Today Special: ભાષાના માધ્યમથી દુનિયાભરના લોકો એકબીજા સાથે સંકળાયેલા રહે છે. આ બંધનને ઓર મજબૂત કરવા માટે પ્રતિ વર્ષ 21 ફેબ્રુઆરીએ ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ મનાવવામાં આવે છે. આ દિવસ (International Mother Language Day 2026, 21 February) આપણને આપણી મૂળ ઓળખ અર્થાત્ આપણી માતૃભાષા (Mother Language)ને જાળવી રાખવા અને તેના પ્રતિ પ્રેમ અને સન્માન વ્યક્ત કરવા પ્રેરણા આપે છે. જેમ કે, આપણે ગુજરાતી છીએ તો ગુજરાતી ભાષાનું ગૌરવ જાળવવાના પ્રયાસો આજના દિવસે કરવાના રહેશે.
માતાના હાલરડા માતૃભાષામાં જ હોય છે…‘જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે’…અને બાળકના કાનમાં પ્રથમ વાર જે શબ્દ પડે છે એ જ એની માતૃભાષા છે જે એ પોતાના માતા-પિતા અને ઘરના પાસેથી શીખે છે અને જીવનમાં આગળ વધે છે.
વર્ષ 2000માં પ્રથમ વાર યુનેસ્કો દ્વારા ઉજવણી
આ વિશેષ ભાષા દિવસને દર વર્ષે 21 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે અને એની શરુઆત 17 નવેમ્બર, 1999માં યૂનેસ્કો (UNESCO) દ્વારા કરવામાં આવી હતી. લોકોની વચ્ચે ભાષાઓના સંરક્ષણ અને એમના પ્રત્યેના લગાવને પ્રોત્સાહન આપવાના હેતુથી આ દિવસ પ્રથમ વાર વર્ષ 2000ના 21 ફેબ્રુઆરીના દિવસે મનાવવામાં આવ્યો હતો. ત્યારથી લઇને આજ દિવસ સુધી એને સમગ્ર દુનિયાભરમાં ઉજવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ (International Mother Language Day 2026) નો ઇતિહાસ
વાસ્તવમાં 21 ફેબ્રુઆરી 1952માં બાંગ્લાદેશ (Bangladesh) કે જે સમયે પૂર્વ પાકિસ્તાન ગણાતું હતુ એ દેશમાં પોતાની માતૃભાષા બંગાળી (Bengali Language)ના અસ્તિત્વ માટેની લડતમાં શહીદ થયેલા યુવાનોની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. આ ગોઝારા દિવસે ઢાકા યુનિવર્સિટીની વિદ્યાર્થીઓ અને અમુક સામાજીક કાર્યકર્તાઓએ પોતાની માતૃભાષા બંગાળીનું અસ્તિત્વ જળવાઇ રહે એ માટે એક વિરોધ પ્રદર્શન યોજ્યું હતુ.
આની પાછળનું કારણ એ હતું કે 1948માં પાકિસ્તાની સરકારે ઉર્દૂ ભાષા (Urdu Language)ને પાકિસ્તાનની એકમાત્ર રાષ્ટ્રીય ભાષા જાહેર કરી દીધી હતી અને પૂર્વ પાકિસ્તાનમાં મોટાભાગના લોકોની માતૃભાષા બાંગ્લા હતી! તેમણે બંગાળી ભાષાને ઉર્દૂ ઉપરાંતની એક રાષ્ટ્રીય ભાષા બનાવવાની માગ ઉઠાવી હતી. પાકિસ્તાનની તત્કાલીન સરકારને આ ગમ્યું ન હતુ અને આ પ્રદર્શનકારીઓ પર ગોળી ચલાવવાના આદેશો જારી કરી દીધા હતા. આ નરસંહારમાં 5 લોકો શહીદ થયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. આ મહત્વપૂર્ણ અને સૌથી મોટા ભાષા આંદોલનમાં શહીદ લોકોની સ્મૃતિમાં યૂનેસ્કોએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ મનાવવાની ઘોષણા કરી હતી.
