સોલ્ટ માફિયાઓએ કચ્છનો બરોબરનો ભરડો લઈ લીધો છે. તેઓએ એટલી બિન્ધાસ્ત ઘૂસણખોરી કરી છે કે તેના કારણે કચ્છના અગરિયાઓથી લઈને તેના ઘુડખર અને મેન્ગ્રોવ્સનું અસ્તિત્વ ભયમાં મૂકાયું છે. આજે તેમના કારણે પરિસ્થિતિ એવી આવી છે કે કચ્છના દરિયાકિનારાનું રક્ષણ કરતાં મેન્ગ્રોવ્સ ખતમ થવાના આરે આવીને ઊભા છે. કોર્ટ વારંવાર ચુકાદા આપતી રહી છે અને તંત્રની ઝાટકણી કાઢતી રહી છે, પરંતુ સોલ્ટ માફિયા બિન્દાસ્ત છે.
આ સોલ્ટ માફિયાઓ કચ્છની દરિયાઈ સૃષ્ટિ, કચ્છની વનસૃષ્ટિ, કચ્છની ઓળખ સમાન ખરાઈ નામની પ્રજાતિના ઊંટો બધાનું એકસાથે નિકંદન કાઢીને બેફામ નફો રળી રહ્યા છે. આ ખાસ પ્રજાતિના ઊંટો લાંબા અંતર સુધી તરવા માટે જાણીતા છે. પણ તેઓ ચારા માટે મેન્ગ્રોવ્સ પર નિર્ભર રહે છે. હવે આ મેન્ગ્રોવ્સનું જ નિકંદન નીકળવા લાગતા તેમના અસ્તિત્વ પર સવાલ સર્જાયો છે. તેની સાથે તેમના પર નિર્ભર માલધારીઓની આજીવિકા પણ ભયમાં મૂકાઈ છે.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 2020માં આવેલા ચુકાદામાં સ્પષ્ટ જણાવ્યું છે કે ગુજરાત વનવિભાગ અને ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી અને મહેસૂલી અધિકારીઓ સંયુક્ત રીતે તપાસ કરીને ક્રીકની ખાડીઓમાં ગેરકાયદેસર રીતે થતા સોલ્ટ મેન્યુફેક્ચરિંગ અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓને ઓળખી કાઢે અને તેના માટે જવાબદાર દોષિતો સામે કાયદાકીય કાર્યવાહી કરે. તેની સાથે મેન્ગ્રોવ્સને પુનઃ સ્થાપિત કરવામાં આવે જેથી કચ્છના દરિયાકિનારે જમીનના ધોવાણને અટકાવી શકાય. આમ છતાં પણ આજે સ્થિતિમાં કોઈ ફેરફાર પડ્યો નથી.
કચ્છની પર્યાવરણના સંતુલનને થઈ રહેલા નુકસાનની નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે નોંધ લીધી છે, એનજીટી આને લઈને ગુજરાત સરકારને હાઈકોર્ટમાં પણ લઈ ગઈ છે અને હાઇકોર્ટે નોટિસ પણ આપી છે. છતાં પણ સોલ્ટ માફિયાઓની કામગીરીમાં કોઈ ઘટાડો થયો નથી. આજે કચ્છના મેન્ગ્રોવ્સની સંખ્યા સાડા ચાર હજાર હેક્ટર કરતાં પણ વધુ હતી તે ઘટીને 1,500 હેક્ટરથી પણ ઓછી થઈ ગઈ છે. છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે.
