MANTAVYA Vishesh/ ભારતીય રાજકારણમાં અવિવાહિતોની બોલબાલા

હાલમાં શાસક પક્ષના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અપરીણિત તો ન કહેવાય, પરંતુ તેમણે લગ્નજીવનને તિલાંજલિ આપી દીધી છે તેમ કહી શકાય. જ્યારે વિપક્ષ કોંગ્રેસના મુખ્ય ચહેરા એવા રાહુલ ગાંધી પણ અપરીણિત છે. આ બતાવે છે કે પહેલા રાજકારણમાં પરિવાર હોવો તે ગર્વની વાત હતી જ્યારે વર્તમાન રાજકારણમાં સિંગલ હોવું ગર્વની વાત બની ગઈ છે.

Mantavya Vishesh

બંગાળમાં તાજેતરમાં જ વિધાનસભા ચૂંટણી પૂરી થઈ. તેમા ભાજપનો ભવ્ય વિજય થયો અને તેણે સત્તા મેળવી. બંગાળના મુખ્યપ્રધાન તરીકે સુવેન્દુ અધિકારીની નિમણૂક થઈ. તેમની સીએમ તરીકેની નિમણૂકનું મહત્વનું પાસુ એ છે કે તેઓ બંગાળમાં ભાજપના સૌપ્રથમ મુખ્યપ્રધાન તો છે જ, પરંતુ તે અવિવાહિત પણ છે. આમ બંગાળમાં પહેલી જ વખત શાસક પક્ષ અને વિપક્ષ તૃણમૂલ કોંગ્રેસ બંનેના વડા અવિવાહિત હશે. વિપક્ષ તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજી પણ અવિવાહિત છે. આ બતાવે છે કે એકબાજુએ વંશવાદી રાજકારણ છે તો બીજી બાજુએ હવે દેશના વિવિધ રાજ્યોમાં કુંવારા રાજકારણીની બોલબાલા વધી રહી છે.

હાલમાં શાસક પક્ષના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અપરીણિત તો ન કહેવાય, પરંતુ તેમણે લગ્નજીવનને તિલાંજલિ આપી દીધી છે તેમ કહી શકાય. જ્યારે વિપક્ષ કોંગ્રેસના મુખ્ય ચહેરા એવા રાહુલ ગાંધી પણ અપરીણિત છે. આ બતાવે છે કે પહેલા રાજકારણમાં પરિવાર હોવો તે ગર્વની વાત હતી જ્યારે વર્તમાન રાજકારણમાં સિંગલ હોવું ગર્વની વાત બની ગઈ છે. તેનું કારણ વર્તમાન રાજકારણમાં વંશવાદ સામે શાસક પક્ષે ચલાવેલી ચળવળ છે.

શાસક પક્ષ ભાજપે સત્તા મેળવી તે સમયે ચળવળ ચલાવી હતી કે કોંગ્રેસ વંશવાદને વરેલો પક્ષ છે, જ્યારે ભાજપ કાર્યકરોને વરેલો પક્ષ છે. અહીં દરેકની નિશ્ચિત અવધિ હોય છે, પક્ષપ્રમુખો બદલાતા રહે છે, આંતરિક ચૂંટણી થાય છે, સેન્સ લેવાની પ્રક્રિયા હોય છે. તેનાથી વિપરીત કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષો વંશવાદને વરેલા પક્ષો છે, તેમને ત્યાં કોઈપણ નવીન રાજકીય પ્રકારની પદ્ધતિનો અવકાશ નથી. આ પક્ષમાં જનારો ગમે તેટલો પ્રતિભાશાળી રાજકીય આગેવાન હોય, પરંતુ તેને અમુક હોદ્દાથી વધારે ક્યારેય કશું ન મળે, જ્યારે શાસક પક્ષ ભાજપમાં એવું નથી. વર્તમાન પીએમ નરેન્દ્ર મોદી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એક ચાવાળા હોવા છતાં તે પોતાની મહેનત, લગન અને નિષ્ઠાથી પક્ષના એક સામાન્ય કાર્યકરમાંથી પહેલા સીએમ અને હવે પીએમ બન્યા છે.

