Jamnagar News: જામનગરમાં વ્યાજખોરી અને બળજબરીથી નાણાં વસૂલવાના આક્ષેપોને લઈને પોલીસ (Police) બેડામાં ખળભળાટ મચ્યો છે. સરકારી કોન્ટ્રાક્ટર પુષ્પરાજસિંહ રાણાએ નોંધાવેલી ફરિયાદમાં અગાઉ જામનગર સિટી ‘બી’ ડિવિઝનમાં ફરજ બજાવતા અને હાલ સુરેન્દ્રનગર બદલી કરાયેલા પોલીસકર્મી અજયસિંહ ઝાલા (Ajaysinh Zala) સહિત ચાર લોકો સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.
Policeકર્મી સહિત 4 સામે કાર્યવાહી
ફરિયાદ બાદ રાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાય (Nirlipt Rai)ના સ્તરે મામલે કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર કેસની તપાસ માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ (Premsukh Delu)ની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે. ફરિયાદ મુજબ, વર્ષ 2024માં રેતીની લીઝ માટે પુષ્પરાજસિંહ રાણાએ પોલીસકર્મી અજયસિંહ ઝાલા પાસેથી આંગડિયા મારફતે 35 લાખ લીધા હતા. ફરિયાદીનો દાવો છે કે આ રકમ પેટે 36.05 લાખ ચૂકવી દેવામાં આવ્યા હતા.
ત્યારબાદ નાણાકીય જરૂરિયાત ઊભી થતાં જૂન 2025માં વધુ 15 લાખ લેવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. આમ, ફરિયાદી મુજબ કુલ 50 લાખના નાણાકીય વ્યવહાર થયા હતા.
50 લાખ સામે 1 કરોડથી વધુ ચૂકવ્યાનો દાવો
ફરિયાદીનો દાવો છે કે કુલ 50 લાખના વ્યવહાર સામે અત્યાર સુધીમાં 1 કરોડ 5 લાખ 2 હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આ ચૂકવણી રોકડ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને આંગડિયા મારફતે કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. જોકે, આટલી રકમ ચૂકવ્યા બાદ પણ મામલો પૂર્ણ ન થયો હોવાનો ફરિયાદીનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ ત્યારબાદ 2 કરોડની ઉઘરાણી કરવામાં આવી હોવાનો આરોપ છે.
ધમકી આપી 2 કરોડના લખાણ કરાવ્યાનો આક્ષેપ
ફરિયાદમાં વધુ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદી મુજબ, 27 ફેબ્રુઆરી 2026ના રોજ ચારેય આરોપીઓએ વડોદરા ખાતે તેમને ધમકી આપી હતી. ત્યારબાદ કોર્ટમાં લઈ જઈ 2 કરોડ હાથઉછીના લીધા હોવાના ત્રણ અલગ-અલગ નોટરાઈઝ્ડ લખાણો કરાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. આ લખાણોના આધારે કુલ ₹2 કરોડના ચેક લેવામાં આવ્યા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. ચેક બાઉન્સ થયા બાદ કાયદેસરની નોટિસો મોકલીને વધુ દબાણ કરવામાં આવ્યું હોવાનો ફરિયાદીનો આરોપ છે.
WhatsApp ચેટ અને કોલ રેકોર્ડિંગ સહિતના પુરાવા
ફરિયાદીએ પોતાના આક્ષેપોના સમર્થનમાં WhatsApp ચેટ, કોલ રેકોર્ડિંગ અને આંગડિયાની પહોંચ સહિતના પુરાવા હોવાનો દાવો કર્યો છે. ફરિયાદીનો આરોપ છે કે નાણાં ચૂકવવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું. એટલું જ નહીં, સગા-સંબંધીઓને ફોન કરીને પણ દબાણ કરવામાં આવતું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. હવે SIT આ તમામ ડિજિટલ તેમજ નાણાકીય પુરાવાઓની તપાસ કરશે.
DIGના હસ્તક્ષેપ બાદ SITની રચના

ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈને મામલે રાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાય સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે. SITમાં સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા અને રાજકોટના પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તપાસ ટીમ દ્વારા આરોપીઓના ઘર સહિતના સ્થળોએ તપાસ, સંબંધિત લોકોના નિવેદનો અને નાણાકીય વ્યવહારોની ચકાસણી શરૂ કરવામાં આવી છે.
SITના રડાર પર શું?
SIT હવે સમગ્ર કેસમાં નાણાકીય વ્યવહારોની કડી તપાસશે. જેમાં— બેંક રેકોર્ડ, ચેક, નોટરાઈઝ્ડ દસ્તાવેજો, WhatsApp ચેટ, કોલ રેકોર્ડિંગ, આંગડિયાની પહોંચ રોકડ અને ઓનલાઈન વ્યવહારો જેવા પુરાવાઓની તપાસ કરવામાં આવશે. ચારેય આરોપીઓ સામે BNS અને નાણાં ધીરધાર અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંયો: રાજકોટમાં વ્યાજખોરો સામે મોટી કાર્યવાહી: 90 અરજદારોને રૂ.1.05 કરોડની મિલકત પરત
આ પણ વાંયો: વડોદરામાં વ્યાજખોરી અને ખંડણીના આરોપમાં તમન્ના સૈયદ અને પતિ સોહેલની ધરપકડ
આ પણ વાંયો: જૂનાગઢમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાત, 5 લાખ સામે લાખોની જમીન લખાવી લીધાનું વીડિયો વાયરલ