કચ્છ ઊંટ ઉચેરક માલધારી સંગઠન (KUUMS)ના પ્રમુખ આશાભાઈ રબારીના જણાવ્યા મુજબ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશો છતાં મેન્ગ્રોવ્સનું નિકંદન જારી જ રહ્યુ છે. કચ્છ જિલ્લાએ સૌથી વધારે પ્રમાણમાં મેન્ગ્રોવ્સ ગુમાવ્યા છે. સતત નિકંદનના કારણે મેન્ગ્રોવ્સનો વ્યાપ 2018થી 2023માં 4,084 હેક્ટરથી ઘટીને 1,312 હેક્ટર જ થઈ ગયો છે. તેની સામે સોલ્ટ માફિયાઓની સોલ્ટ પાન કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ) -1માં 13,681 હેકટરથી વધીને 17,918 હેક્ટર થઈ છે. હવે વિચાર કરો કે કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની અંદર સોલ્ટ માફિયાઓની આ અવિરત ઘૂસણખોરીથી મોટો પુરાવો વધારે કયો જોઈએ.
આ ઉપરાંત ગુજરાત પ્રદૂષણ નિયમન બોર્ડ અને ભચાઉના ડેપ્યુટી કલેક્ટરના સાઇટ રિપોર્ટમાં સોલ્ટ માફિયાઓએ કરેલા પ્રદૂષણ અને દબાણનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આશાભાઈના જણાવ્યા મુજબ એનજીટીના 2019ના આદેશ છતાં પણ સીઆરઝેડ-1 ઝોનમાં મેન્ગ્રોવ્સનુ પ્રમાણ યથાવત્ કરવાની વાત તો બાજુએ રહી પરંતુ તેનું ઉત્તરોતર વધુને વધુ નિકંદન કાઢવામાં આવી રહ્યુ છે. બુલડોઝરો ચલાવીને અને આગ લગાવીને આખી જમીન ખાલી કરવામાં આવી રહી છે.
કચ્છ કામેલ બ્રીડર્સ એસોસિયેશનના પ્રમુખ ભીખાબાઈ રબારીનું કહેવું છે કે કચ્છના ઊંટનો ઉછેર કરનારાઓ પેઢીઓથી સંઘર્ષ કરતા આવ્યા છે અને હજી પણ સંઘર્ષ જારી જ છે. માલધારી સમાજ પાસે પોતાની જમીન નથી, હવે તેને ચરાવવા માટેના ઊંટોની જમીનનો જો સોલ્ટ માફિયાઓ આ રીતે ખુડદો બોલાવશે તો અમારે તો ભૂખે મરવાના દિવસો આવશે. ઊંટો માટે ચારાની જમીન નહીં હોય તો તે જીવશે કઈ રીતે અને તે નહીં જીવી શકે તો અમે કઈ રીતે જીવીશું તેવો સવાલ તેમણે કર્યો હતો.
આ બતાવે છે કે તંત્ર નિયમનું પાલન કરવામાં અને કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડ્યુ છે. સોલ્ટ માફિયાઓ એકપણ નિયમનું પાલન કરી રહ્યા નથી, જમીનના પટ્ટાઓ પર તંત્રની કોઈપણ પ્રકારની મંજૂરી વગર મીઠાના અગરો બનાવીને બેફામ નફો રળવો તે જ તેમનું કામ છે. આ સોલ્ટ માફિયાઓ આખા કચ્છની ઇકોલોજિકલ સિસ્ટમને કાયમનું કહી શકાય તેવું નુકસાન પહોંચાડી રહ્યા છે, પરંતુ તંત્રના પેટનું પાણી સુદ્ધા હાલતું નથી.
આ ઉપરાંત કચ્છનું ઘુડખર અભયારણ્ય જેની 1973મા સ્થાપના કરવામાં આવી હતી. તેના અસ્તિત્વ સામે પણ સોલ્ટ માફિયાઓના કારણે ભય સર્જાયો છે. આજે સોલ્ટ માફિયાઓ જમીન પર ગેરકાયદેસર રીતે મીઠુ પકવતા-પકવતા છેક ઘુડખર અભયારણ્યના દરવાજા પર આવી ગયા છે. હવે આ માફિયાઓનો ડોળો ઘુડખર અભ્યારણ્યની જમીન પર છે. ઘુડખર અભ્યારણ્ય ફક્ત ગુજરાત અને ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં જાણીતું છે. અહીં જોવા મળતા ઘુડખરોની પ્રજાતિ આખા વિશ્વમાં ક્યાંય જોવા મળતી નથી. આ ઘુડખરો તેથી તો નૃવંશ શાસ્ત્રીઓથી લઈને પશુ નિષ્ણાતો માટે અભ્યાસનો વિષય છે. તેના પર જાતજાતના અભ્યાસ થાય છે. તેમની વસ્તી જાળવવાના રાજ્ય સરકારના સવિશેષ પ્રયત્નોના કારણે આજે તેની સંખ્યા સાડા સાત હજાર કરતાં પણ વધારે છે.
