International News : મુસ્લિમ બહુમતી ધરાવતા અઝરબૈજાનમાં સ્કૂલોના ડ્રેસ કોડને લઈને વિવાદ (Azerbaijan Hijab Controversy) વકર્યો છે. હિજાબ પહેરીને સ્કૂલે પહોંચેલી કેટલીક વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોને પ્રવેશ ન મળ્યાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનાના વિરોધમાં કેટલીક સ્કૂલોમાં વિદ્યાર્થીઓએ વર્ગોનો બહિષ્કાર કર્યો હોવાની માહિતી છે. બીજી તરફ, અઝરબૈજાનના આ નિર્ણય સામે પડોશી દેશ તુર્કિયેમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયાં છે.
અઝરબૈજાનમાં હિજાબ વિવાદ (Azerbaijan Hijab Controversy)
અઝરબૈજાનમાં સ્કૂલોના ડ્રેસ કોડને લઈને ઊભા થયેલા વિવાદે (Azerbaijan Hijab Controversy)શિક્ષણ અને ધાર્મિક સ્વતંત્રતાનો મુદ્દો ચર્ચામાં લાવ્યો છે. સ્થાનિક માધ્યમોના અહેવાલો અનુસાર, હિજાબ પહેરીને સ્કૂલે પહોંચેલી કેટલીક વિદ્યાર્થિનીઓને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. આ ઘટનાથી નારાજ વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો.
સરકારનો અભિગમ તમામ વિદ્યાર્થીઓ માટે સમાન ડ્રેસ કોડ લાગુ કરવાનો છે. જોકે, વિરોધ કરનારાઓનું કહેવું છે કે ધાર્મિક આસ્થાના પ્રતીક તરીકે હિજાબ પહેરવાની છૂટ મળવી જોઈએ.
ડ્રેસ કોડના નિયમો પર કેમ ઊભો થયો વિવાદ?
અઝરબૈજાન સરકારના જણાવ્યા અનુસાર, સ્કૂલોમાં શિસ્ત અને સમાનતા જાળવવા માટે ડ્રેસ કોડનું પાલન જરૂરી છે. નવા નિયમોમાં હિજાબ પર સ્પષ્ટ પ્રતિબંધ (Azerbaijan Hijab Ban)મૂકવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ નથી, પરંતુ ધર્મનિરપેક્ષ વ્યવસ્થા સાથે અસંગત ગણાતા કેટલાક પ્રકારનાં કપડાં પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
દેશની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાયેલાં વસ્ત્રો ખાસ પ્રસંગોએ પહેરવાની જોગવાઈ હોવાનું પણ જણાવાયું છે. જોકે, આ માટે સ્કૂલની સંબંધિત સમિતિની મંજૂરી લેવી પડી શકે છે. આ નિયમોના અમલ અને અર્થઘટનને લઈને વિવાદ સર્જાયો છે.
96 ટકા મુસ્લિમ વસ્તી છતાં ધર્મનિરપેક્ષ દેશ
અઝરબૈજાનની આશરે 96 ટકા વસ્તી મુસ્લિમ હોવાનું જણાવાય છે. દેશમાં શિયા મુસ્લિમોની બહુમતી છે, જ્યારે સુન્ની મુસ્લિમો પણ મોટી સંખ્યામાં વસે છે. તેમ છતાં, અઝરબૈજાનનું બંધારણ દેશને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે ઓળખાવે છે અને નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતા (Religious Freedom)નો અધિકાર આપે છે.
આ જ મુદ્દે સરકારના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે મતભેદ જોવા મળી રહ્યા છે. સરકાર સમાન નિયમો અને ધર્મનિરપેક્ષ શિક્ષણ વ્યવસ્થાની વાત કરે છે, જ્યારે વિરોધીઓ હિજાબને વ્યક્તિગત ધાર્મિક પસંદગી ગણાવી રહ્યા છે.
તુર્કિયેમાં પણ વિરોધ, પત્રકારની ભૂખ હડતાળના અહેવાલ
સ્થાનિક અહેવાલો અનુસાર, સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં સ્કૂલમાં પ્રવેશ ન મળતાં કેટલીક વિદ્યાર્થિનીઓ ભાવુક થતી જોવા મળે છે. શિક્ષિકા ઝહરા હસાનોવાએ પણ હિજાબ પહેરીને સ્કૂલે આવવાની મંજૂરી ન હોવાનું જણાવ્યું હોવાનો અહેવાલ છે.
આ ઉપરાંત, જેલમાં બંધ પત્રકાર પોલાદ અસલાનોવે નવા નિયમોના વિરોધમાં ભૂખ હડતાળ શરૂ કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે. તેમની પત્ની ગુલમિરા અસલાનોવાના સોશિયલ મીડિયા ખાતા પર મૂકાયેલા સંદેશમાં નાગરિકોના બંધારણીય અધિકારોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હોવાનું જણાવાય છે. જોકે, ઇન્ટરનેટ બંધ કરાયું હોવાના અહેવાલોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
અઝરબૈજાનના નિર્ણય સામે તુર્કિયેના ઇસ્તાંબુલમાં પણ અઝરબૈજાનના વાણિજ્ય દૂતાવાસની બહાર પ્રદર્શન (Turkey Hijab Protest)યોજાયું હતું. પ્રદર્શનકારીઓએ સરકારને નિર્ણય પર પુનર્વિચાર કરવાની માગ કરી હતી. આ વિવાદે ફરી એકવાર શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક વસ્ત્રોની છૂટ અને વ્યક્તિગત સ્વતંત્રતા અંગે ચર્ચા જગાવી છે.
