World News/ યુક્રેનના હુમલા બાદ મોસ્કોમાં આકાશમાંથી વરસ્યો કાળો વરસાદ, ઓઇલથી રોડ-વાહનો કાળા થયા

યુક્રેનના ભીષણ ડ્રોન હુમલા બાદ રશિયાની રાજધાની મોસ્કોમાં આકાશમાંથી ‘કાળો વરસાદ’ (Black Rain) થવાની ડરામણી ઘટના સામે આવી છે. કપોત્ન્યા ઓઇલ રિફાઇનરીમાં આગ લાગવાને કારણે હવામાં ભળેલા ઝેરી ઓઇલ અને કાર્બન કણો જમીન પર વરસી રહ્યા છે.

international Top Stories World
Black Rain

Moscow Black Rain Controversy: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે એક અત્યંત વિનાશક અને ડરામણા તબક્કામાં પહોંચી ગયું છે. યુક્રેન દ્વારા કરવામાં આવેલા અત્યાર સુધીના સૌથી મોટા ડ્રોન હુમલાએ રશિયાની રાજધાની મોસ્કોને હચમચાવી દીધી છે. આ હુમલાના કારણે મોસ્કોમાં લાગેલી ભીષણ આગને પગલે આકાશમાંથી ‘કાળો વરસાદ’ (Black Rain) થવાની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. આકાશમાંથી પાણીના બદલે કાળું ઓઇલ વરસતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે, તો વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદો પણ ચિંતામાં મૂકાઈ ગયા છે.

મોસ્કોની લાઈફલાઈન ગણાતી ઓઇલ રિફાઇનરી બની મુખ્ય નિશાન

આ ઐતિહાસિક હુમલાનું મુખ્ય લક્ષ્ય મોસ્કોના દક્ષિણ-પૂર્વી છેડે આવેલી ‘કપોત્ન્યા ઓઇલ રિફાઇનરી’ (Kapotnya Oil Refinery) હતી. આ રિફાઇનરી મોસ્કોની કુલ પેટ્રોલ વપરાશનો આશરે 40% અને ડીઝલનો અડધો પુરવઠો પૂરો પાડે છે. યુક્રેનના નવા હાઇબ્રિડ ‘Bars’ ડ્રોન-ક્રૂઝ મિસાઇલોએ આ રિફાઇનરીના ઓઇલ સ્ટોરેજ ટેન્ક પર સચોટ નિશાન સાધ્યું હતું. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ઓઇલ ટેન્કની છત હવામાં ડઝન મીટર ઊંચે ઊડી ગઈ હતી અને આકાશમાં કેટલાય કિલોમીટર ઊંચા કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. આ ભીષણ આગને કારણે મોસ્કોના ઘણા ઍરપૉર્ટ બંધ કરવા પડ્યા હતા અને સેંકડો ફ્લાઇટ્સ રદ્દ થઈ ગઈ હતી.

આકાશમાંથી વરસી મુસીબત

હુમલાના ગણતરીના કલાકોમાં જ રિફાઇનરીથી ઘણા કિલોમીટર દૂર આવેલા બાલાશીખા અને દક્ષિણ-પૂર્વી ઉપનગરોના લોકો ભયમાં મૂકાયા હતા. આકાશમાંથી કાળા રંગના ચીકણા ઓઇલના ટીપાં અને કાળી કાળખ વરસી રહી હતી. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકોના ઘરની બારીઓ, રસ્તાઓ અને વાહનોની છત પર ઓઇલની કાળી પરત જામી ગઈ હતી. બહાર નીકળેલા લોકોના કપડાં પણ આ તૈલી વરસાદથી બગડી ગયા હતા. શરૂઆતમાં ઇનકાર કર્યા બાદ, પ્રશાસને મોસ્કોમાં ઇમરજન્સી એડવાઇઝરી જાહેર કરીને લોકોને બારીઓ ચુસ્ત બંધ રાખવા અને બાળકો-વૃદ્ધોને આ પ્રદૂષિત વિસ્તાર છોડી દેવા અપીલ કરી છે.

Black Rain પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે?

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ ઘટના કોઈ કુદરતી પ્રકોપ નથી, પરંતુ એક ઔદ્યોગિક હોનારત છે. રિફાઇનરીના ઓઇલ ટેન્કોમાં લાગેલી ભીષણ આગ દરમિયાન ઓક્સિજનની અછતને લીધે ઓઇલનું સંપૂર્ણ દહન થઈ શક્યું નહીં. આ અધૂરા દહનને લીધે બળ્યા વગરનો કાર્બન અત્યંત બારીક કણો (કાળખ) સ્વરૂપે હવામાં ફેલાઈ ગયો. આગના પ્રચંડ તાપમાનના કારણે સર્જાયેલા ગરમ હવાના પ્રવાહથી આ કાર્બન કણો અને વરાળ બનેલા ક્રૂડ ઓઇલના સૂક્ષ્મ ટીપાં ઝડપથી વાતાવરણમાં ઊંચે પહોંચ્યા. ત્યાં હવામાં રહેલા ભેજ સાથે આ હાઇડ્રોકાર્બન ભળી ગયા અને જ્યારે તે ભારે થઈ ગયા ત્યારે જમીન પર ‘કાળા વરસાદ’ (Black Rain) તરીકે ખાબક્યા.

Black Rain

માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર ગંભીર અસરો

આ ઓઇલયુક્ત વરસાદ માનવ શરીર અને પ્રકૃતિ માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે:

શ્વાસ અને હૃદયની બીમારીઓ: હવામાં ભળેલા કાળા ધુમાડાના(Black Rain) અતિ સૂક્ષ્મ કણો ફેફસાંમાં ઊંડે સુધી પહોંચી જાય છે, જેનાથી અસ્થમા (દમ) અને હૃદયના દર્દીઓ માટે અચાનક જીવનું જોખમ ઊભું થઈ શકે છે.

ત્વચા અને વાળને નુકસાન: આ વરસાદના પાણીમાં કેન્સર પેદા કરી શકે તેવા હાનિકારક કેમિકલ્સ હોઈ શકે છે, જે ત્વચા પર એલર્જી, બળતરા અને વાળ ખરવાની સમસ્યા સર્જે છે.

જમીન અને જળ પ્રદૂષણ: આ કાળું ઓઇલ(Black Rain) જ્યારે વહીને સ્થાનિક જળાશયોમાં જશે અથવા જમીનમાં ઉતરશે, ત્યારે તે પીવાના પાણીના સ્ત્રોતોને દૂષિત કરશે અને જમીનની ફળદ્રુપતાનો નાશ કરશે.


આ પણ વાંચો :નાઇજરના એરપોર્ટ પર હુમલો, 11 સૈનિકો સહિત 13 ના મોત; 22 આતંકીઓને કર્યા ઠાર

આ પણ વાંચો :અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો અંત, હોર્મુઝ ખુલશે પણ 60 દિવસ બાદ લાગી શકે છે મોટો ટોલ ટેક્સ

આ પણ વાંચો :અમેરિકન સાંસદ ઇલ્હાન ઉમરે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, આપ્યું વિવાદાસ્પદ નિવેદન