Today Special: ‘ઈન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર્સ’ (International Day of Action for Rivers 2026, 14 March)ને સમગ્ર વિશ્વભરમાં 14 માર્ચ 2026ના રોજ મનાવવામાં આવશે, અને આ વર્ષે એની ઉજવણી શરુ થયા બાદ, 29મું વર્ષ છે.
આ દિવસ નદીઓના સંરક્ષણ, એમનું મહત્વ સમજવા અને બંધ બાંધવા વિરુદ્ધ જાગૃતિ ફેલાવવાના હેતુથી મનાવવામાં આવે છે. એનો પ્રમુખ હેતુ તો નદીઓને પ્રદૂષણથી બચાવવાનો અને મીઠા પાણીના સ્ત્રોતને સુરક્ષિત કરવાનો છે.

“નદીઓ માટે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી દિવસ” (International Day of Action for Rivers 2026)
સદીઓથી માનવ, પશુ-પક્ષી અને જૈવ વૈવિધ્ય માટે નદી માતા હંમેશાથી જીવનદાયિની સિદ્ધ થયેલી છે, પરંતુ આજના આધુનિક યુગમાં વિકાસ અને પર્યાવરણના બેફામ દોહનના કારણે એમનું અસ્તિત્વ આજે જોખમમાં છે! આ જ સમસ્યા પર પ્રકાશ પાડવા અને નદીઓના સંરક્ષણ પ્રત્યે જનસાધારણમાં જાગૃતિ કેળવવા માટે દર વર્ષે 14 માર્ચે વિશ્વભરમાં આ વિશેષ દિવસ મનાવવામાં આવે છે.
આ દિવસ મનાવવા પાછળ, નદીઓનું મહત્વ (Importance of Rivers) આપણા જીવનમાં કેટલું છે એ વિશે જાગૃતિ વિકસાવવા, પ્રદૂષણ ઓછું કરવા અને બંધોના નકારાત્મક પાસાઓ પર પ્રકાશ પાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

આ દિવસનો ઇતિહાસ (History)
જળસ્ત્રોતો વિશે જાગૃતિની પહેલ સમો આ “નદીઓ માટે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી દિવસ” મનાવવાની શરુઆત વર્ષ 1997 માં બ્રાઝીલ થી થઇ હતી અને આ દિવસને વૈશ્વિક સ્તરે મનાવવાનો નિર્ણય દુનિયાભરના જળ સંગઠનો તેમજ પર્યાવરણ વિદો દ્વારા સાથે મળીને લીધો હતો.
વર્ષ 1995માં આંતરરાષ્ટ્રીય નદી નેટવર્ક અને યૂરોપીય નદી નેટવર્ક જેવા અનેક કેન્દ્રવર્તી સંગઠનોએ બ્રાઝીલમાં એક બેઠક બોલાવી અને ત્યાર બાદ, એક આંતરરાષ્ટ્રીય આયોજન સમિતિની રચના કરવામાં આવી. એ સંગઠનનું નેતૃત્વ એવા લોકોએ કર્યુ જે બ્રાઝીલમાં નદીઓ પર મોટા બંધ (Dams) બંધાવાને કારણે પ્રભાવિત થયા હતા.
વર્ષ 1997 માં આ લોકોની પ્રથમ આંતરરાષ્ટ્રીય બેઠક કૂર્ટિબા, બ્રાઝીલ (Curitiba, Brazil) ખાતે આયોજીત કરવામાં આવી અને એમાં 20 થી વધારે દેશોના પ્રતિનિધિઓએ બંધ બાંધવાની વિરુદ્ધમાં અને નદી, જળ તથા જીવનને બચાવવાના હેતુથી 14 માર્ચને
નદીઓ માટે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી દિવસ તરીકે મનાવવાનું જાહેર કર્યું હતુ.
આ દિવસ એટલા માટે પસંદ કરવામાં આવ્યો કારણ કે, મોટા-મોટા બંધ બાંધવાની વિરુદ્ધમાં બ્રાઝીલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો આ દિન હતો. ત્યાર બાદ, વર્ષ 1997 થી માંડીને દર વર્ષે આ વિશેષ દિવસ સમગ્ર વિશ્વભરમાં મનાવાય છે.

આ દિવસ મનાવવાનો ઉદ્દેશ્ય
અંધાધૂંધ નિર્માણ કાર્યો, અતિક્રમણ (Construction works, Encroachment) અને નદીઓમાં ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા પ્રદૂષિત જળ અને કચરાનું ડમ્પિંગ થવાના કારણે દુનિયાની અનેક નદીઓ અત્યંત પ્રદૂષિત થઈ છે. વૈશ્વિક સ્તરે દરરોજનો 2 મિલિયન ટનથી પણ વધુ સુએઝ અને ઔદ્યોગિક તથા કૃષિલક્ષી વેસ્ટ (Suez, Industrial Waste, Agricultural Waste) પાણીમાં વહાવવામાં આવે છે!!
આ તમામ બાબતોની અસર એ સમુદાયો પર પડી રહી છે જે પોતાના અસ્તિત્વ માટે નદીઓ પર નિર્ભર છે.
નદીઓ માત્ર જળધારાઓ નથી પરંતુ આપણી સંસ્કૃતિની, આર્થિક સ્થિતિ અને પર્યાવરણની એક વિરાસત (Cultural Heritage) છે. આ જીવનનો સ્ત્રોત છે અને સંપૂર્ણ ઇકોસિસ્ટમ (Ecosystem)ને જાળવી રાખવામાં એમની મહત્વપૂર્ણ ભૂમિકા છે. પરંતુ, વધતા જતા પ્રદૂષણ (Pollution), અનિયંત્રિત ઔદ્યોગિકીકરણ અને જળ સંકટના કારણે આજે નદીઓના અસ્તિત્વ પર જોખમ તોળાઇ રહ્યું છે!

