World News : અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય ઘર્ષણની અસર હવે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર પણ જોવા મળી રહી છે. વિશ્વના સૌથી મહત્ત્વના ઓઈલ ટ્રાન્સપોર્ટ રૂટ પૈકીના એક એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં (Hormuz)જહાજોની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન અહીં ચાર જહાજોને નિશાન બનાવવામાં આવ્યાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનાઓમાં એક ભારતીય ક્રૂ મેમ્બર્સ (Indian Sailors)ધરાવતા LPG ટેન્કર પર મિસાઈલ હુમલો (Missile Attack)થતાં ચિંતા વધી છે.
તારા ગેસ ટેન્કર પર મિસાઈલ હુમલો, 24 ભારતીયો સવાર
16 નવેમ્બરના રોજ પનામાના ધ્વજ હેઠળ કાર્યરત ‘તારા ગેસ’ નામના LPG ટેન્કર (Tara Gas Tanker)પર મિસાઈલ હુમલો થયો હતો. આ જહાજમાં કુલ 25 ક્રૂ મેમ્બર્સ (Indian Sailors)સવાર હતા, જેમાં 24 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. હુમલાની ઘટનાને પગલે ભારતીય નાવિકોની સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ હતી.
જોકે, આ ઘટનામાં મોટી રાહત એ છે કે જહાજમાં સવાર તમામ 25 ક્રૂ મેમ્બર્સ (Indian Sailors)સુરક્ષિત છે. કોઈને ઈજા પહોંચી હોવાના અહેવાલ નથી. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે ભારત સરકાર સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહી છે. ભારતીય નાવિકોની સલામતી માટે સંબંધિત શિપિંગ મેનેજમેન્ટ કંપની સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
ઓમાન નજીક ઓઈલ ટેન્કર દરિયાઈ સુરંગ સાથે અથડાયું
હોર્મુઝ (Hormuz)વિસ્તારમાં બીજી એક ગંભીર ઘટના પણ સામે આવી છે. ઓમાનના ખાસાબ કિનારાથી લગભગ 13 કિલોમીટર દૂર એક ઓઈલ ટેન્કર દરિયામાં બિછાવવામાં આવેલી સુરંગ સાથે અથડાયું હતું. આ ટક્કર બાદ જહાજના એન્જિન રૂમમાં આગ લાગી હતી અને ટેન્કરની કામગીરી ખોરવાઈ ગઈ હતી.
બ્રિટનની દરિયાઈ સુરક્ષા એજન્સી UKMTOએ જણાવ્યું હતું કે આ ઘટનામાં પણ જહાજનો તમામ સ્ટાફ સુરક્ષિત છે. બીજી તરફ, ઈરાની નૌકાદળે દાવો કર્યો હતો કે ટેન્કરે પોતાની નેવિગેશન સિસ્ટમ બંધ રાખી હતી અને પ્રતિબંધિત વિસ્તારમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો.
24 કલાકમાં ચાર જહાજો નિશાન પર, દરિયાઈ માર્ગમાં ભયનો માહોલ
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં (Hormuz)સતત બની રહેલી ઘટનાઓને કારણે આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીઓની ચિંતા વધી છે. મિસાઈલ હુમલા અને દરિયાઈ સુરંગની ઘટનાઓ બાદ આ માર્ગ પરથી પસાર થતાં વેપારી જહાજો માટે જોખમ વધ્યું છે. ખાસ કરીને ભારતીય નાવિકોની (Indian Sailors)મોટી સંખ્યા આ ક્ષેત્રમાં કાર્યરત હોવાથી ભારત માટે પણ આ પરિસ્થિતિ મહત્ત્વપૂર્ણ બની છે.
દુનિયાના 20 ટકા ઓઈલ સપ્લાય માટે મહત્ત્વનો માર્ગ
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર્શિયન ગલ્ફને ઓમાનની ખાડી અને અરબી સમુદ્ર સાથે જોડતો વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ છે. વૈશ્વિક ઓઈલ અને ગેસના પરિવહન માટે તેનું વિશેષ મહત્ત્વ છે. અગાઉ વિશ્વના કુલ ઓઈલ પુરવઠાનો આશરે 20 ટકા હિસ્સો આ માર્ગ મારફતે પસાર થતો હતો.
અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા તણાવ બાદ આ વિસ્તારમાં દરિયાઈ પરિવહન સામે ગંભીર પડકારો ઊભા થયા છે. જો આ માર્ગ પર હુમલાની ઘટનાઓ ચાલુ રહેશે તો તેની અસર આંતરરાષ્ટ્રીય વેપાર, ક્રૂડ ઓઈલના ભાવ અને વૈશ્વિક ઊર્જા પુરવઠા પર પણ પડી શકે છે.
