Ahmedabad News : અમદાવાદ શહેરમાં ડિજિટલ અરેસ્ટ (Digital Arrest)ના નામે વૃદ્ધ મહિલાને છેતરપિંડીનો ભોગ બનાવવાનો ગંભીર પ્રયાસ સાયબર ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ અને બેંક ઓફ બરોડાના સતર્ક અધિકારીઓએ સમયસર હસ્તક્ષેપ કરી નિષ્ફળ બનાવ્યો છે. આ કાર્યવાહીમાં રૂ. 27,00,000 ની રકમ અજાણ્યા ખાતામાં જમા થતી અટકાવી એક વૃદ્ધ નાગરિકને ભારે આર્થિક નુકસાનથી બચાવવામાં આવ્યા છે.
પોલીસ કમિશનરની સૂચનાથી મજબૂત સંકલન
માનનીય પોલીસ કમિશનરશ્રી અમદાવાદ શહેર અને સંયુક્ત પોલીસ કમિશન ક્રાઈમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બેંક અધિકારીઓ સાથે સતત સંકલન રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે. શંકાસ્પદ વ્યવહાર જણાતાં તરત સાયબર ક્રાઈમ બ્રાન્ચને જાણ કરવા માટે ખાસ મિકેનિઝમ ઊભું કરવામાં આવ્યું છે.
Digital Arrest ફ્રોડનો બેન્ક સ્ટાફની સતર્કતાથી ખુલાસો

23.12.2025ના રોજ સાબરમતી વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની બ્રાંચમાં એક વૃદ્ધ મહિલા પોતાની તમામ ફિક્સ્ડ ડિપોઝિટ તોડીને રૂ. 27 લાખ એક અજાણ્યા ખાતામાં જમા કરાવવા ઉતાવળ કરી રહી હતી. RTGS ક્લીયરન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હર્ષદભાઈ પરમારને આ વ્યવહાર શંકાસ્પદ લાગતાં બેંક મેનેજર દિલીપ ચૌહાણને જાણ કરી હતી.
બેંક મેનેજર અને અન્ય અધિકારીઓએ મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ ડરી ગયેલા અને ગભરાયેલા હાલતમાં હતા. તેમના ચહેરા પરથી સ્પષ્ટ થતું હતું કે કોઈએ તેમને ધમકી આપી દબાણ કર્યું છે. આથી તરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી.
સાયબર ક્રાઈમ ટીમનો ઝડપી પ્રતિસાદ
માહિતી મળતા જ ઈન્ચાર્જ નાયબ પોલીસ કમિશનરશ્રીના આદેશથી PSI ઈશ્વર પટેલ અને કોન્સ્ટેબલ પ્રવીણ સોલંકી સહિતની ટીમ બેંક પર પહોંચી. પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું કે મહિલાને “ડિજિટલ અરેસ્ટ”ના નામે અજાણ્યા લોકો દ્વારા ધમકાવી પૈસા જમા કરાવવા મજબૂર કરવામાં આવી રહી હતી.
‘NIA ચીફ’ બનીને ધમકી
તપાસ દરમિયાન મહિલાના મોબાઈલમાં વોટ્સએપ કોલ અને મેસેજ મળ્યા, જેમાં એક વ્યક્તિ પોતાને NIA ચીફ બતાવી રહ્યો હતો. તેણે મહિલાને જણાવ્યું હતું કે તેમના આધારકાર્ડનો ઉપયોગ કરીને મની લોન્ડરિંગ અને દેશવિરોધી પ્રવૃત્તિ થઈ છે અને તપાસ માટે “વેરિફિકેશન”ના બહાને તમામ નાણા એક ખાતામાં જમા કરાવવાના રહેશે.
ડિજિટલ અરેસ્ટ (Digital Arrest) ફ્રોડની હકીકત સમજાવી
સાયબર ક્રાઈમ અધિકારીઓએ મહિલાને સમજાવ્યું કે કાયદામાં “ડિજિટલ અરેસ્ટ” (Digital Arrest) જેવી કોઈ પ્રક્રિયા નથી. કોઈપણ સરકારી એજન્સી ફોન અથવા વોટ્સએપ દ્વારા પૈસાની માંગ કરતી નથી. આ સમજણ બાદ મહિલાને છેતરપિંડીમાંથી બહાર કાઢી રૂ. 27 લાખ જમા થતી રોકવામાં આવ્યા.
સાયબર ક્રાઈમની મોટી સફળતા
ઈન્ચાર્જ DCP હાર્દિક માકડિયા સાહેબે પણ જાતે વાત કરી નકલી અધિકારીને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફ્રોડસ્ટરે કોલ કટ કરી દીધો. અંતે મહિલાને સુરક્ષિત રીતે સાયબર ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
નાગરિકો માટે ચેતવણી
સાયબર ક્રાઈમ બ્રાન્ચે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ પોલીસ, CBI, NIA કે ATS અધિકારી ફોન પર પૈસાની માંગ કરે તો તરત શંકા રાખવી
“ડિજિટલ અરેસ્ટ”(Digital Arrest) નામે કોઈ કાનૂની પ્રક્રિયા નથી
આવી સ્થિતિમાં તરત નજીકની પોલીસ અથવા સાયબર ક્રાઈમ હેલ્પલાઇનનો સંપર્ક કરવો
આ સમગ્ર ઘટના અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ અને બેંક અધિકારીઓની સતર્કતા, ઝડપી કાર્યવાહી અને નાગરિકોની આર્થિક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે.
