બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી હેમા માલિની (HEMA MALINI)એ હિન્દી સિનેમા જગતમાં પોતાના અદભુત કરિયરના 60 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ અવસરે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે પોતાની બાયોપિકને લઈને એક રસપ્રદ ઈચ્છા વ્યક્ત કરી છે. હેમા માલિનીએ જણાવ્યું કે જો ક્યારેય મોટા પડદા પર તેમની જીવનકથા બતાવવામાં આવે, તો તેમના પાત્રને ન્યાય આપવા માટે દીપિકા પાદુકોણ સૌથી શ્રેષ્ઠ કલાકાર સાબિત થશે.
દીપિકાના ટેલેન્ટના ફેન થયા હેમા માલિની
હેમા માલિનીના મતે દીપિકા પાદુકોણ (DEEPIKA PADUKON) અત્યંત પ્રતિભાશાળી અને સુંદર અભિનેત્રી છે, જે તેમની ભૂમિકાને ખૂબ જ સારી રીતે પડદા પર ઉતારી શકે છે. ઉલ્લેખનીય છે કે બંને કલાકારો વચ્ચે અંગત જીવનમાં પણ ઘણા મધુર સંબંધો છે. વર્ષ 2017માં જ્યારે હેમા માલિનીના જીવન પર આધારિત પુસ્તક ‘હેમા માલિની: બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ’ લોન્ચ થયું, ત્યારે તેના અનાવરણ માટે પણ તેમણે દીપિકાની જ પસંદગી કરી હતી.
‘ઓમ શાંતિ ઓમ’ અને ‘ડ્રીમ ગર્લ’નું ખાસ કનેક્શન
બીજી એક ખાસ વાત એ છે કે દીપિકા પાદુકોણે જ્યારે બોલિવૂડમાં ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’થી ડેબ્યુ કર્યું હતું, ત્યારે તેમાં તેના પાત્ર ‘શાંતિપ્રિયા’ને પણ ફિલ્મની અંદર ‘ડ્રીમ ગર્લ’ તરીકે જ રજૂ કરવામાં આવી હતી. જ્યારે વાસ્તવિક જીવનમાં 1970 અને 1980ના દાયકાથી હેમા માલિનીને આખા દેશના ચાહકો ‘ડ્રીમ ગર્લ’ તરીકે ઓળખે છે.
હેમા માલિનીએ પોતાના ફિલ્મી સફરની શરૂઆત વર્ષ 1968માં આવેલી ફિલ્મ ‘સપનો કા સોદાગર’થી કરી હતી, જેમાં તેઓ મહાનાયક રાજ કપૂર સાથે હિરોઈન તરીકે જોવા મળ્યા હતા. ત્યાર બાદ તેમણે સિનેમામાં લાંબી ઇનિંગ રમી અને છેલ્લે વર્ષ 2020માં રીલિઝ થયેલી રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘શિમલા મિર્ચ’માં અભિનય કર્યો હતો. હવે ચાહકો એ જોવા આતુર છે કે હેમા માલિનીની આ ઈચ્છા મુજબ ક્યારે તેમની બાયોપિક બને છે.