દર વર્ષે 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ભાષાકીય, સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષીયતાને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે દુનિયાભરના લોકો સોશિયલ મીડિયા, વર્કશોપ અને વિવિધ કાર્યક્રમો દ્વારા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરે છે, જેથી માતૃભાષાના મહત્વને સમજી શકાય. તો ચાલો હવે જાણીશું કે, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ શા માટે મનાવવામાં અને શું છે તેનું મહત્વ, ઉદ્દેશ્ય અને ઇતિહાસ?

વિશ્વભરમાં ભાષાઓનું મહત્વ
ભાષા કોમ્યુનિકેશન (Communication)નું માધ્યમ છે. મનુષ્યોને કુદરતે એક વરદાન આપ્યું છે કે, તે બોલી શકે છે. વિશ્વમાં વિવિધ ભાષાઓનો કાળાંતરે વિકાસ થયો છે. અનેક દેશો, રાજ્યો, પ્રાંત અને ક્ષેત્રોમાં વિભિન્ન ભાષાનો ઉપયોગ થાય છે, ક્યાંક અંદાજ અલગ છે તો ક્યાંક લહેકો…આમ છતાં શબ્દોને પ્રયોજીને પરસ્પર સંવાદ કરવા માટેનું આ એક ઉત્તમ માધ્યમ છે. વિશ્વમાં 7,000 અને ભારતમાં 780 થી વધુ ભાષા નોંધાયેલી છે એમાંથી 40 ટકા જેટલી લુપ્ત થવાની અણી પર છે!
આજે વધુને વધુ ભાષાઓ લુપ્ત થઈ રહી છે અને ભાષાકીય વિવિધતા પર જોખમ તોળાઇ રહ્યું છે. યુએન (UN)ના અહેવાલ અનુસાર, વૈશ્વિક સ્તરે 40% વસ્તીને તેઓ જે ભાષામાં બોલે છે અથવા તો સમજે છે એમાં શિક્ષણ પ્રાપ્ય નથી! આથી જ આ માતૃભાષા દિવસ થકી આ ગાયબ થતી જતી ભાષાઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવે છે. યુનેસ્કો દ્વારા દર વર્ષે ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ માટે એક ખાસ થીમ નિર્ધારિત કરવામાં આવે છે. દુનિયાભરમાં આ દિવસે ભાષા તથા સંસ્કૃતિ સાથે જોડાયેલા વિભિન્ન પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જે પૈકીના મોટાભાગના જે-તે વર્ષની નિર્ધારિત થીમ પર આધારિત હોય છે.
ભાષાઓમાં સંસ્કૃતિ અને સભ્યતા ઝળકે છે
વિશ્વભરની વિભિન્ન જાતિઓ, ધર્મો, સંપ્રદાયો અને વિવિધ સ્થળોએ વિભિન્ન ભાષા બોલાય છે. આ વિભિન્નતામાં એકતા અને સમાનતા છે જે સૌને એકસાથે બાંધી રાખે છે. ભાષા એક એવો અરીસો છે જેમાં વ્યક્તિ અથવા સમુદાયની મૂળ સંસ્કૃતિ અને સભ્યતાની ઝલક મળતી હોય છે. વ્યક્તિ જેવી બોલી બોલે એ પરથી એ ક્યાંનો છે એની જાણ થઇ શકે છે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનસ સાંસ્કૃતિક વિવિધતા અને અલગ-અલગ ભાષાઓના મહત્વ વિશે જાગૃતિ કેળવવા માટે મનાવવામાં આવે છે. વિશ્વની 7,000 જેટલી ભાષાઓ પૈકી સૌથી વધુ બોલાતી ભાષા (The Most Spoken Languages) અનુક્રમે અંગ્રેજી, મેન્ડરિન ચાઇનીઝ, હિન્દી, સ્પેનિશ અને ફ્રેન્ચ ભાષાનો સમાવેશ થાય છે.
