us news/ અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ગ્લોબલ ટેરિફ કર્યા રદ, ભારત પર લાદેલો 18% ટેક્સ પણ ગેરકાયદેસર

અમેરિકન સુપ્રીમ કોર્ટે (US Supreme Court) ડોનાલ્ડ ટ્રમ્પના ગ્લોબલ ટેરિફને રદ કર્યા છે. ભારત પર લાદવામાં આવેલ 18% ટેરિફ પણ ગેરકાયદેસર જાહેર. જાણો ભારતને શું થશે ફાયદો.

Top Stories World
US Supreme Court Overturns Trump Tariffs

US Supreme Court Overturns Trump Tariffs : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની આર્થિક નીતિઓને યુએસ સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. શુક્રવારે એક ઐતિહાસિક ચુકાદો આપતા કોર્ટે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ‘ગ્લોબલ ટેરિફ’ને રદ કરી દીધા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રપતિ પાસે અન્ય દેશો પર આ પ્રકારે ટેરિફ લાદવાની બંધારણીય સત્તા નથી. આ નિર્ણયથી ભારત પર લાદવામાં આવેલ 18% રેસિપ્રોકલ ટેરિફ પણ હવે ગેરકાયદેસર ઠર્યો છે.

સંસદ પાસે છે સત્તા, રાષ્ટ્રપતિ પાસે નહીં: US Supreme Court

સુપ્રીમ કોર્ટે 6-3ની બહુમતીથી આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે, અમેરિકન બંધારણ મુજબ ટેક્સ કે ટેરિફ લાદવાનો અધિકાર માત્ર કોંગ્રેસ (અમેરિકી સંસદ) પાસે જ છે, રાષ્ટ્રપતિ પાસે નહીં. ટ્રમ્પે 1977ના ‘ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ’ (IEEPA) નો ઉપયોગ કરીને આ ટેરિફ લાદ્યા હતા, જેને કોર્ટે અમાન્ય રાખ્યો છે.

US Supreme Court Overturns Trump Tariffs

કોર્ટના આ નિર્ણયની મોટી અસરો:

અમેરિકાના આ નિર્ણયથી ભારત, ચીન અને યુરોપના નિકાસકારોને મોટી રાહત મળવાની સાથે ભારતને મોટો આર્થિક ફાયદો થવાની શક્યતા છે. આયાતી વસ્તુઓ પરનો ટેક્સ હટવાને કારણે અમેરિકામાં ઘણી ચીજવસ્તુઓના ભાવ ઘટશે, જેનાથી ગ્રાહકોને સસ્તી વસ્તુઓ ઉપલબ્ધ થશે. જે કંપનીઓએ અત્યાર સુધી ટેરિફ ચૂકવ્યો છે, તેમને સરકાર પાસેથી રિફંડ તરીકે પૈસા પાછા મળી શકે છે, જે ઉદ્યોગો માટે હકારાત્મક બાબત છે. વધુમાં, વૈશ્વિક વેપાર ફરીથી સ્થિર થવાની આશાને કારણે શેરબજારમાં પણ તેની પોઝિટિવ અસર અને તેજી જોવા મળી શકે છે.

ટ્રમ્પની દલીલ અને વિરોધ

ટ્રમ્પે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જો તેઓ આ કેસ હારી જશે તો દેશ આર્થિક રીતે બરબાદ થઈ જશે. તેમણે વેપાર ખાધને ‘રાષ્ટ્રીય કટોકટી’ ગણાવી હતી. જોકે, અમેરિકાના 12 રાજ્યો (જેમ કે ન્યૂયોર્ક, એરિઝોના, કેલિફોર્નિયા વગેરે) અને નાના વેપારીઓએ ટ્રમ્પ સરકાર સામે મોરચો માંડ્યો હતો અને આખરે તેમની જીત થઈ છે.

કયા ટેરિફ રદ થયા અને કયા ચાલુ રહેશે?

કોર્ટના આ આદેશથી તમામ ટેરિફ નાબૂદ થયા નથી. સ્ટીલ અને એલ્યુમિનિયમ પરના ટેરિફ અલગ કાયદા હેઠળ હોવાથી તે યથાવત રહેશે. પરંતુ, ચીન પરના 34% અને બાકીના વિશ્વ (ભારત સહિત) પરના 10% થી 18% સુધીના બેઝલાઇન ટેરિફ હવે હટાવી લેવા પડશે. આ ઉપરાંત કેનેડા અને મેક્સિકો પર લાદવામાં આવેલ 25% ટેરિફ પણ રદ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો:ભારત-અમેરિકા ટ્રેડ ડીલ: એક્સ્ટ્રા ટેરિફનો અંત, ચીન પાછળ, ભારત આગળ

આ પણ વાંચો:ભારત-EU મેગા ડીલ! ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારત અને યુરોપ વચ્ચે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’

આ પણ વાંચો:ટ્રેડ વોરમાં ભારતને રાહત: અમેરિકા 25% ટેરિફ હટાવવાની તૈયારીમાં, જાણો શું છે નાણામંત્રીનો ઈશારો