Today Special: ભારતમાં ‘રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ’ (National Civil Services Day 2026) આજે અર્થાત્ 21 એપ્રિલના રોજ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસ દેશભરના સિવિલ સેવકોના સમર્પણ, અથાક મહેનત અને રાષ્ટ્ર નિર્માણમાં એમના યોગદાનને સન્માનિત કરવાનો એક અનોખો અવસર છે.
‘રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ’ (National Civil Services Day 2026)નો ઇતિહાસ
પ્રતિ વર્ષ આપણા દેશમાં 21 એપ્રિલ (21 April 2026)ના રોજ મનાવવામાં આવતો આ ભારતમાં રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ ભારતની શાસન અને પ્રશાસન પ્રણાલીની કરોડરજ્જુ માનવામાં આવતા આજ દિન સુધી ફરજ બજાવી ચૂકેલા સિવિલ સેવકો (Civil Servants)ને એક શ્રદ્ધાંજલિ સ્વરુપ છે.

વર્ષ 1947માં આજના 21 એપ્રિલના વિશેષ દિવસે, દેશના પ્રથમ નાયબ મુખ્યમંત્રી બનેલા સરદાર વલ્લભભાઇ પટેલે (Sardar Vallabhbhai Patel) દિલ્હીના મેટકાફ હાઉસમાં પ્રશાસનિક સેવાની પ્રથમ બૅચને સંબોધિત કરી હતી અને એમને ‘સ્ટીલ ફ્રેમ’ (Steel Frame) નું બિરુદ આપ્યું હતુ.
સરદાર પટેલે એમના ઐતિહાસિક ભાષણમાં એમ પણ જણાવ્યું હતુ કે, સિવિલ સેવકોએ રાજનૈતિક દબાણને વશ થયા વિના નિષ્પક્ષતા, નિષ્ઠા અને પારદર્શકતા સાથે પોતાના કર્તવ્યોનું નિર્વહન કરવું જોઇએ.
આ જ કારણે 21 એપ્રિલને રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસના રુપમાં મનાવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું હતુ અને ઔપચારિક રુપે વર્ષ 2006 થી આ વિશેષ દિનને ભારત સરકાર દ્વારા મનાવવાનો પ્રારંભ થયો હતો. સૌપ્રથમ વાર એનું આયોજન નવી દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ, આ એક પરંપરા બની અને પ્રતિવર્ષ ભારતમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ભારતીય નાગરિક સેવાઓનો ઇતિહાસ (History of Indian Civil Services)
ભારતમાં સિવિલ સેવાઓનો એક દીર્ઘકાલીન ઇતિહાસ છે જે પ્રાચીન વહાવટી પ્રણાલીઓથી માંડીને આધુનિક માળખા સુધી વિકસિત છે. મહાનતમ ગુરુ આચાર્ય ચાણક્ય (કૌટિલ્ય, Chanakya)ના ‘અર્થશાસ્ત્ર’ જેવા પ્રારંભિક ભારતીય ગ્રંથોમાં શાસન વ્યવસ્થા, અધિકારીઓની નિયુક્તિ અને કર્તવ્ય વહનનો ઉલ્લેખ મળે છે.
મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યોમાં એક સુવ્યવસ્થિત વહીવટી માળખું મોજૂદ હતું અને મધ્યકાલમાં ચોલ રાજવંશ દ્વારા પણ ઉન્નત સ્થાનિક સ્વશાસન વ્યવસ્થા વિકસિત કરવામાં આવી હતી. આ ઉપરાંત, રામાયણ તથા મહાભારતથી માંડીને શિવાજી મહારાજના અષ્ટપ્રધાન મંડળમાં પણ વિવિધ વિભાગોમાં પ્રમુખ નિયુક્તિના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. મુઘલ સામ્રાજ્યમાં મનસબદારી પ્રણાલીએ વહીવટી ભૂમિકાઓને વધુ મહત્વ પ્રદાન કર્યું હતુ.
બ્રિટિશ ભારતમાં સિવિલ સેવાઓ
લૉર્ડ કૉર્નવોલિસ (Lord Cornwallis)ને ‘ભારતીય સિવિલ સેવાના જનક’ કહેવાય છે. એમણે વર્ષ 1786 થી 1793 ની મધ્યમાં ઘણા સુધારા અમલમાં મૂક્યા હતા. આ સુધારાઓથી કંપનીના કર્મચારીઓમાં શિસ્તબદ્ધતા આવી હતી અને ભ્રષ્ટાચાર પણ ઓછો થયો હતો.
તેઓ વર્ષ 1786 થી 1793 સુધી બ્રિટિશ ભારત (British India)ના બંગાલ પ્રેસિડેન્સીના ગવર્નર-જનરલ તરીકે કાર્યરત હતા. એમણે ભ્રષ્ટાચાર વિરોધી પ્રણાલીઓ જેમ કે અંગત વેપાર પર પ્રતિબંધ, ભેટ-સોગાદ અને લાંચ-રુશ્વત રોકવા માટેના કઠોર નિયમો લાગુ કર્યા હતા. ઇમાનદાર અને નિષ્ઠાવાન અધિકારીએની નિયુક્તિની એમના દ્વારા મજબૂત આધારશિલ મૂકવામાં આવી હતી જેણે કાળક્રમે એક પ્રશાસનિક વ્યવસ્થાને જન્મ આપ્યો જે આજની સનદી સેવાઓનો પાયો છે.
વર્ષ 1953ના ચાર્ટર અધિનિયમ અંતર્ગત, સનદી અધિકારીઓની ભરતી માટે ઓપન પ્રતિયોગી પરીક્ષાઓની શરુઆત કરવામાં આવી હતી. આનાથી સંરક્ષણ પ્રણાલીમાં પરિવર્તન આવ્યું અને ત્યાર બાદ, એચિસન સમિતિ (ઇ.સ. 1886) તથા લી આયોગ (ઇ.સ. 1924) જેવા અધિનિયમો અને આયોગો લાગુ થવાથી ભારતીયોની આ સેવાઓમાં ભાગીદારી વધી હતી. સત્યેન્દ્રનાથ ટેગોર (Satyendranath Tagore) ભારતીય સિવિલ સેવા (IAS) માટે પસંદગી પામનારા પ્રથમ ભારતીય બન્યા હતા.

