બેંગલુરુના એક બાયોલોજિકલ પાર્કમાં વાયરસના ફેલાવાને કારણે હંગામો મચી ગયો હતો. બેંગલુરુના બેનરઘટ્ટા બાયોલોજિકલ પાર્કમાં દીપડાના સાત બચ્ચા અત્યંત ચેપી વાયરસથી સંક્રમિત થયા બાદ મૃત્યુ પામ્યા છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે ફેલાઈન પેનલેયુકોપેનિયા બિલાડીનો એક વાયરલ રોગ છે જે ફેલાઈન પરવોવાઈરસ દ્વારા ફેલાય છે. તેમણે કહ્યું કે બિલાડીના બચ્ચાં તેનાથી સૌથી વધુ પ્રભાવિત થાય છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ રોગના પ્રથમ કેસ 22 ઓગસ્ટના રોજ નોંધાયા હતા. જીવ ગુમાવનારા સાત દીપડાના બચ્ચા ત્રણથી આઠ મહિનાના હતા. તેને રસી આપવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બાયોલોજિકલ પાર્કના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એ.વી. સૂર્ય સેને જણાવ્યું હતું કે તમામ સાત બચ્ચાઓને રસી આપવામાં આવી હોવા છતાં તેમને ચેપ લાગ્યો હતો.
હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને છેલ્લા 15 દિવસમાં એક પણ બચ્ચાનું મૃત્યુ નોંધાયું નથી,” તેમણે કહ્યું. અમે તમામ જરૂરી પગલાં લીધાં છે, તમામ જરૂરી પ્રક્રિયાઓનું પાલન કર્યું છે અને અમારા વરિષ્ઠ પશુચિકિત્સકો સાથે પણ ચર્ચા કરી છે. અમે સમગ્ર પ્રાણી સંગ્રહાલયમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરી છે અને રેસ્ક્યુ સેન્ટરનું ડિસઇન્ફેક્શન પણ સંપૂર્ણ રીતે કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે 22 ઓગસ્ટે ચેપ જોવા મળ્યો હતો અને 15 દિવસમાં, વાયરસથી સંક્રમિત આ સાત બચ્ચા મૃત્યુ પામ્યા હતા. અમે સફારી વિસ્તારમાં નવ દીપડાના બચ્ચા છોડ્યા હતા, જેમાંથી ચાર ચેપગ્રસ્ત થયા અને મૃત્યુ પામ્યા. રેસ્ક્યુ સેન્ટરમાં અન્ય ત્રણ બચ્ચાઓને પણ ચેપ લાગ્યો હતો અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. સંક્રમિત થયા પછી, આ તમામ બચ્ચા યોગ્ય સારવાર છતાં બે અઠવાડિયામાં મૃત્યુ પામ્યા હતા.