Gujarat News/ ગુજરાતમાં ભારે વરસાદને લઈને સરકાર એલર્ટ: PM મોદી-અમિત શાહ સતત સંપર્કમાં, વલસાડ-નવસારીમાં હજારો લોકોનું સ્થળાંતર

Gujarat Rain Alert: ગુજરાતમાં અતિ ભારે વરસાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સતત સંપર્કમાં છે. વલસાડ અને નવસારીમાં હજારો લોકોનું સ્થળાંતર કરાયું છે, જ્યારે NDRF, SDRF અને આર્મીની ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ

Top Stories Gujarat
Gujarat Rain Alert: ગુજરાતમાં મેઘતાંડવ

Gujarat Heavy Rain: રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે(Gujarat Rain Alert) વરસાદને પગલે સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને નાગરિકોની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

Gujarat Rain Alert: PM મોદી અને અમિત શાહ મુખ્યમંત્રી સાથે સતત સંપર્કમાં

પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Rain) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યની વરસાદી પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સતત સંપર્કમાં છે. વડાપ્રધાને ટેલિફોન પર પરિસ્થિતિની વિગત મેળવી હતી અને કેન્દ્ર સરકાર તરફથી જરૂરી તમામ મદદની ખાતરી આપી હતી.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી સતત મોનિટરિંગ

Gujarat Rain Alert: ગુજરાતમાં મેઘતાંડવ
Gujarat Rain Alert: ગુજરાતમાં મેઘતાંડવ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ, રાહત કમિશનર ગૌરાંગ મકવાણા અને GSDMAના અધિકારીઓ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી રાજ્યભરની સ્થિતિનું રિયલ-ટાઇમ મોનિટરિંગ કરી રહ્યા છે. તમામ જિલ્લાઓ સાથે સતત સંકલન જાળવીને રાહત કામગીરીનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

11 જિલ્લાઓમાં રેડ એલર્ટ, અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

રાહત કમિશનર મુજબ દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, ખેડા, આણંદ, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે.

વલસાડ અને નવસારીમાં હજારો લોકોનું સ્થળાંતર

Gujarat Rain Alert: ગુજરાતમાં મેઘતાંડવ
Gujarat Rain Alert: ગુજરાતમાં મેઘતાંડવ

ભારે વરસાદ અને (Valsad Flood) પૂર જેવી સ્થિતિને પગલે વલસાડ જિલ્લામાં 12 હજારથી વધુ અને નવસારી જિલ્લામાં 10 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત વલસાડમાં 200થી વધુ અને નવસારીમાં 50થી વધુ લોકોને પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢીને બચાવવામાં આવ્યા છે.

NDRF, SDRF અને આર્મીની ટીમો બચાવ કામગીરીમાં તૈનાત

રાજ્યમાં બચાવ કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે વલસાડમાં ત્રણ NDRF અને પાંચ SDRF ટીમો પહેલેથી કાર્યરત છે. કેન્દ્ર સરકાર તરફથી વધારાની ચાર NDRF ટીમો એરલિફ્ટ કરીને મોકલવામાં આવી રહી છે, જેમાં બે ટીમ વલસાડ, એક નવસારી અને એક સુરતમાં તૈનાત થશે. ઉપરાંત આર્મીની બે કોલમ પણ વલસાડ અને નવસારી માટે રવાના કરવામાં આવી છે.

GSDMAની 25 બોટ્સ બચાવ કામગીરીમાં જોડાઈ

Gujarat Rain Alert: ગુજરાતમાં મેઘતાંડવ
Gujarat Rain Alert: ગુજરાતમાં મેઘતાંડવ

રાહત અને બચાવ કામગીરીને ઝડપી બનાવવા માટે GSDMA દ્વારા 25 બોટ્સ વલસાડ મોકલવામાં આવી છે. જરૂરિયાત મુજબ આ બોટ્સમાંથી કેટલીક નવસારીમાં પણ તૈનાત કરવામાં આવશે, જેથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી મદદ પહોંચાડી શકાય.

અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, 1,200થી વધુ રસ્તાઓ બંધ

સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી નવસારીના ખેરગામમાં 16 ઈંચ, સુરતના ઉમરપાડામાં 15 ઈંચ અને વલસાડના ઉમરગામમાં 14 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં પાણી ફરી વળતાં 1,200 જેટલા રસ્તાઓ હાલ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના પંચાયત માર્ગોનો સમાવેશ થાય છે.

શાળા-કોલેજોમાં રજા, નાગરિકોને સાવચેત રહેવા અપીલ

રેડ અને ઓરેન્જ એલર્ટ હેઠળ આવેલા જિલ્લાઓમાં સાવચેતીના ભાગરૂપે શાળા, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી-નાળા અને કોઝવે પરથી પસાર ન થવા તેમજ માત્ર સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.

તાપીમાં એકનું મોત, અફવાઓથી દૂર રહેવા અનુરોધ

તાપી જિલ્લામાં પાણીમાં તણાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું હોવાનું રાજ્ય સરકારે પુષ્ટિ કરી છે. આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં તંત્રે લોકોને વરસાદી પરિસ્થિતિમાં સંપૂર્ણ સાવચેતી રાખવા, અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ મુશ્કેલીમાં તાત્કાલિક સરકારી હેલ્પલાઇનનો સંપર્ક કરવાની અપીલ કરી છે.


આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદનો પ્રચંડ કહેર: અનેક વિસ્તારો જળબંબાકાર; અંડરપાસ બંધ

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘતાંડવ: 19 જિલ્લામાં શાળા-કોલેજો બંધ, વલસાડમાં આર્મી તૈનાત; 22 હજારથી વધુ લોકોનું સ્થળાંતર