Gujarat Monsoon/ ગુજરાતના જૂનાગઢમાં ધોધમાર વરસાદ, અરવલ્લીમાં ખેડૂતોને રાહતની આશા

Gujarat monsoon: ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી થઈ છે. જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસતા ગરમીથી લોકોને રાહત મળી છે.

Top Stories Gujarat
GUJARAT MONSOON

Gujarat Monsoon: લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં આજે સવારથી જ વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં કાળા વાદળો છવાઈ ગયા છે અને અનેક સ્થળોએ વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

જૂનાગઢમાં વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત

જૂનાગઢ જિલ્લામાં લાંબી રાહ બાદ મેઘરાજાએ મહેર વરસાવી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાયો હતો. વરસાદના આગમનથી છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી કાળઝાળ ગરમી અને બફારામાંથી લોકોને મોટી રાહત મળી છે. વરસાદ બાદ સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ છે અને વાતાવરણ ખુશનુમા બન્યું છે.

જામજોધપુર પંથકમાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો. અહીં જોરદાર વરસાદી ઝાપટાં પડતાં સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. બીજી તરફ ખેડૂતો માટે પણ આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે, કારણ કે વરસાદથી પાકને નવજીવન મળવાની આશા જાગી છે.

અરવલ્લીમાં વરસાદ શરૂ, ખેડૂતોને હજુ મુશળધાર વરસાદની રાહ

ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ છે. યાત્રાધામ શામળાજી સહિત મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી ધીમો વરસાદ નોંધાયો છે. જોકે જિલ્લામાં હજુ સુધી પૂરતો વરસાદ ન પડતાં ખેડૂતોની ચિંતા યથાવત છે.

અપૂરતા વરસાદના કારણે અગાઉ કરેલી વાવણીના પાક પર સુકાઈ જવાનું સંકટ ઊભું થયું છે. તેથી ખેડૂતો હવે સારા અને સતત વરસાદની આશા સાથે આકાશ તરફ નજર રાખી રહ્યા છે. આગામી દિવસોમાં જો સારો વરસાદ થશે તો ખેતીને મોટો ફાયદો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો ક્યાં રાજ્યોમાં આગામી 12 કલાક રહેશે ભારે

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, 4 દિવસમાં 3 હજારથી વધુ મુસાફરોએ ટિકિટ રદ કરાવી

આ પણ વાંચો: ગુજરાતમાં સિઝનનો 24.63% વરસાદ: નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ એલર્ટ પર, 7 દિવસ ભારે વરસાદની આગાહી નહીં