇ સાથે મળીને જે કેડી કંરાડવાના છીએ તેમાં ભારતીય ગ્રાહકોને તેમની નજીકમાં જ વધુ સુવિધા અને પસંદગીઓ મળશે.

અગાઉ ભારતના ફ્યુચર ગ્રુપ સાથે 7-ઇલેવનની ડીલ થઈ હતી પરંતુ તે શક્ય ન બનતા બંને કંપનીઓ વચ્ચે બુધવારે જ કરારનો અંત થયો હતો. ફ્યુચર ગ્રુપ સાથેની ડીલના અંતના એક દિવસ બાદ જ રિલાયન્સે 7-ઇલેવન સાથે જોડાણ કરી પહેલો સ્ટોર શરૂ કરવાની જાહેરાત પણ કરી છે. વિશ્વના 18 દેશોમાં 7-ઇલેવનના 77,000થી વધારે સ્ટોર્સ આવેલા છે. સીઇઆઇના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જોએ ડીપિન્ટોએ કહ્યું કે, ભારત વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે અને વિશ્વનું સૌથી તેજ ગતિએ આગળ વધતું અર્થતંત્ર પણ છે. વિશ્વના સૌથી મોટા કન્વિનિયન્સ રિટેલર તરીકે અમારા માટે આ સૌથી શ્રેષ્ઠ સમય છે કે અમે ભારતમાં પ્રવેશ કરીએ. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ સાથે અમારી વ્યુહાત્મક ભાગીદારી 7-ઇલેવન બ્રાન્ડના અનુકૂળ ઉત્પાદનો અને સેવાઓ લાખો ભારતીયો સુધી પહોંચાડશે અને તેની શરૂઆત મુંબઈથી થઈ રહી છે.

7-ઇલેવન સ્ટોર્સ ગ્રાહકોને નવીન પ્રકારની અનુકૂળતા પૂરી પાડે છે, જેમાં અનેક પ્રકારના ઠંડાપીણા, નાસ્તા અને સ્થાનિક સ્વાદને અનુરૂપ તૈયાર કરાયેલી વાનગીઓ, ઉપરાંત દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે જેમાં પોસાય તેવી કિંમતો અને સ્વચ્છતા સ્ટોરના કેન્દ્રસ્થાને રહેશે. સ્ટોર્સના ઝડપી વિસ્તરણ આયોજન સાથે આ શરૂઆત સ્થાનિક રોજગારી પૂરી પાડવામાં મહત્વનું યોગદાન આપે તેવી અપેક્ષા છે અને સુગમ ખાદ્યપદાર્થો પૂરા પાડવાનું માળખું પણ તૈયાર કરશે. સેવન ઇલેવન ઇન્ક આરઆરવીએલને ભારતમાં 7-ઇલેવન કન્વિનિયન્સ રિટેલ બિઝનેસ મોડેલના અમલીકરણ તથા સ્થાનિકીકરણ કરવામાં મદદ કરશે, જેમાં શ્રેષ્ઠત્તમ પ્રક્રિયાઓ અને વ્યવહારો લાવવાનો પણ સમાવેશ થાય છે.