ગુજરાતને મહિલાઓ માટે સલામત માનવાના દાવા કરવામાં આવે છે. દિવસે તો શું રાત્રે પણ મહિલા એકલી ફરી શકે તેમ કહેવાય છે. ગુજરાતમાં 22 લાખથી પણ વધુ મહિલાઓ ઇન્કમ ટેક્સ ભરતી હોવાની વાતને સ્ત્રીસશક્તિકરણ તરીકે રજૂ કરવામાં આવે છે. આ બધાની વચ્ચે ગુજરાતમાં સગીરાથી લઈને મહિલાઓ પર રેપ થતો હોય તેવા કિસ્સા સામાન્ય બની ગયા છે. આમ સ્ત્રી સલામતીના દાવાનો અહીં છેદ ઉડી જાય છે.

આટલું ઓછું હોય તેમ અમરેલીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અમરેલીની વિદ્યાસભામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ આબુના પ્રવાસે ગઈ હતી. તે સમયે કોલેજના નિયામક ગિરીશ ભીમાણીએ કેટલીક વિદ્યાર્થીઓને નશાની હાલતમાં છેડછાડ કર્યાની વાત પ્રસરતા ચકચાર મચી ગઈ છે. પોલીસે પણ આ વાતને દાદ ન આપતા આ વાત છેક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સુધી પહોંચી ગઈ હતી.

અમરેલીના ABVPના આગેવાનોનો આક્ષેપ છે કે બીસીએ કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માઉન્ટ આબુના પ્રવાસે ગયા હતા. આ પ્રવાસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર અને હાલમાં અમરેલીની વિદ્યાસભામાં કોલેજ વિભાગમાં ફરજ બજાવતા ગિરીશ ભીમાણી કાર દ્વારા આબુ આવ્યા હતા. ભીમાણીએ દારૂના નશામાં વિદ્યાર્થીનીઓને સારી હોટેલમાં રહેવાની અને કોલ્ડ ડ્રિન્ક્સની લાલચ આપી હતી. આ બહાને દસેક વિદ્યાર્થીનીઓને તેમની મરજી વિરુદ્ધ અડપલા કર્યા હતા. તેમની સાથે અશ્લીલ વર્તન કર્યુ હતું. તેમની હાજરીમાં બીભત્સ વાર્તાલાપ કર્યો હતો.

જો કે તેમની સાથે ગયેલા સ્ટાફે મામલો સંભાળ્યો હતો અને સાહેબ ભાનમાં નથી તેમ કહી વાત વિસારે પાડી દીધી હતી. જો કે એબીવીપીએ આ મામલામાં ઝંપલાવતા વિદ્યાસભાના સંચાલકે ગિરીશ ભીમાણીની હકાલપટ્ટી કરી નાખી હતી. જો કે આ વિવાદ અહીં પૂરો થયો નથી. કોંગ્રેસના આગેવાન જેનીબેન ઠુમ્મરે આ વિવાદમાં ઝંપલાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે શાસકો દાવો કરે છે મહિલાઓની સલામતીનો દાવો કરે છે, પરંતુ અહીં તો સલામતી તો ઠીક શું મહિલા સાથે દુર્વ્યવહાર થાય તો પોલીસ ફરિયાદ પણ લેતી નથી. ઉપરથી પીડિતને ધક્કા ખવડાવે છે. આ કયા પ્રકારનું સ્ત્રી સશક્તિકરણ છે તે સમજાવવું જરૂરી છે.

આ તો ફક્ત જાહેર થયેલી વાત છે, આ સિવાય આ પ્રકારે કેટલાય નરરાક્ષસોએ દીકરીઓને પીંખી જ નહી હોય તેની શું ખાતરી. ગુજરાતમાં સબસલામતના દાવા હેઠળ દીકરીઓ રોજ પીંખાય છે. આજે કોઈ રસ્તે ચાલતો અલેલટપ્પુ કે અસામાજિક તત્વ આ પ્રકારની કામગીરી કરે તો સમજી શકાય. પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જેવો હોદ્દો સંભાળી ચૂકેલી ગિરીશ ભીમાણી આ પ્રકારનો વર્તાવ દીકરીઓ સાથે કરે તો પછી સ્ત્રી સશક્તિકરણની વાતો એક બણગા જ થઈને.