નદીઓની સુરક્ષા અને એમના સતત વિકાસ અર્થે પ્રતિ વર્ષ 14 માર્ચના રોજ ‘નદીઓ માટે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી દિવસ’ (International Day of Action for Rivers)ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મૂળ ઉદ્દેશ્ય દુનિયાભરની નદીઓના સંરક્ષણ, પ્રદૂષણ રોકવા માટે અને જળ સ્ત્રોતના વિવેકપૂર્ણ ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો છે.
વર્ષ 2026 ની થીમ શું છે?
29 મા ઈન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર્સ ની વર્ષ 2026 ની થીમ છે,
“આપણી નદીઓ, આપણું ભવિષ્ય”
અર્થાત્
“Our Rivers, Our Future”
આ થીમ (Theme) દર્શાવે છે કે, નદીઓ માનવતા માટે મહત્વપૂર્ણ જીવનરેખા છે. મીઠા પાણીની ઇકોસિસ્ટમનું સંરક્ષણ કરવા, જળ સંસાધનોનું સતત સંચાલન જાળવવા અને પર્યાવરણને નુકસાનકર્તા પ્રોજેક્ટ્સ સામે અવાજ ઉઠાવવા પર આ ઝુંબેશ ભાર મૂકે છે.

મીઠા પાણીમાં રહેનારા જળચરો સંખ્યા ઘટી છે
વિવિધ જળ સ્ત્રોતના અત્યાધિક દોહન અને આડેધડ બાંધકામના કારણે એમના અસ્તિત્વ (Survival of Rivers) પર ખતરો ઊભો થયો છે. દુનિયાની લગભગ તમામ સભ્યતાઓ નદીકિનારે જ વિકાસ પામી છે કારણ કે નદીઓ પૃથ્વી પરના જીવન માટે આવશ્યક છે, જળ છે તો જીવન છે…પીવાના પાણી અને સિંચાઈ માટે મીઠું પાણી અનિવાર્ય છે. નદીઓ સુરક્ષિત (Safe) હશે તો આપણું જીવન સુરક્ષિત હશે અને આપણી આસપાસની ઈકોસિસ્ટમ પણ સમૃદ્ધ હશે.
આ જાણવા છતાં પણ આજે વિશ્વની અનેક નદીઓ પર સૌથી વધુ જોખમ તોળાઇ રહ્યું છે. વર્ષ 2018 માં પ્રસિદ્ધ ‘લિવિંગ પ્લેનેટ’ (Living Planet)ના એક રિસર્ચ અનુસાર, મીઠા પાણીમાં રહેનારા જીવોની સંખ્યા વર્ષ 1970 પછી 83 ટકા ઘટી ઠે જે જમીન પર અને સમુદ્રી જીવોની તુલનામાં બમણી છે!!
જો સમયસર આ દિશામાં ધ્યાન આપવામાં નહિં આવે તો, નદીઓમાં વસવાટ કરનારી જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું કઠિન બની જશે. એ તો સર્વવિદિત છે કે, નદીઓ વિશ્વની જૈવ વૈવિધ્ય (Biodiversity)ને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવામાં નદીઓના સંરક્ષણ (River Conservation) માટે સૌએ સાથે મળીને તમામ આવશ્યક પગલા લેવાની તાતી જરુર છે.

આ દિવસ શી રીતે મનાવાય છે?
સોશિયલ મીડિયા, સેમિનાર અને પ્રદર્શનોના માધ્યમથી નદીઓના મહત્વને દર્શાવવામાં આવે છે.
સ્થાનિક સ્તરે નદીતટો પર સફાઇ અભિયાન અમલમાં મૂકાશે.
પર્યાવરણને અનુકૂળ હોય એવી સરકારી નીતિઓ અમલી બનાવવાની માગણી કરવામાં આવે છે.
ગ્રામીણ અને શહેરી સમુદાયોને જળ સંરક્ષણ અભિયાનો સાથે જોડવામાં આવે છે.
અંતે નિષ્કર્ષ એ છે કે, જળવાયુ પરિવર્તન અને બેજવાબદાર વિકાસ પરિયોજનાઓના કારણે નદીઓ ઝડપભેર પ્રદૂષિત, મૃતપ્રાય: અને લુપ્ત બનવા તરફ આગળ વધી રહી છે. જો નદીઓ જોખમમાં છે તો સ્વાભાવિક રીતે આપણું સામૂહિક ભવિષ્ય પણ જોખમમાં છે!!
નદીઓ આપણા જીવનનો આધાર છે અને આપણે સૌએ મળીને એમના સંરક્ષણ માટે કાર્ય કરવું જોઇએ.
આ પણ વાંચો: શા માટે મનાવાય છે ‘વિશ્વ NGO દિવસ’…..શું છે એનો ઇતિહાસ અને ઉદ્દેશ્ય?
આ પણ વાંચો: ‘જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે’…માતૃભાષાના સંવર્ધનના પ્રતીકસમો ‘ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે’…
આ પણ વાંચો: પ્રત્યેક વ્યક્તિને સમાનતા અને સન્માન સહિત જીવવાનો પૂર્ણ અધિકાર…1 માર્ચે ‘શૂન્ય ભેદભાવ દિવસ’ની ઉજવણી…
