Gujarat News : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ સક્રિય બન્યો છે અને અનેક વિસ્તારોમાં સારો વરસાદ (Rain)નોંધાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી 26 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી (Rain Forecast)કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 21 જુલાઈએ સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ (Heavy Rain)પડી શકે છે. જ્યારે 22 જુલાઈએ સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત 25 અને 26 જુલાઈ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગે નદી-નાળાઓ નજીક રહેતા લોકો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વસતા નાગરિકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે.
બીજી તરફ રાજ્યમાં વરસાદ (Rain)નું જોર યથાવત રહ્યું છે. 20 જુલાઈએ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના માત્ર 12 કલાકમાં રાજ્યના 124 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ (Heavy Rain)વલસાડ જિલ્લાના પારડીમાં અંદાજે 4.5 ઇંચ નોંધાયો હતો. વલસાડ શહેર અને નવસારીના ખેરગામમાં 4-4 ઇંચ જ્યારે જલાલપોર અને ગણદેવીમાં 3-3 ઇંચ વરસાદ વરસ્યો હતો.
દક્ષિણ ગુજરાતના કુલ 19 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છવાઈ ગયું છે. આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા હોવાથી નાગરિકોએ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