ભારતને આઝાદી મળ્યા બાદ, એક લોકશાહી દેશની સેવા કરવાના હેતુથી સિવિલ સેવાઓનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતુ.
સંવિધાનના ઘડવૈયાઓએ સિવિલ સેવાઓને બરખાસ્ત ન કરતા એને જારી રાખવાનું પસંદ કર્યું કારણ કે એમનું મંતવ્ય હતું કે, એક સ્થિર રાષ્ટ્ર માટે આ ‘સ્ટીલ ફ્રેમ’ આવશ્યક છે.
ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને ભારતીય વન વિભાગ સેવા (IFS) જેવી અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરવામાં આવ્યું. આ સેવાઓનો ઉદ્દેશ્ય નીતિઓને લાગુ કરવાનો અને જનહિતની સુરક્ષા કરવાનો છે.
સરદાર વલ્લભભાઈ પટેલે આ સેવાઓને યથાવત્ રાખવા પર ભાર મૂક્યો હતો અને એનું સમર્થન કરીને એને રાષ્ટ્રીય એકતા અને સ્થિરતા માટે મહત્વપૂર્ણ ગણાવી હતી.

સનદી અધિકારીઓના કર્તવ્યો
આધુનિક સિવિલ સેવામાં જોડાયેલા સનદી અધિકારીઓ નીતિ નિર્માણ, કાર્યક્રમ અમલીકરણ અને સ્થાનિક મુદ્દાઓના સમાધાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એમના મુખ્ય કર્તવ્યો આ મુજબ છે.
1. વહીવટનું સુચારું પ્રબંધન
2. વિકાસ યોજનાઓનું અમલીકરણ
3. કાયદો અને વ્યવસ્થા (Law & Order)ની જાળવણી
4. આપત્તિ વ્યવસ્થાપન (Disaster Management)
5. નાગરિકોને સેવાઓ ઉપલબ્ધ કરાવવી

‘રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ’નું મહત્વ
ભારત (India)ના મહત્વપૂર્ણ દિવસો પૈકીનો એક એવા ‘નેશનલ સિવિલ સર્વિસિસ ડે’ને મનાવવાનો ઉદ્દેશ્ય સિવિલ સેવામાં જોડાયેલા લોકોને પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા પર વિચાર કરવા અને રાષ્ટ્ર સેવા પ્રત્યે પોતાને પુન: સમર્પિત કરવાના હેતુની જાગૃતિ અંગેનો છે, એટલું જ નહિં પરંતુ દેશના નાગરિકો (Indian Citizens) પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને યાદ કરવાનો એક અવસર છે.
આ ખાસ દિવસે નવી દિલ્હી ખાતે મુખ્ય કાર્યક્રમ આયોજીત કરવામાં આવે છે જેમાં લોકપ્રશાસનિક સેવામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ‘પ્રધાનમંત્રી પુરસ્કાર’ (Prime Minister’s Award) પણ પ્રદાન કરવામાં આવે છે.
વર્ષ 2026માં આ અવસર વધુ મહત્વનો છે કારણ કે, ભારત વિકસિત ભારતની પરિકલ્પના તરફ આગળ ધપી રહ્યો છે જેમાં ડિજિટલ શાસન (Digital Governance), નાગરિક-કેન્દ્રી વહીવટ અને મિશન કર્મયાગી અંતર્ગત, ક્ષમતા નિર્માણ પર અધિક ભાર મૂકવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ 2026ના અવસરે ડિજીટલ શાસન ને અનુકૂળ કાર્ય કરનારા અધિકારીઓનું સન્માન કરવામાં આવે છે
અંતે નિષ્કર્ષ એ છે કે, ભારતમાં સિવિલ સેવાઓનો એક દીર્ઘકાલીન ઇતિહાસ છે જે પ્રાચીન વહાવટી પ્રણાલીઓથી માંડીને આધુનિક માળખા સુધી વિકસિત છે. આજનો ‘રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ’ સાર્વજનિક સેવાઓ અંગેના ચિંતન, સુધારણા અને પુનર્કલ્પના કરવાનો આ એક મંચ પૂરો પાડે છે.
આ પણ વાંચો: ભાષાકીય આધાર પર બનાવવામાં આવેલું ભારતનું પ્રથમ રાજ્ય…આજે 1 એપ્રિલ…’ઓડિશા ડે’ની ઉજવણી…
આ પણ વાંચો: હિમાચલ પ્રદેશ અર્થાત્ ‘હિમાલયના ખોળે વસેલો પ્રદેશ’…આજે 15 એપ્રિલ…’હિમાચલ ડે’ની ઉજવણી..!
આ પણ વાંચો: ‘બોહાગ બિહુ’ ઉત્સવ…આજે આસામનું મુખ્ય પર્વ…જાણો એની સાથે જોડાયેલી પરંપરાઓ વિશે…
