દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) ના વિરોધ પ્રદર્શન પહેલાં પાર્ટીના સહ-સંયોજક સૌરવ દાસે તેમનો ફોન નંબર લીક થયાનો મોટો આરોપ લગાવ્યો છે. તેમનો દાવો છે કે ફોન નંબર સાર્વજનિક થવાના કારણે માત્ર એક જ કલાકમાં તેમને 300થી વધુ ફોન કોલ અને અસંખ્ય સંદેશા મળ્યા છે. આ ગંભીર મામલે સૌરવ દાસે દિલ્હી પોલીસ (Delhi Police)ની કામગીરી અને ડેટા સુરક્ષા સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે.
આ સમગ્ર ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે CJP દ્વારા 10 ઑક્ટોબરે દિલ્હીના જંતર-મંતર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar)વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું એલાન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન સ્થળે લોકો એકત્ર થવા લાગ્યા હતા અને પોલીસે પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

એક કલાકમાં સતત રણક્યા ફોન: સૌરવ દાસના ગંભીર આક્ષેપો
સૌરવ દાસે (Sourav Das) શુક્રવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ખુલાસો કર્યો હતો કે તેમને અચાનક અજાણ્યા નંબરો પરથી સતત ફોન કોલ અને વોટ્સએપ મેસેજ આવવા લાગ્યા છે. તેમના જણાવ્યા મુજબ, માત્ર એક જ કલાકના ટૂંકા સમયગાળામાં તેમને 300થી વધુ ફોન કોલ આવ્યા હતા અને આ સિલસિલો ત્યાર બાદ પણ અટકવાનું નામ લઈ રહ્યો નથી.
દાસે આક્ષેપ કર્યો છે કે દિલ્હી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા કેટલાક સત્તાવાર દસ્તાવેજોમાં તેમનો અંગત ફોન નંબર પ્રિન્ટ થઈ ગયો હતો, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જોકે, આ આક્ષેપોની કોઈ સ્વતંત્ર પુષ્ટિ કરવામાં આવી નથી.
પોલીસના દસ્તાવેજો અને મીડિયાની ભૂમિ પર સવાલો
આ વિવાદ વચ્ચે સૌરવ દાસે પોલીસ અને મીડિયા સંસ્થાનોની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવ્યા છે. અહેવાલો મુજબ, દાસે જે દસ્તાવેજોનો ઉલ્લેખ કર્યો છે તે અગાઉના વિરોધ પ્રદર્શન સાથે સંકળાયેલા બાંહેધરીપત્રો અને પ્રદર્શનની પરવાનગી નકારતા પત્રો હોવાનું મનાય છે. તેમણે એવા મીડિયા પ્લેટફોર્મ્સ અને સંસ્થાનો પર પણ નારાજગી વ્યક્ત કરી છે જેમણે કથિત રીતે તેમનો ફોન નંબર હાઇલાઇટ કે બ્લર કર્યા વગર જ આ દસ્તાવેજો સાર્વજનિક કરી દીધા હતા. વ્યક્તિગત માહિતી અને ગોપનીયતા ખુલ્લી થવાના કારણે તેમને માનસિક ત્રાસ અને ભારે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.
જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન અને સુરક્ષા વ્યવસ્થા
ઉલ્લેખનીય છે કે CJP એ 10 ઑક્ટોબરે દિલ્હીના જંતર-મંતર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. આ પાર્ટી દ્વારા ખાસ કરીને મતદાર યાદીઓમાં રહેલી અનિયમિતતાઓને લગતા વિવિધ ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. દિલ્હી પોલીસે આ પ્રદર્શન માટે સત્તાવાર પરવાનગી આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો, તેમ છતાં નિર્ધારિત સ્થળે મોટી સંખ્યામાં લોકો પહોંચવા લાગ્યા હતા. સુરક્ષા અને કાયદો જાળવવાના ભાગરૂપે પોલીસે જંતર-મંતર અને આસપાસના વિસ્તારોમાં કાફલો ખડકી દીધો છે.
આ પણ વાંચો:CJP જંતર-મંતર પ્રદર્શન મહાસંકટ: ૨૫ હજાર જવાનો તૈનાત, ૪૫ મેટ્રો સ્ટેશનો અને નમો ભારત ટ્રેન ઠપ!
આ પણ વાંચો:દિલ્હીમાં CJPના વિરોધ પહેલાં સુરક્ષા કડક, કલમ 163 લાગુ
આ પણ વાંચો:CJPના વિરોધને લઈને દિલ્હી પોલીસ એલર્ટ, DCPએ કહ્યું- “સંપૂર્ણપણે તૈયાર છીએ”