સોલ્ટ માફિયાઓએ ઘુડખરોને પોષણ આપતી જમીન પર જ સોલ્ટ માઇનિંગ કરવા લાગતા શાકાહારી ઘુડખર માટે ચારાની જમીન સંકોચાવવા માંડી છે. આ સોલ્ટ માફિયાઓને ઘુડખરોના અસ્તિત્વની કોઈ પડી નથી. હવે આ ઘુડખરોની સખ્યામાં જરા પણ ઘટાડો થશે તો તેનો પડઘા છેક કચ્છ કે ગાંધીનગર સુધી જ મર્યાદિત નહી રહે, રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પડી શકે છે. આ ઘુડખરો એક સમયે હરિયાણાથી લઈને રાજસ્થાન ગુજરાત અને પાક.ના સિંધ સુધી જોવા મળતા હતા, પરંતુ સમય વીતવાની સાથે-સાથે તે ખતમ થતા ગયા અને ગુજરાતમાં તે કચ્છ પૂરતા જ સીમિત છે. આ ઘુડખર પ્રતિ કલાક 70 કિ.મી.ની ઝડપે દોડી શકતાં હોવાનું કહેવાય છે. આ ઘુડખર અભ્યારણ્ય 15,510 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલું છે.
આજે ઘુડખરની જાળવણી કરવા અને તેનો ટ્રેક રાખવા ડ્રોન કેમેરા, કેમેરા ટ્રેપ્સ અને ફોરેસ્ટ મોડ્યુલ્સનો ઉપયોગ કરે છે. રાજ્યમાં એક સમયે 1976માં ફક્ત 720 ઘુડખર જ હતા અને તેનું અસ્તિત્વ પણ બીજી પ્રજાતિઓની જેમ ખતમ થઈ જશે તેમ કહેવાતુ હતુ. તેની સામે રાજ્ય સરકારના સઘન પ્રયત્નોની સાથે આજે ઘુડખરની સંખ્યા સાડા સાત હજારને વટાવી ગઈ છે. પણ કચ્છનું વર્તમાન તંત્ર જાણે રાજ્ય સરકારના વર્તમાન પ્રયત્નોથી વિપરીત રીતે જ વરતી રહ્યું છે.
કચ્છના વહીવટીતંત્રની ફરજ નથી કે તે તપાસ કરે કે સોલ્ટ માફિયાઓ ઘુડખર જેવા વિશ્વપ્રસિદ્ધ અભ્યારણ્યની આટલા નજીક કઈ રીતે આવી ગયા. ફક્ત સોલ્ટ માફિયા જ કેમ ગમે તેવી કંપની કે તેની ફેક્ટરી આ અભ્યારણ્યની નજીક ફરકવી પણ જોઈએ. આગામી દિવસોમાં આ સોલ્ટ માફિયા અભ્યારણ્યની જમીન કબ્જે કરવા માંડશે ત્યારે પણ તંત્ર હાથ પર હાથ ધરીને બેસી જ રહેશે. શું તંત્ર આ રીતે વિશ્વપ્રસિદ્ધ અભ્યારણ્યની જાળવણી કરશે.