આજે વિશ્વમાં અંદાજે 7,000 જેટલી ભાષાઓ બોલાય છે પરંતુ સૌથી વધુ બોલાતી ભાષાઓમાંથી ઘણી ખરી ભાષાઓ લુપ્ત થવાના આરે છે એ દુ:ખની વાત એ છે! વૈશ્વિકરણ, શહેરીકરણ, ટેકનોલોજી અને પ્રભુત્વ ધરાવતી ભાષાઓના પ્રભાવ વધતો જવાના કારણે નાના-નાના ભાષા સમુદાયો પોતાની ભાષાથી વેગળા થતા જાય છે. યુનેસ્કોના અંદાજીત આંકડા પ્રમાણે, દર બે અઠવાડિયે એક ભાષા લુપ્ત થઇ રહી છે અને ભાષાના અંતની સાથોસાથ માનવ જ્ઞાનની એક અમૂલ્ય ધરોહરનો અંત આવે છે એ સાંપ્રત યુગની વિડંબના છે.

ઉદ્દેશ્ય
આ દિવસ મનાવવાનો મૂળ ઉદ્દેશ્ય માતૃભાષાનું ગૌરવ વધારવાનો, બહુભાષીય શિક્ષણને પ્રોત્સાહન આપવાનો તથા દુનિયાભરમાં લુપ્તપ્રાય થતી ભાષાઓનું સંરક્ષણ કરવાનો છે. કારણ કે માતા દ્વારા બાળકને શીખવવામાં આવતી પ્રથમ ભાષા જ પરંપરા, સંસ્કૃતિ અને ઓળખનો પાયો છે જેથી એ ગર્વાન્વિત થઇને અન્યો સાથે વાત કરી શકે છે. વિચારોના આદાન-પ્રદાન, માહિતી પ્રાપ્ત કરવા અને સંસાધિત કરવા માટે અન્ય ભાષાઓને સન્માન આપવું પણ જરુરી છે. ભાષા ગૌરવથી જ વ્યક્તિનો રચનાત્મક વિકાસ સધાય છે. આ ઉપરાંત, શિક્ષણ અને સમાજ પર પણ એનો સકારાત્મક પ્રભાવ પડે છે કેમ કે એનાથી જ એને જીવનના વિવિધ ક્ષેત્રોમાં શીખવાની, સંચારની અને ભાગીદારીની સુવિધા પ્રાપ્ય થઇ શકે છે.
માતૃભાષા મનુષ્યના હૃદય સાથે જોડાયેલી ગણાય છે અને એ જ ભાષામાં વિચાર કરવો, લાગણી વ્યક્ત કરવી અને સંવેદનાઓ અનુભવવાનું વધારે સહજ લાગે છે.
બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવું બહેતર
માતૃભાષા માનવ સંસ્કૃતિની વાહક સદાકાળથી રહેલી છે, વિશ્વભરની લોકકથાઓ, લોકગીતો, કહેવતો, પરંપરાઓ અને જીવનમૂલ્યોનું સિંચન માતૃભાષા દ્વારા જ પેઢી દર પેઢી જળવાતુ આવ્યુ છે. ભાષા નષ્ટ થાય એટલે એક સંસ્કૃતિ નષ્ટ થાય છે! બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવાથી બાળકનો આત્મવિશ્વાસ, સમજશક્તિ અને સર્જનાત્મકતા વધે છે અને પ્રાથમિક શિક્ષણ (Primary Education) માતૃભાષામાં મળે તો બાળક વધુ સારી રીતે શીખી શકે છે એવું સંશોધનોનો નિષ્કર્ષ છે.
આ ઉપરાંત, આજે દુનિયાભરમાં લુપ્તપ્રાય: થતી ભાષાઓને એક પેઢીથી બીજી પેઢી સુધી સ્થાનાંતરિત કરીને પુનર્જીવિત કરવાનો આ દિવસનો એક મૂળ હેતુ છે. આનાથી સામાજીક વિકાસ, સંસ્કૃતિક ઓળખનું સન્માન ઉપરાંત, અસમાનતા, જળવાયુ પરિવર્તન, ગરીબી અને વિશ્વ શાંતિ જેવા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ (International Problems)ના સમાધાનમાં અને સતત વિકાસ લક્ષ્યોની પ્રાપ્તિ માટે આ દિવસ પ્રેરણા આપે છે.
આ પણ વાંચો: આજે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે… ICG દિવસની ઉજવણી…ભારતીય તટના રક્ષકોનું સન્માન..!
આ પણ વાંચો:
