દિલ્હી,
કોંગ્રેસના પ્રેસીડન્ટ તરીકે આજે રાહુલ ગાંધીની અધિકૃત વરણી થઇ હતી. દિલ્હીમાં 24 અકબર રોડ સ્થિત કોંગ્રેસ હેડકવાર્ટરમાં પક્ષના 49માં પ્રમુખ તરીકે રાહુલ ગાંધીની સોગંદવિધિ થઇ હતી. કોંગ્રેસના અધ્યક્ષ પદનો ચાર્જ સંભાળવા માટેનું સર્ટિફીકેટ પણ રાહુલ ગાંધીને આપવામાં આવ્યું છે. સોગંદવિધિ બાદ રાહુલ ગાંધીએ તેમના માતા સોનિયા ગાંધીના આશીર્વાદ લીધા હતા.

રાહુલ ગાંધીની તાજપોશી સમયે અનેક કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસના વિદાય લઇ રહેલાં પ્રમુખ સોનિયા ગાંધી, પુર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, રાહુલના બહેન પ્રિયંકા ગાંધી અને જમાઇ રોબર્ટ વાડ્રા સહિત કોંગ્રેસના તમામ સીનીયર હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા. રાહુલ ગાંધી પ્રમુખ બનતા કોંગ્રેસ હેડક્વાટરમાં ફટાકડાં ફોડીને જશ્ન મનાવાયો હતો.
પુર્વ વડાપ્રધાન મનમોહનસિંહે જણાવ્યું કે, “કોંગ્રેસ પક્ષના ઇતિહાસનો આજે નવો યુગ છે. મારૂ સદભાગ્ય છે કે મને સોનિયા ગાંધી સાથે 19 વર્ષ સુધી કામ કરવાનો મોકો મળ્યો”.

સોનિયા ગાંધીએ તેમના આખરી સંબોધનમાં જણાવ્યું, “આજે હું આખરી સમયે તમને સંબોધિત કરી રહી છું, આજથી નવા યુગનો પ્રારંભ થઇ રહ્યો છે. વીસ વર્ષ પહેલાં હું અહીંથી તમને સંબોધિત કરતી હતી ત્યારે કાંપતી હતી, ત્યાં સુધી રાજનીતિ સાથે મારો સંબંધ વ્યક્તિગત હતો”.
વધુમાં જણાવતા તેઓએ કહ્યું, હું જે પરિવારમાં આવી તે ક્રાતિંકારી પરિવાર હતો. આ પરિવારનો એક એક સભ્ય દેશની આઝાદી માટે જેલ ગયો હતો. આ દેશ જ તેમનું જીવન હતો. ઇન્દિરા ગાંધીએ મને દીકરીની જેમ અપનાવી. 1984માં ઇન્દિરા ગાંધી હત્યા થઇ ત્યારે મને લાગ્યું કે મેં મારી માતા ગુમાવી છે.
