Surat News: સુરતના લસકાણા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર સોસાયટીમાં યુવતીને બળજબરીથી (Surat Girl Kidnapping) ઘરમાંથી બહાર કાઢીને કારમાં બેસાડી લઈ જવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાના CCTV વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. યુવતી સાથે રહેતા યુવકે આક્ષેપ કર્યો છે કે તેના પરિવારના લોકો 10થી વધુ લોકો સાથે આવ્યા હતા અને યુવતીને તેની ઈચ્છા વિરુદ્ધ લઈ ગયા હતા. આ દરમિયાન બચાવ કરવા આવેલા યુવક અને તેની માતા સાથે મારામારી કરવામાં આવી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે લસકાણા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
બાળપણના પ્રેમ બાદ મૈત્રી કરાર કરીને રહેતા હતા
મળતી માહિતી પ્રમાણે, લસકાણા વિસ્તારમાં રહેતો યુવક અને યુવતી (Surat Girl Kidnapping) એકબીજાને બાળપણથી ઓળખતા હતા. બંને વચ્ચે સમય જતા પ્રેમ સંબંધ બંધાયો હતો.યુવકના જણાવ્યા પ્રમાણે, યુવતીની ઈચ્છાથી બંનેએ 23 જૂનના રોજ મૈત્રી કરાર કર્યો હતો. ત્યારબાદ યુવતી યુવકના પરિવાર સાથે રહેવા આવી હતી.યુવકના કહેવા પ્રમાણે, થોડા દિવસ બાદ બંને લસકાણા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા, જ્યાં યુવતીના પરિવારજનોની હાજરીમાં તેણે યુવક સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
Surat Girl Kidnapping:યુવતીના પરિવારજનો ઘરે પહોંચ્યા
યુવકના જણાવ્યા પ્રમાણે, 17 જુલાઈના રોજ યુવતીના માતા-પિતા સહિત પરિવારના લોકો તેના ઘરે પહોંચ્યા હતા. તે સમયે યુવક, તેની માતા અને યુવતી ઘરે હાજર હતા.આ દરમિયાન 10થી વધુ લોકો ઘરમાં ઘૂસી આવ્યા અને યુવતી ((Surat Girl Kidnapping))ને સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.યુવકે જણાવ્યું કે યુવતી જવા માટે તૈયાર નહોતી અને તેણે વિરોધ કર્યો હતો. આ દરમિયાન તેને ખેંચીને બહાર લઈ જવાઈ હતી.
યુવતીને ખેંચીને કારમાં બેસાડ્યાનો આક્ષેપ
CCTV વીડિયોમાં કેટલાક લોકો યુવતી ((Surat Girl Kidnapping))ને પકડીને લઈ જતા જોવા મળી રહ્યા છે. યુવકનો આરોપ છે કે યુવતી એક વખત તેમના હાથમાંથી છૂટી અને પરત આવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફરીથી તેને પકડીને કારમાં બેસાડી દેવામાં આવી હતી.આ સમગ્ર ઘટનામાં યુવક અને તેની માતા સાથે મારપીટ કરવામાં આવી હોવાનો પણ આરોપ છે.
યુવકે પોલીસમાં કરી જાણ
ઘટના બાદ યુવકે લસકાણા પોલીસને સમગ્ર મામલે જાણ કરી હતી. સોસાયટીના લોકો પણ ઘટનાસ્થળે એકઠા થયા હતા અને વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો હતો.યુવકના જણાવ્યા પ્રમાણે, તેની માંગ છે કે યુવતીને પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવે અને તે પોતાની ઈચ્છા પ્રમાણે કોની સાથે રહેવા માંગે છે તેનો નિર્ણય પોતે કરી શકે.
યુવકનું નિવેદન
યુવકે જણાવ્યું કે, “યુવતીએ પોતાની ઈચ્છાથી મૈત્રી કરાર કર્યો હતો અને પોલીસ સમક્ષ પણ મારી સાથે રહેવાની વાત કહી હતી. હવે તેના પરિવારના લોકોએ તેને લઈ ગયા છે. મારી માંગ છે કે યુવતીને એક વખત સામે લાવવામાં આવે જેથી તે પોતાની ઈચ્છા વ્યક્ત કરી શકે.”
પોલીસ તપાસ ચાલુ
હાલ આ સમગ્ર મામલે લસકાણા પોલીસ દ્વારા CCTV ફૂટેજ સહિતના પુરાવાના આધારે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:માલીમાં અપહરણ બાદ સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ ધીરૂ રામાણી મુક્ત, ₹44 કરોડની ખંડણી ચૂકવાઈ હોવાનો દાવો
આ પણ વાંચો:સુરતમાં આપના ઉમેદવારનું અપહરણ કરી ડરાવવા-ધમકાવવામાં આવ્યાનો આરોપ
આ પણ વાંચો:ધોળા દિવસે સુરતમાં કુરિયર બોયનું અપહરણ, ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી
