World News: પાકિસ્તાને અંતરિક્ષ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો છે. દેશના પ્રથમ અવકાશયાત્રી મોહમ્મદ જીશાન અલી ચીનની મદદથી અંતરિક્ષ મિશન માટે રવાના થયા (Pakistan First Astronaut) છે. તેઓ ચીનના શેનઝોઉ-24 મિશનનો ભાગ બન્યા છે. આ સાથે તેઓ ચીનના તિયાંગોંગ સ્પેસ સ્ટેશન પર પહોંચનારા પ્રથમ વિદેશી અવકાશયાત્રી બન્યા છે. આ મિશન દરમિયાન તેઓ પાકિસ્તાન તરફથી પસંદ કરાયેલા ચાર વૈજ્ઞાનિક પ્રયોગો હાથ ધરશે. ખાસ વાત એ છે કે તેમના માટે સ્પેસ સ્ટેશન પર હલાલ ભોજનની પણ વ્યવસ્થા (Halal Food in Space) કરવામાં આવી છે.
Pakistan First Astronaut: ચીનના બે અવકાશયાત્રીઓ સાથે જીશાનની ઉડાન
બુધવારે સવારે જીશાન અલી ચીનના જિયુક્વાન સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી અંતરિક્ષ માટે રવાના થયા હતા. તેમને લોંગ માર્ચ-2એફ રોકેટની મદદથી મોકલવામાં આવ્યા છે. તેમની સાથે ચીનના બે અવકાશયાત્રીઓ તાંગ હોંગબો અને વુ યી પણ મિશનમાં સામેલ છે.
તાંગ હોંગબો આ મિશનનું નેતૃત્વ કરી રહ્યા છે, જ્યારે જીશાન અલીને વૈજ્ઞાનિક પ્રયોગો પૂર્ણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ આશરે એક અઠવાડિયા સુધી સ્પેસ સ્ટેશન પર રોકાશે.

પાકિસ્તાને બે ઉમેદવારો પસંદ કર્યા હતા
આ મિશન માટે પાકિસ્તાને જીશાન અલી (Mohammad Zeeshan Ali) અને ખુર્રમ દાઉદ એમ બે ઉમેદવારોની પસંદગી કરી હતી. બંનેએ ચીનમાં ઘણા મહિનાઓ સુધી વિશેષ તાલીમ મેળવી હતી. અંતિમ પસંદગીમાં જીશાન અલીને મિશન માટે પસંદ કરવામાં આવ્યા, જ્યારે ખુર્રમ દાઉદને બેકઅપ અવકાશયાત્રી તરીકે રાખવામાં આવ્યા હતા.
પાકિસ્તાન પાસે માનવસહિત અંતરિક્ષ મિશન માટે પોતાનું રોકેટ કે અવકાશયાન નથી. આથી આ ઐતિહાસિક મિશન માટે તેણે ચીનનો સહયોગ લીધો છે. પાકિસ્તાનના આયોજન મંત્રી અહસાન ઇકબાલે પણ જીશાન અલીને અભિનંદન પાઠવ્યા છે.

પાકિસ્તાની વાયુસેનામાં ફાઇટર પાઇલટ છે જીશાન
મોહમ્મદ જીશાન અલી પાકિસ્તાની વાયુસેનામાં ફાઇટર પાઇલટ તરીકે ફરજ બજાવે છે. અંતરિક્ષ મિશન માટે પસંદગી થયા બાદ તેમણે ચીનમાં અનેક મહિનાઓ સુધી તાલીમ મેળવી હતી.
આ તાલીમ દરમિયાન તેમને ચીની ભાષા, અવકાશયાનનું સંચાલન અને સ્પેસ સ્ટેશન પર કામ કરવાની પદ્ધતિઓ શીખવવામાં આવી હતી. આ ઉપરાંત ઝીરો ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણની અસર ઓછી હોય તેવી સ્થિતિમાં કામ કરવાની પ્રેક્ટિસ પણ કરાવવામાં આવી હતી.
તેમણે સેન્ટ્રિફ્યુજ, બચાવ કામગીરી અને કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવાની તાલીમ પણ લીધી હતી. જીશાનના જણાવ્યા મુજબ, આ સમગ્ર તાલીમમાં ચીની ભાષા શીખવી સૌથી પડકારજનક બાબત હતી. કારણ કે અવકાશયાનનાં સ્વિચ, સોફ્ટવેર અને મશીનોની સૂચનાઓ ચીની ભાષામાં હોય છે.

2028માં ચંદ્ર પર રોવર મોકલવાની તૈયારી
પાકિસ્તાન અને ચીન છેલ્લા ઘણા વર્ષોથી અંતરિક્ષ ક્ષેત્રે સાથે મળીને કામ કરી રહ્યા છે. ચીને પાકિસ્તાનના અનેક ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલવામાં સહયોગ આપ્યો છે. હવે બંને દેશોનો સહયોગ ચંદ્ર મિશન સુધી પહોંચવાની તૈયારીમાં છે.
યોજના અનુસાર, 2028ની આસપાસ ચીનના ચાંગ’ઈ-8 મિશન હેઠળ પાકિસ્તાનમાં બનાવવામાં આવેલો એક રોવર ચંદ્રની સપાટી પર મોકલવામાં આવી શકે છે.

2022માં તૈયાર થયું હતું ચીનનું સ્પેસ સ્ટેશન
ચીને વર્ષ 2022માં પોતાના તિયાંગોંગ સ્પેસ સ્ટેશન (Tiangong Space Station)નું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું હતું. હવે ચીન પોતાના અંતરિક્ષ કાર્યક્રમમાં અન્ય દેશોને પણ ભાગીદાર બનાવી રહ્યું છે. ચીનનું લક્ષ્ય વર્ષ 2030 સુધીમાં પોતાના અવકાશયાત્રીઓને ચંદ્રની સપાટી પર ઉતારવાનું છે.
આ પણ વાંચો: ટેકનોલોજીમાં આવશે ક્રાંતિ!! અંતરિક્ષમાં ભારતનું પહેલું ડેટા સેન્ટર, 2026માં લોન્ચ થશે
આ પણ વાંચો: ગુજરાત માટે અંતરિક્ષ ક્ષેત્રે મોટો દિવસ! કોડીનારમાં સ્પેસ પાર્કને ISROની મંજૂરી
આ પણ વાંચો: હવે યુદ્ધ જમીન પર નહીં, અંતરિક્ષમાં? અમેરિકાના ખુલાસાથી ખળભળાટ