આમ શાસક પક્ષ પર લાગેલા આ વંશવાદના લેબલના લીધે તેમનો જનાધાર ઘટતો ગયો અને પ્રજાએ પોતાની મહેનતથી જ આગળ વધનારા રાજકારણીઓ પર પસંદગી ઉતારવા માંડી. તેમા ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીને ઉખાડીને ફેંકી દેનારા ભાજપના તેજતર્રાર નેતા યોગી આદિત્યનાથ પણ અત્યંત મહત્વનું નામ છે. તે યોગી હોવાથી તેમને લગ્ન કરવાની કોઈ સંભાવના નથી, તેમને કોઈ વંશ નથી અને વારસ પણ નથી. તેના કારણે તેઓ પ્રજાની સંપત્તિને કોઈપણ પ્રકારની લૂંટ આંચરે તેવી સંભાવના ઘટી જાય છે. આના કારણે લોકો માનવા લાગ્યા છે કે વંશવાદી પક્ષો બસ ફક્ત પોતાનું ઘર ભરે છે, પોતાના મિત્રો, સગાસંબંધીઓને જ સાચવે છે અને પ્રજાના રૂપિયા ઘરભેગા કરે છે.

તેની સામે ભાજપ જેવા કેડરવાળા પક્ષમાં જો ઉમેદવાર સક્ષમ હોય તો તેને રાજકીય રીતે આગળ વધવાની પૂરેપૂરી તાકાત આપવામાં આવે છે. તેની પ્રતિભાને સંગઠનાત્મક સ્તરે ચકાસવામાં આવે છે. આવી અનેક ગળણીઓમાંથી પસાર થઈને નીવડેલા પ્રતિભાશાળી ઉમેદવારને રાજકીય રીતે આગળ જવાની તક પૂરી પાડવામાં આવે છે. આવું કોંગ્રેસ કે બીજા પ્રાદેશિક પક્ષોમાંથી જોવા મળે તેવી સંભાવના ઘણી ઓછી હોય છે.

અહીં તે વાત યાદ રાખવી જરૂરી છે કે દેશમાં જ્યારે અટલબિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા ત્યારે તેઓ દેશના પ્રથમ એવા વડાપ્રધાન હતા જેમણે લગ્ન કર્યા ન હતા. આ સાથે તેઓએ દેશની સૌપ્રથમ એવી બિનકોંગ્રેસી સરકાર સંપૂર્ણપણે પાંચ વર્ષ ચલાવી હતી. તેમના આ શાસકીય જોડાણને એનડીએ નામ આપવામાં આવ્યું હતુ, જે હજી પણ જારી છે. તેના પછી તો રાજકારણમાં જાણે કુંવારા રાજકારણીઓ અથવા તો પત્નીની સાથે લાંબા સમયથી ન રહેતા રાજકારણીઓનો ઘોડાપૂર આવ્યું છે.

આમ કુંવારાની માંગ ફક્ત લગ્નના બજારમાં જ નથી, પણ રાજકારણમાં પણ તેટલી જ છે. લોકોની બદલાતી જતી પસંદગી બતાવે છે કે હવે લોકોને કુંવારા રાજકારણીઓમાં વધુ વિશ્વાસ પડી રહ્યો છે. તેનું કારણ એ છે કે તેમને પોતાનો જ વંશ હોતો નથી, તેમણે પોતાના માટે ભેગું કરવાનું હોતું નથી. વળી પોતાનું કુટુંબ ન હોવાના કારણે તે રાજકારણ પર સારી રીતે ધ્યાન આપી શકે છે. જો કુંવારા રાજકારણી સત્તા પર હોય તો તે પ્રજાની સમસ્યાના ઉકેલ માટે અને વહીવટી કાર્યો માટે વધુને વધુ સમય ફાળવીને પ્રજાનું જીવન સુગમ કરી શકે છે. જ્યારે વિપક્ષના નેતા પદે હોય તો તે પ્રજાની વધુને વધુ સમસ્યાઓને ઉઠાવીને શાસન તંત્ર પર પ્રજાની તકલીફો ઉકેલવા દબાણ લાવી શકે છે. તેની સાથે સૌથી મોટી ખાસિયત એ રહે છે કે આવો આગેવાન કોઈપણ પ્રકારના રાજકીય દબાણને વશ થતો નથી.