સમાજની અંદર આ પ્રકારના શિક્ષિત વરુઓ ફરતા હશે તો પછી કન્યા કેળવણીના મોરચે આગળ વધવુ કઈ રીતે. કોલેજના તંત્રએ તો તેમને છૂટા કરી દીધા, પણ આવું કરનારાઓ સામે પોલીસ આકરી કાર્યવાહી કરતી હોય છે, તેમનું સરઘસ કાઢતી હોય છે, શું હવે આ ગિરીશ ભીમાણીનું સરઘસ નહીં કાઢવામાં આવે. યુવતીની છેડતી કરનાર સામે કોઈ લુખ્ખો હોય કે વાઇસ ચાન્સેલર હોય, કાર્યવાહી કેમ એકસરખી ન થાય. તેમા કેમ ભેદભાવ આચરવો જોઈએ. કાર્યવાહી પણ શું હોદ્દો અને રાજકીય વગ જોઈને કરવામાં આવે છે.
જેનીબેન ઠુમરે જણાવ્યું હતું કે આ યુવતીના માબાપ પોલીસ સ્ટેશને ગિરીશ ભીમાણી સામે ફરિયાદ નોંધાવવા ગયા તો તેમની ફરિયાદ પણ ન નોંધાઈ. હવે વિચારો કે આ એક કે બે દીકરીની વાત નથી, ડઝનથી પણ વધુ દીકરીઓની વાત છે. આટલા બધાની વાત પણ પોલીસ સાંભળવા તૈયાર છે, આ બતાવે છે કે ગિરીશ ભીમાણી કયા હદ સુધીની રાજકીય પહોંચ ધરાવે છે.

આનો અર્થ એમ થાય કે રાજકીય પહોંચ ધરાવનાર રાજ્યમાં ગમે તેની બહેન-દીકરી સાથે ગમે તે રીતે વર્તી શકશે. પોલીસ તેની ફરિયાદ પણ નહીં લે. તેમણે દાવો કર્યો હતો કે મારી પાસે અનેક દીકરીઓના માબાપના ફોન આવ્યા છે કે અમરેલી જેવા નાના શહેરમાં પણ દીકરીઓ સાથે આ પ્રકારના ઊંચા હોદ્દા પર બેઠેલી વ્યક્તિઓ પીએચડીની પરીક્ષામાં પાસ કરાવી દઇશુ, કોલેજની પરીક્ષામાં પાસ કરાવી દઇશું, સારી રેન્ક અપાવીશું જેવી લાલચો આપીને તેનું શારીરિક શોષણ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. હવે જો અમરેલી જેવા નાના સેન્ટરોમાં આવું થતું હોય તો પછી તો બીજે ક્યાંયની તો વાત જ ક્યાં રહી.

તેમણે જણાવ્યું હતું કે આજે ગુજરાતના શિક્ષણ મંત્રી તરીકે એક મહિલા બેસે છે અને તે જ સમયે યુવતીઓ સાથે વાઇસ ચાન્સેલર કક્ષાની વ્યક્તિ આ પ્રકારનું વર્તન કરી જાય તે કેટલે અંશે યોગ્ય છે. ગુજરાત જાણે સ્ત્રી સશક્તિકરણની વાતો ભલે પરંતુ તેનું વાસ્તવિક સૂત્ર તો જાણે સ્ત્રી પ્રતાડના હોય તેમ લાગે છે. ગામેગામથી નાના શહેરોમાં ભણવા આવતી આ યુવતીઓ માટે ભણવા યોગ્ય વાતાવરણ સર્જાય તે જરૂરી છે.

આ ગિરીશ ભીમાણી પણ બહુ મોટી માયા છે. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા તે સમયે તેમનો કાર્યકાળ વિવાદોથી ખરડાયેલો રહ્યો હતો. તેમણે એક પછી એક એવા કાંડ કર્યા હતા કે છેવટે શિક્ષણ વિભાગે તેમને વાઇસ ચાન્સેલરના હોદ્દા પરથી હટાવવા પડ્યા હતા. તેમના કાર્યકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર અને આસિસ્ટન્ટ ભરતીમાં ગોટાળા થયા હતા. આ ઉપરાંત ભરતીમાં લાગવગ કરવામાં આવી હોવાના પણ આક્ષેપો થયા હતા. તેની સાથે તેમણે ભ્રષ્ટાચાર કરીને લાયકાત વગરની કોલેજોને મંજૂરી આપી હતી.

જામનગરની નાઘેડી કોલેજમાં ડમી કાંડને લઈને તેમના પર આક્ષેપો થયા હતા. આ કોલેજમાં ભીમાણી ટ્રસ્ટી હતા. આ ઉપરાંત પેપરલીક પ્રકરણ અને સેનેટની ચૂંટણીમાં પણ કારણ વગરનો વિલંબ કર્યો હતો. આમ તેઓ વાઇસ ચાન્સેલર તરીકે સતત વિવાદમાં રહ્યા હતા. તેના કારણે એક દિવસ ગયો નહીં હોય કે તેમની સામે શિક્ષણ વિભાગને ફરિયાદ થતી ન હોય. આ દર્શાવે છે કે ગિરીશ ભીમાણી અગાઉ પણ વિવાદાસ્પદ રહી ચૂકેલા છે. હવે તેમને લઈને નવો વિવાદ સર્જાયો છે અને તેમની સામે પોલીસે કોઈપણ કાયદાકીય કાર્યવાહી કરી નથી, તે જોતાં આગામી દિવસોમાં વિપક્ષ તેમની સામે કાયદાકીય કાર્યવાહીને મુદ્દો ઉપાડે તેવી પૂરેપૂરી સંભાવના છે.
