India first AI data center in space: ભારત હવે માત્ર પૃથ્વી પર જ નહીં, પણ અંતરિક્ષમાં પણ પોતાનું ‘ડેટા સામ્રાજ્ય’ સ્થાપવા જઈ રહ્યું છે. ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ Agnikul Cosmos અને AI ક્લાઉડ કંપની NeevCloud એ સાથે મળીને ભારતનું પહેલું AI ડેટા સેન્ટર અંતરિક્ષમાં મોકલવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ટેકનોલોજીની દુનિયામાં ભારતને એક ડગલું આગળ લઈ જશે.
એલોન મસ્કને પણ મળશે સીધી ટક્કર
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક અને તેમની કંપની SpaceX ઘણા સમયથી સ્પેસમાં ડેટા સેન્ટર બનાવવા પર કામ કરી રહ્યા છે. જોકે, ભારતીય કંપનીઓએ AI ઈમ્પેક્ટ સમિટ 2026માં પોતાનો પ્રોટોટાઈપ મોડલ રજૂ કરીને સૌને ચોંકાવી દીધા છે. કંપનીના જણાવ્યા અનુસાર, વર્ષ 2026ના અંત સુધીમાં આ ડેટા સેન્ટરનું પહેલું ટેસ્ટિંગ કરવામાં આવશે.

જમીન છોડીને અંતરિક્ષમાં કેમ AI data center?
હાલમાં મોટાભાગના ડેટા સેન્ટર પૃથ્વી પર વિશાળ જમીન રોકે છે, જેમને ઠંડા રાખવા માટે અઢળક વીજળી અને અત્યાધુનિક એસી સિસ્ટમની જરૂર પડે છે, પરંતુ આ તોતિંગ ખર્ચ ઘટાડવા માટે હવે સ્પેસ ડેટા સેન્ટર એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી રહ્યા છે. અંતરિક્ષમાં સૂર્યપ્રકાશ સીધો મળતો હોવાથી ત્યાં વીજળી ઉત્પન્ન કરવી અત્યંત સરળ અને સસ્તી બનશે, સાથે જ અવકાશમાં કુદરતી રીતે જ તાપમાન ઘણું ઓછું હોવાથી સર્વરને ઠંડા રાખવા માટે કોઈ વધારાના ખર્ચ કે સિસ્ટમની જરૂર પડશે નહીં. આ ટેકનોલોજીના કારણે ડેટા ત્યાં જ પ્રોસેસ થઈ શકશે, જેનાથી AI સેવાઓની ગતિ અને કાર્યક્ષમતામાં પણ મોટો વધારો જોવા મળશે.
Agnikul અને NeevCloud નો માસ્ટર પ્લાન
ચેન્નાઈ સ્થિત Agnikul Cosmos તેના ખાસ રોકેટ દ્વારા આ ડેટા સેન્ટરને પૃથ્વીની નીચલી કક્ષામાં (Lower Orbit) સ્થાપિત કરશે. જ્યારે NeevCloud તે ડેટા સેન્ટરની અંદર AI મોડલ્સ અને ડેટા પ્રોસેસિંગની ટેકનોલોજી સંભાળશે. આ એક નાનકડા બોક્સ અથવા મોડ્યુલ જેવું હશે જેમાં પાવરફુલ કોમ્પ્યુટર અને સર્વર હશે.

2026માં થશે ટેસ્ટિંગ
કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે 2026ના અંત સુધીમાં તેનું પહેલું પ્રોટોટાઈપ મોકલવામાં આવશે. જો આ પ્રયોગ સફળ રહેશે તો ભારત દુનિયાના એવા ગણ્યા ગાંઠ્યા દેશોમાં સામેલ થઈ જશે જે અંતરિક્ષમાંથી AI અને ડેટા સર્વિસ પૂરી પાડતા હશે. આ પ્રોજેક્ટથી માત્ર ટેકનોલોજી જ નહીં પણ ભારતની ગ્લોબલ ઇમેજ પણ બદલાઈ જશે.
આ પણ વાંચો: ગૂગલનો ‘પ્રોજેક્ટ ટોસ્કાના’ હવે અંધારામાં પણ ચપટી વગાડતા ખૂલશે પિક્સેલ ફોન
આ પણ વાંચો: AI Impact Summit 2026માં PM મોદીએ કહ્યું કે, ભારત નવી ટેકનોલોજી બનાવે અને ઝડપથી અપનાવે છે
આ પણ વાંચો: 90% થી વધુ સચોટતા! જાણો કેવી રીતે ચીનનું આ AI ટૂલ બચાવશે લાખો દર્દીઓના જીવ