આ બતાવે છે કે લોકોની વિચારસરણીમાં પણ કેવો ફેરફાર આવ્યો છે. એક સમય એવો હતો જ્યારે કુંવારા ઉમેદવાર પર કોઈ ભરોસો પણ કરતું નથી, તે સમયે કહેવાતું હતું કે જે વ્યક્તિ પોતાનું ઘર વસાવી શકતો નથી તે આખા દેશના લોકોના ઘર કઈ રીતે વસાવી શકશે અથવા તે વસાવવામાં મદદરૂપ થશે. આજે પરિસ્થિતિ તેનાથી સાવ ઉલટી છે. આજે લોકો કુંવારા રાજકારણીને સારા માને છે, તે ઓછા ભ્રષ્ટાચારી હોય છે તેવી માન્યતા ઉત્તરોતર મજબૂત બની રહી છે.

આજે રાજકારણમાં પીએમ મોદી જે મહેનત કરી રહ્યા છે તે જાણે એક માપદંડ બની ગઈ છે. તેથી લોકોની અપેક્ષાઓ પણ રાજકારણીઓને લઈને ઊંચે ગઈ છે. લોકોની આ પ્રકારની અપેક્ષાઓ પરણેલા રાજકારણીઓ માટે સંતોષવી સરળ નથી. લોકો માનવા લાગ્યા છે કે પરણેલા રાજકારણીઓ રાજકારણ પ્રત્યે કુંવારા જેટલા પ્રતિબદ્ધ હોતા નથી. તેમના લગ્નજીવનના કારણે રાજકારણ પર પણ અસર પડે છે. આ ઉપરાંત તેમણે સગાવ્હાલાઓના કારણે ભ્રષ્ટાચાર કરવો પડે છે. તેમના માથા પર જાણે સગાવ્હાલાઓને ઠેકાણે પાડવાનું દબાણ હોય છે. પ્રાદેશિક પક્ષોમાં આવું મોટાપાયા પર જોવા મળે છે. જેડીયુમાંથી આવેલા સમ્રાટ ચૌધરી ભાજપમાં જઈને બિહારના સીએમ બની ગયા, જે જેડીયુમાં રહ્યા હોત તો શક્ય ન હતુ. આ જ રીતે આસામમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હિમન્તા તેમની પ્રતિભાના જોરે સીએમ બની ગયા, જે આસામ કોંગ્રેસમાં ગોગોઈ કુટુંબના વંશવાદી શાસનના કારણે શક્ય ન હતુ. આ બંને પ્રતિભાશાળીઓએ કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષના વંશવાદથી કંટાળીને પક્ષપલટો કરવો પડ્યો હતો. આ બધાના કારણે લોકોને કુંવારા રાજકારણીઓ પર વધુ વિશ્વાસ બેસે છે. આમ વર્તમાન રાજકારણમાં કુંવારા હોવું રાજકારણીનો પ્લસ પોઇન્ટ છે.


આ પણ વાંચો: AAPમાં મોટો રાજકીય ભૂકંપ, ખેડૂત નેતા રાજુ કરપડાએ આપ્યું રાજીનામું

આ પણ વાંચો: ઈટાલિયા–સોરઠિયા ભાજપની B ટીમ: રાજુ કરપડાનો આક્ષેપ

આ પણ વાંચો: સોલર કંપની પાસે Moriએ કરોડની લાંચ લીધીઃ ગોપાલ ઇટાલિયા