Ahmedabad News/ ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝામાં મોટો ફેરફાર,સ્ટુડન્ટ વિઝામાં સ્પાઉસને નો-એન્ટ્રી!

ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા (Australia Visa) મારફતે અભ્યાસ માટે જવા માગતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ઇમિગ્રેશન નિયમોમાં મોટા ફેરફારની જાહેરાત કરવામાં આવી છે

Gujarat
ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા (Australia Visa) મારફતે અભ્યાસ માટે જવા માગતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ઇમિગ્રેશન નિયમોમાં મોટા ફેરફારની જાહેરાત કરવામાં આવી છે

Ahmedabad News : ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા (Australia Visa) મારફતે અભ્યાસ માટે જવા માગતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ઇમિગ્રેશન નિયમોમાં મોટા ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશન મંત્રી ટોની બર્કે 17 સપ્ટેમ્બરે નવી નીતિ અંગે જાહેરાત કરી છે. જોકે, આ ફેરફારોને લાગુ કરવા માટે હજુ નિયમો અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થવાની બાકી છે.

સૌથી વધુ ચર્ચા મેરિડ વિદ્યાર્થીઓના સ્પાઉસ અને બાળકોને ઓસ્ટ્રેલિયા લઈ જવા અંગે થઈ રહી છે. અત્યાર સુધી ચોક્કસ કેટેગરીના સ્ટુડન્ટ વિઝા હેઠળ ડિપેન્ડન્ટને સાથે લઈ જવાની સુવિધા ઉપલબ્ધ હતી. નવી વ્યવસ્થામાં ડિપેન્ડન્ટ વિઝા (Dependent Visa) પર નિયંત્રણ લાવવાની યોજના છે.

મેરિડ વિદ્યાર્થીઓ અને સ્પાઉસ પર શું અસર?

નવા નિયમોનો અમલ થયા બાદ મેરિડ વિદ્યાર્થીઓ માટે પોતાના હસબન્ડ, વાઇફ અથવા બાળકોને સાથે લઈ જવાની વ્યવસ્થા અગાઉની સરખામણીએ વધુ મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને નવી અરજીઓ કરનારા વિદ્યાર્થીઓએ આ બાબત ધ્યાનમાં રાખવી પડશે.

ઇમિગ્રેશન ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં પહેલેથી અભ્યાસ કરતા અથવા સ્પાઉસ સાથે ત્યાં રહેતા વિદ્યાર્થીઓને આ ફેરફારથી તાત્કાલિક અસર થવાની શક્યતા ઓછી છે. મુખ્ય અસર નવી અરજીઓ પર થવાની શક્યતા છે.

આ ફેરફાર પાછળનું એક કારણ ડિપેન્ડન્ટ અરજીઓમાં થયેલો વધારો હોવાનું જણાવવામાં આવ્યું છે. ઉપલબ્ધ માહિતી પ્રમાણે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાને 3.37 લાખ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા અરજીઓ મંજૂર થઈ હતી, જેમાં આશરે 45 હજાર ડિપેન્ડન્ટ વિઝા હતા.

સ્ટુડન્ટ્સને ક્યાં ફાયદો થઈ શકે?

ડિપેન્ડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા આવતા લોકોમાં ઘણા લોકો ત્યાં કામ પણ કરતા હોય છે. જો ડિપેન્ડન્ટની સંખ્યા ઘટે તો ઉપલબ્ધ તકમાંથી સિંગલ સ્ટુડન્ટ્સને લાભ મળી શકે તેવી દલીલ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત સ્ટુડન્ટ્સ માટે અભ્યાસના સ્તર અંગે પણ મહત્વનો ફેરફાર સૂચવાયો છે. જો કોઈ વિદ્યાર્થી ભારતમાં બેચલર ડિગ્રી પૂર્ણ કરીને ઓસ્ટ્રેલિયા જાય છે, તો ત્યાં આગળના અભ્યાસમાં હાયર લેવલના કોર્સ તરફ આગળ વધવાની અપેક્ષા રહેશે.

અર્થાત્ બેચલર પૂર્ણ કર્યા બાદ માત્ર ઓસ્ટ્રેલિયામાં રહેવા માટે ડિપ્લોમા અથવા અગાઉ કરતાં નીચલા સ્તરના કોર્સમાં પ્રવેશ લેવાની પ્રથાને નિયંત્રિત કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે.

વિઝિટર વિઝા અને PR અંગે પણ મહત્વની બાબતો

ઓસ્ટ્રેલિયા વિઝા (Australia Visa) નીતિમાં વિઝિટર વિઝા (Visitor Visa) અંગે પણ ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કેટલાક લોકો વિઝિટર વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયા બાદ ત્યાં રહીને સ્ટુડન્ટ અથવા અન્ય ટેમ્પરરી વિઝા માટે અરજી કરતા હતા.

આ પ્રકારના ઉપયોગને નિયંત્રિત કરવા માટે ‘No Further Stay’ જેવી શરતનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આવી શરત લાગુ હોય તો વ્યક્તિને ઓસ્ટ્રેલિયામાં રહીને અન્ય ચોક્કસ વિઝા માટે અરજી કરવાની મર્યાદા આવી શકે છે.

બીજી તરફ ઓસ્ટ્રેલિયા PR (Australia PR) મેળવવા માગતા લોકો માટે આ જાહેરાતનો અર્થ એ નથી કે સ્કિલ્ડ ઇમિગ્રેશનના તમામ રસ્તા બંધ થઈ રહ્યા છે. ઉપલબ્ધ માહિતી પ્રમાણે સ્કિલ્ડ માઇગ્રેશન માટે અલગ કેટેગરી અને ક્વોટા ચાલુ રહેવાના છે.

નવા નિયમોનો અમલ ક્યારે થશે તે અંગે અંતિમ સ્પષ્ટતા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ થશે. તેથી સ્ટુડન્ટ્સે અરજી કરતા પહેલાં ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશન વિભાગની સત્તાવાર માહિતી તપાસવી જરૂરી છે.


આ પણ વાંચો : નોકરીની લાલચ, ટૂરિસ્ટ વિઝા અને ડિટેન્શન: મલેશિયામાં ફસાયા ભારતીય યુવાનો

આ પણ વાંચો : વિદેશ મોકલવાના નામે મોટું કૌભાંડ! નોકરી-સ્ટુડન્ટ વિઝાની લાલચ આપી ગુજરાતીઓ પાસેથી ₹94 લાખની છેતરપિંડી

આ પણ વાંચો : અમેરિકાની વિઝા પ્રક્રિયામાં મોટો ફેરફાર! ભારતીય અરજદારો પર શું થશે અસર?