Surat News: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પીંજરત ગામમાં અંદાજે 280 વીઘા જમીનને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. પીંજરત ગામની ગણોતિયા સહકારી મંડળીની જમીન અંગે સ્થાનિક ખેડૂતો દ્વારા અંદાજે 1,400થી 1,500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતોના આક્ષેપોને પગલે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, છેલ્લા બે વર્ષથી મંડળીની કિંમતી જમીન પર રાજકીય પ્રભાવ ધરાવતા કેટલાક ભૂમાફિયાઓની નજર છે. ખેડૂતોનો દાવો છે કે, કરોડો રૂપિયાની બજાર કિંમત ધરાવતી જમીન માત્ર 6 લાખ રૂપિયા પ્રતિ વીઘાના ભાવે પડાવી લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ માટે મંડળીના હોદ્દેદારો અને કેટલાક વચેટિયાઓ દ્વારા ખેડૂતો પર દબાણ અને ધમકી આપવામાં આવી રહી હોવાનું પણ તેઓએ જણાવ્યું છે.
ખેડૂતોનું કહેવું છે કે તેઓ વર્ષોથી ગણોત પેટે આ જમીન પર ખેતી કરીને જીવનનિર્વાહ કરે છે. તેમનો આક્ષેપ છે કે જમીન સસ્તા ભાવે હસ્તગત કરીને બાદમાં એક ખાનગી કંપનીને ઊંચી કિંમતે વેચવાની યોજના ચાલી રહી છે.
આ સમગ્ર મામલામાં મુકેશ સોની નામના એક વચેટિયાનું નામ પણ સામે આવ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓ ગાંધીનગર સુધી પોતાની પહોંચ હોવાનું કહી દબાણ કરી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, કલેક્ટર અને સહકારી મંડળીના રજીસ્ટ્રાર સમક્ષ પુરાવા સાથે લેખિત રજૂઆત કરવા છતાં અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે હવે ખેડૂતો ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવવાની તૈયારીમાં હોવાનું જણાવ્યું છે.
બીજી તરફ, ગણોતિયા સહકારી મંડળીએ ખેડૂતો દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. મંડળીના હોદ્દેદારોનું કહેવું છે કે કોઈ જમીનનું વેચાણ કરવામાં આવી રહ્યું નથી. હાલ માત્ર વારસદારોના નામ નોંધવાની કાયદેસરની પ્રક્રિયા ચાલી રહી છે. ઉપરાંત, ખોટા અને પાયા વિહોણા આક્ષેપ કરનારાઓ સામે જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવાની પણ મંડળીએ ચેતવણી આપી છે.
હાલ સમગ્ર મામલે સત્ય હકીકત સામે આવવા માટે સંબંધિત તંત્રની તપાસ અને આગળની કાર્યવાહી પર સૌની નજર છે.
આ પણ વાંચો: અરવલ્લીમાં જમીન કૌભાંડના આક્ષેપ: શિણોલ ગામની ખેડૂતોની જમીનો ખોટા દસ્તાવેજોથી પચાવાઈ હોવાનો દાવો
આ પણ વાંચો: સુરતમાં કરોડોના વધુ એક જમીન કૌભાંડનો પર્દાફાશ
