Gujarat Weathe Update: રાજ્યમાં હીટવેવનો પ્રભાવ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં ગરમ અને સૂકા પવનો ફૂંકાતા તાપમાનમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વડોદરા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અત્યંત ગરમી અને હીટવેવ જેવી પરિસ્થિતિઓ જોવા મળી શકે છે. જ્યારે દ્વારકા, બોટાદ, અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં યેલો એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પણ સામાન્ય કરતા વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે.
તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં મહત્તમ 44.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 44.5 ડિગ્રી અને ગાંધીનગર (Gandhinagar) માં 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 43.6 ડિગ્રી, રાજકોટમાં 43.7 ડિગ્રી, કંડલામાં 43 ડિગ્રી અને ભુજમાં 42 ડિગ્રી સુધી પારો પહોંચી ગયો છે. ડીસામાં 42.8 અને સુરતમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગરમીના કારણે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવા, પૂરતું પાણી પીવાનું અને હળવા તથા ઢીલા કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બીમાર લોકો માટે સાવચેતી રાખવા હવામાન વિભાગે અપીલ કરી છે.