આ સોલ્ટ માફિયાઓને દાદાગીરી કેટલી વધી ગઈ છે તેનો પુરાવો ફેબ્રુઆરી 2023માં કચ્છમાં ઘણા અગરિયાઓને તેમની જગ્યા ખાલી કરવાના આદેશ પરથી મળ્યો હતો. અગરિયાઓ કચ્છના આ રણમાં સો કરતાં પણ વધારે વર્ષોથી મીઠું પકવે છે. તેમને પાઠવવામાં આવેલી નોટિસમાં જણાવાયું હતું કે જે અગરિયાઓએ ઓફિસિયલ સરવે એન્ડ સેટલમેન્ટ પ્રોસેસ (એસ એન્ડ એસ)માં પોતાને નોંધાવ્યા ન હોય તે બધાને 1972ના વન્યજીવન સંરક્ષણ ધારા હેઠળ અતિક્રમણ કરનારા ગણવામાં આવશે.
હવે સ્થિતિ એવી છે કે 1997માં આ પ્રક્રિયા શરૂ થઈ ત્યારે 90 ટકા અગરિયાઓએ જાણકારીના અભાવે આવી કોઈપણ બાબત હેઠળ અરજી કરી ન હતી. એક તો તેમની પાસે આ અંગે માહિતીનો અભાવ હતો અને બીજું તેઓ આ પ્રક્રિયાને લઈને જાગૃત ન હતા. આના કારણે સદીઓથી ઘુડખરો સાથે શાંતિથી સહઅસ્તિત્વ ધરાવતા અગરિયાઓ સમજી ન શક્યા કે શા માટે તેમને જમીનનો અધિકાર આપવામાં આવી રહ્યો નથી અને એટલું જ નહીં તેમની પોતાની જમીન પરથી ખદેડવામાં આવી રહ્યા છે.
આ સિવાય જે અગરિયાઓએ અરજી કરી છે અને તેમને મંજૂરી મળી છે તેના પર તો સોલ્ટ માઇનિંગ કંપનીઓએ પોતાનો અધિકાર જમાવી દીધો છે. તેના કારણે અગરિયાઓએ પોતાની જ જમીન પર મજૂરી કરવાના દહાડા આવ્યા છે. અગરિયાઓ જે નવા ગણોત બની રહ્યા હોય તેવી સ્થિતિ છે. આજે આ સોલ્ટ માફિયાઓની દાદાગીરીના કારણે અગરિયાઓ પર દબાણ લાવવામાં આવી રહ્યુ છે અને જે જમીન પર સદીઓથી તે મીઠું પકવતા હતા તેમને તે જમીનવિહોણા થવાની ફરજ પાડવામાં આવી રહી છે.
સ્થાનિકોનું કહેવું છે કે આ સોલ્ટ માફિયાઓએ 35 હજારથી પણ વધારે જમીન પચાવી પાડી છે. તેઓ બેફામ છે અને બેરોકટોક છે. તેના કારણે ગ્રામજનોને મળતા રસ્તા પર પાણી ફરી વળ્યું છે. સરકાર ગમે તેવો સારો રસ્તો બનાવી આપે, પરંતુ આ સોલ્ટ માફિયાઓની રોજની 400થી 500 જેટલી દોડતી ઓવર લોડેડ ટ્રકો ગમે તેવા સારામાં સારા રસ્તાને ભંગાર બનાવી રહ્યા છે.
આ મામલે કચ્છના ભચાઉ કોંગ્રેસ શહેર પ્રમુખ મનજીભાઈ રાઠોડે સવાલ ઉઠાવ્યો હતો કે સરકારે 1995માં 50 અગરિયાઓને 10-10 એકર જ જમીન ભાડાપટ્ટે આપી છે તો પછી બહુ-બહુ તો 250 એકર જમીન તેમની પાસે હોય, પરંતુ આજે હજારો એકર જમીન સોલ્ટ માફિયા અને ભૂમાફિયાના કબ્જામાં કેમ છે. આટલા સમયથી સોલ્ટ માફિયાઓ હજારો એકર જમીન પર સરકાર સાથે કોઈપણ પ્રકારનો કરાર કર્યા વગર બિન્દાસ્ત સોલ્ટ માઇનિંગ કરે છે તે કયા આધારે કરે છે. ગરીબોના ઝૂંપડા પર ત્રાટકતું તંત્ર સોલ્ટ માફિયા સામે કેમ પંગુ બની જાય છે. તેમા પણ સ્થાનિકો કંઈપણ કરવા જાય તો તેમની પર કેસ કરીને તેમને જેલભેગા કરીને દબાવાય છે.
