Gujarat News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુપૂર્ણિમાનાં અવસરે ગુરુઆશ્રમ બગદાણાનાં દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા. ‘બાપા સીતારામ’નાં જયઘોષ સાથે માનવમહેરામણે મુખ્યમંત્રીનું સ્વાગત કર્યુ છે. સંતશ્રી બજરંગદાસ બાપાનાં ચરણોમાં શીશ નમાવી સૌનાં માંગલ્ય માટે પ્રાર્થના કરી છે. બગદાણા ગુરુઆશ્રમની વેબસાઇટનું મુખ્યમંત્રીનાં હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગર જિલ્લાનાં બગદાણા ખાતે આવેલા ગુરુઆશ્રમમાં દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ઉપસ્થિત ભાવિકોના માનવમહેરામણે ‘બાપા સીતારામ’નાં મુખ્યમંત્રીનું ભાવપૂર્વક સ્વાગત અભિવાદન કર્યુ હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંતશ્રી બજરંગદાસબાપાનાં ગાદીસ્થળ ખાતે નાની બાલિકાઓ સાથે પૂજા-અર્ચન કર્યા હતા અને બાદમાં બજરંગદાસબાપાનાં સમાધિસ્થળનાં દર્શન કર્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રીએ ધ્યાનમંદિર અને મુખ્ય શિખરબદ્ધ મંદિરનાં દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિખરબદ્ધ મંદિરનાં પગથિયા પરથી ભાવિકોનાં માનવમહેરામણને સંબોધન આપ્યુ હતુ. તેમણે સમગ્ર રાજ્ય અને દેશને ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમાનાં પવિત્ર અવસરે બજરંગદાસબાપાનાં ચરણોમાં શીશ નમાવવાની તક ખરેખર સૌભાગ્યપૂર્ણ છે.

મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, ગુરુઆશ્રમનાં દર્શન દરમિયાન તેમણે સૌનાં માંગલ્ય માટે પ્રાર્થના કરી છે, તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવાની દિશામાં આપણે સૌ આગળ વધીએ તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીએ ગુરુઆશ્રમનાં ટ્રસ્ટીમંડળ સાથે બેઠક કરી હતી આશ્રમની વેબસાઇટ bagdanatemple.org નું તેમનાં હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ વેબસાઇટ પર ઓનલાઇન દર્શન અને દાન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

આ અવસરે ધારાસભ્ય સર્વે શિવા ગોહિલ, ગૌતમ ચૌહાણ, ભીખા બારૈયા, જિલ્લા કલેક્ટર આર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારી જી. એચ. સોલંકી, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, પ્રાંત અધિકારી ઇશિતા મેર, આગેવાન મહેન્દ્રસિંહ સરવૈયા, આગેવાન ભરતભાઇ મેર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગુરુઆશ્રમ તરફથી ટ્રસ્ટી યોગેશભાઈ સાગર, ધીરુભાઈ બાબરીયા, રણજીતસિંહ ચમારડી, મુકેશભાઈ પટેલ, નિલેશભાઈ ડોડીયા, વિનોદભાઈ ગુજરાતી, રસિકભાઈ સાગર, જનકભાઈ કાછડીયા ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો: પોરબંદરમાં વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા
આ પણ વાંચો: વડોદરામાં નારાયણ શાળાની દીવાલ ધરાશાયીના CCTV આવ્યા સામે
