Gandhinagar News: કોઈને કહીએ કે આખુ ગામ વેચાઈ ગયું તો તે વાત સાંભળવામાં જ આશ્ચર્યજનક લાગે છે. પણ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામમાં આ હકીકત બની છે. દહેગામ તાલુકાના જૂના ગામને બારોબાર વેચી નાખવાની ઘટનાએ 600ની વસ્તી ધરાવતા ગ્રામજનોને સ્તબ્ધ કરી દીધા છે તો તેની સાથે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધો છે કે આ રીતે બારોબાર આખુ ગામ વેચાઈ કેવી રીતે ગયું. શું જે રીતે ગામ વેચાયું તે રીતે ભવિષ્યમાં શહેરોનો તો વારો નહીં આવે ને! આ કિસ્સો હવે દરેક ગામ જ નહીં દરેક સોસાયટીથી માંડીને દરેક ટેનામેન્ટવાળી સોસાયટીઓથી લઈને બધાએ ચેતવા જેવો કિસ્સો છે. આના પગલે તંત્ર પણ હરકતમાં આવી ગયું છે અને તે પણ ચકાસવા લાગ્યું છે કે આવું કેવી રીતે થયું.
જૂના પહાડિયા ગામના બ્લોક સર્વે નંબર 142 (જૂનો સર્વે નંબર 6) વસેલું છે. આ સર્વે નંબર પર જ આખે આખું ગામ વસેલું છે જે જૂના પહાડિયા તરીકે ઓળખાય છે. ગામમાં રહેતા રહીશોની મિલકતની આકારણી પણ કરવામાં આવી છે. ગામમાં પાણીનો બોર પણ ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવ્યો છે. તલાટી અને સરપંચ દ્વારા રહીશોને દાખલા પણ આપવામાં આવ્યા છે. મકાનોના વેરાઓ પણ ગ્રામજનો ભરી રહ્યાં છે.
દહેગામ તાલુકાનું જૂના પહાડિયા ગામ આશરે 50 વર્ષ અગાઉ સરવે નંબર 142માં વસ્યું હતું. જે ગામ બાંધવા માટે જમીન માલિક દ્વારા જે તે સમયે અમુક રકમ લઈ વસવાટ કરવા માટે જગ્યા આપવામાં આવી હતી. જે બાદ ગામની રચના થતા 88 થી વધુ પરિવારો તેમાં વસવાટ કરે છે અને સરકારની જુદી જુદી યોજનાનો લાભ મેળવી રહ્યા છે.
સુજાના મુવાડા પહાડિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં જૂના પહાડિયા ગામ આવે છે. ગામ માટે જમીન આપનારાઓના વારસદારો દ્વારા ગત તારીખ 23 જૂનના રોજ રજીસ્ટર દસ્તાવેજથી અન્યને વેચી મારી હોવાનું ગ્રામજનોના ધ્યાને આવતા ખળભળાટ મચી ગયો છે. જૂના પહાડિયા ગામને વસાવવા માટે આશરે 50 વર્ષ અગાઉ જમીન માલિકે અમુક રકમ લઈ સ્વેચ્છાએ જમીન આપી હતી. આમ છતાં 14,597 ચોરસ મીટર જમીનનો દસ્તાવેજ જમીન માલિકના વારસદારોએ અન્ય વ્યક્તિને કરી આપ્યા બાદ ગ્રામજનોની મુશ્કેલીમાં મુકાયા છે.
આ અંગે ગ્રામજનો હાલ તો સરકારી કચેરીના ધક્કા ખાવા મજબૂર બન્યાં છે, ગ્રામજનોનો આક્ષેપ છે કે, ખોટા ફોટા અને ખોટા આંકડા તેમજ નકશા દ્વારા અધિકારીઓની મિલીભગતથી આ દસ્તાવેજ થયો છે. આ દસ્તાવેજ ખોટો હોવાથી રદ કરવાની પણ ગ્રામજનો માગ કરી રહ્યાં છે.
સમગ્ર મામલો બહાર આવતા ગ્રામજનો મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપી ન્યાયની માગ કરી છે. ગ્રામજનોએ વાંધા અરજી રજૂ કરીને ગ્રામજનો ઘર વિહોણા ના બને તે માટે રેકોર્ડમાં પહેલી વેચાણ નોંધને ડિસ્પુટમાં દાખલ કરીને તાત્કાલિક ન્યાય અપાવવા પણ માંગ કરાઈ છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે, આ ગ્રામજનોને ન્યાય મળશે કે પછી વર્ષોથી રહેતા પોતાના બાપ-દાદાની જમીન માટે ઝઝૂમતા રહેશે.
આ પણ વાંચો: રાજકોટના સાગઠિયાની બેનામી સંપત્તિ કેસમાં એસઆઈટી તપાસ કરશે
આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસ રાહુલ ગાંધીની આગેવાનીમાં ન્યાયયાત્રા કાઢશે
આ પણ વાંચો: ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગનો સૂત્રધાર દુબઈથી આવતા જ કરાઈ ધરપકડ
આ પણ વાંચો: ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન છતાં ભાવ આસમાને, વેપારીઓ લાભ લેતા હોવાની ફરિયાદ
