Junagadh News: જૂનાગઢમાં બધા પેટ્રોલ પમ્પો (Petrol Pump) પર વાહનોની લાંબી લાઇનો લાગી છે. વાહન ચાલકોએ સવારથી જ પેટ્રોલ માટે લાંબી લાઇનો લગાવી દીધી છે. આ લાઇનો વહેલી સવારથી જ લાગી ગઈ હતી. આ ઉપરાંત ગઇકાલે એટલે કે સોમવારે બપોરથી પેટ્રોલ-ડીઝલ માટે લાઇનો લાગવા લાગી હતી.
પેટ્રોલ પંપ (Petrol Pump) પર પેટ્રોલ-ડીઝલ માટે લાંબી લાઇનો
પેટ્રોલ પમ્પોના માલિકનું કહેવું છે કે હાલમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી, પરંતુ મોટાપાયા પર લોકો ઉમટી પડે છે એટલે પેટ્રોલ-ડીઝલ ખતમ થઈ જાય છે. બાકી નિયમિત ધોરણે જોઈએ તો પેટ્રોલ-ડીઝલના પુરવઠાની કોઈ ઘટ નથી. પુરવઠો જે રીતે આવે છે તે રીતે જ આવે છે, પરંતુ લોકો અધીરા બની ગયા હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.
તેણે જણાવ્યું હતું કે લોકોમાં ઇંધણની અછતને લઈને ખોટો ડર છે અને આ ડરના કારણે તેઓ વાહનોમાં બને તેટલું ઇધણ ભરવાનો પ્રયત્ન કરે છે. તેના કારણે અમુક પેટ્રોલ પમ્પો પર પુરવઠો ખલાસ થઈ જતા ઇંધણ ખલાસ થઈ ગયું છે તેવી બૂમરાણ ઉઠે છે. આવી બૂમરાણ ઉઠતા વધુને વધુ લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા દોટ મૂકે છે. તેના કારણે વધુ અછત સર્જાય છે.
રાજ્ય સરકાર ઇંધણની કટોકટીની અફવા ડામવા સક્રિય
રાજ્ય સરકારે ગુજરાતમાં વિવિધ શહેરોના પેટ્રોલ પમ્પો (Petrol Pump) પર સળંગ બીજા દિવસે પણ ચાલુ રહેલી પેટ્રોલ-ડીઝલની (Petrol-Diesel) પેનિક બાઇંગને ટાળવા મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ઇંધણ કટોકટીની અફવા વચ્ચે પરિપત્ર જાહેર કર્યો છે કે ઇંધણ ફક્ત વાહનોની ટાંકીમાં જ પૂરવાનું રહેશે. તેને બેરલ કે બીજા કોઈ પાત્રમાં વેચી જ નહી શકાય. આમ જો તમે કોઈ બોટલ કે કેરબો લઈને ગયા તો તેમા ઇંધણ ભરી નહી શકાય.
આ સિવાય રાજ્ય સરકારે આખા રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનું યોગ્ય રીતે વિતરણ થાય તે માટે સૂચના આપી છે. આ ઉપરાંત જો પેટ્રોલ-ડીઝલની કૃત્રિમ અછત સર્જવામાં આવી અને તેની સંઘરાખોરી કરવામાં આવી તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં પેનિક બાઇંગના સંદર્ભમાં રાજ્ય સરકારે આ સૂચના જારી કરી હતી. રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે આ પ્રકારનો પરિપત્ર જાહેર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે રાજ્યના કેટલાય પેટ્રોલ પમ્પો પર જથ્થો ખતમ થવાના પગલે લોકોમાં પેટ્રોલ-ડીઝલ નહીં મળે તેવી અફવાઓનું બજાર ગરમ છે. તેના કારણે રાજ્યના લગભગ દરેક શહેરના પેટ્રોલ પમ્પો પર લોકો તેમની પાસે જે પણ વાહનો હોય તેને લઈને લાઇનો લગાવી રહ્યા છે. આમ થોડા દિવસ પહેલાં ગેસના બાટલાની લાઇન હતી. હવે આ લાઇનમાં પૂરી થઈ ત્યાં હવે પેટ્રોલ પમ્પની લાઇન શરૂ થઈ છે.