તેમનો દાવો હતો કે આ સોલ્ટ માફિયાઓ ઇચ્છે તેની ધરપકડ કરાવી શકે છે, ઇચ્છે તેને જેલમા નંખાવી શકે છે, ઇચ્છે તે અધિકારીની ટ્રાન્સફર કરાવી શકે છે. તેમને તાબે ન થતાં સરકારી અધિકારી પર ગોળીબાર કરવામાં આવે છે. આ ગેરકાયદે સોલ્ટ માફિયાઓએ સરકારને કરોડો રૂપિયાને ફટકો માર્યો છે. વાસ્તવમાં સરકાર જો આ જમીન કબ્જે લે અને અગરિયાઓને ખેડવા આપે અથવા તો લીઝ પર આપે તો તેને કંઇ પણ આવક થાય, પણ અહીં તો સરકારી જમીન પર સોલ્ટ માફિયાઓ ખેતી કરીને નફો રળી જાય છે.
ગ્રામીણોનું કહેવું છે કે ડમ્પરોના ત્રાસના કારણે કેટલાય યુવાનોના મોત થયા છે. આ બેફામ ચાલતા ડમ્પરોએ કેટલાયને કચડી નાખ્યા છે. ગેરકાયદે દોડતા ડમ્પરોએ કેટલાયના ઘર ઉજાડી નાખ્યા છે. ડમ્પરો પર પાછી તાડપત્રી પણ રાખતા નથી, તેના કારણે ઉડતુ મીઠું કેટલાય ખેતરોને ઉજાડી રહ્યું છે. અમારી તો સ્થિતિ એવી છે કે અમે જાણે કચ્છમાં રહેવાનું લૂણ ચૂકવી રહ્યા હોય તેમ અમને લાગી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટે છેલ્લે આપેલા ચુકાદામાં રાજસ્થાન અને ગુજરાત સરકારને ઘોરાડ નામના લુપ્ત થતા પક્ષીને બચાવવાને લઈને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાનમાં તો કેટલીક ભાવિ ઊર્જા યોજનાઓ પર પ્રતિબંધ પણ મૂક્યો છે. આ પક્ષીના અસ્તિત્વને બચાવવા માટે સુપ્રીમ કોર્ટે રાજસ્થાન અને ગુજરાતના થઈને 14,753 વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં સોલર પાર્ક, પવન ઉર્જા અને હાઈટેન્શન વાયરવાળી વીજલાઇનો પર પ્રતિબંધ ફરમાવ્યો છે, જેથી ઘોરાડ પક્ષીનું પ્રાકૃતિક રહેઠાણ સલામત રાખી શકાય. રાજસ્થાનમાં 14,013 કિલોમીટરના વિસ્તારમાં ઉપરોક્ત પ્રોજેક્ટમાંથી કોઈ પ્રોજેક્ટ નહીં થઈ શકે, જ્યારે ગુજરાતમાં 740 કિ.મી.ના વિસ્તારમાં ઉપર દર્શાવેલા કોઈપણ પ્રકારના પ્રોજેક્ટ પર પ્રતિબંધ મૂકાવી દેવાયો છે. કોર્ટે લુપ્ત થતાં આ પક્ષીની પ્રજાતિ પર ચાંપતી નજર રાખવા જણાવાયું છે, જેથી તેને લુપ્ત થતું બચાવી શકાય. આગામી દિવસોમાં સુપ્રીમ આવો ચુકાદો રાજ્યમાં ઘુડખર અભ્યારણ્યને બચાવવા સોલ્ટ માફિયાઓ સામે આપે તો આશ્ચર્ય નહીં થાય, આખા તંત્રમાં સોંપો પડી જશે.
આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે
આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો
