Ahmedabad News : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના ચકચારભર્યા હત્યાકાંડમાં શાળાની બેદરકારી સામે આવી છે. બીજીતરફ આ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચે શરૂ કરી છે. નયન સંતાણી નામના કિશોરની હત્યાના આ બનાવમાં શાળાએ એમ્બ્યુલન્સને બદલે વોટર ટેન્કર બોલાવ્યું હોવાનું બહાર આવ્યું છે. તે સિવાય ક્રાઈમ બ્રાંચે હથિયાર પણ કબજે કર્યું છે. સ્કૂલની અંદર જ હત્યાનો આ બનાવ બન્યો હતો. જેમાં 45 મિનીટના વિલંબે નયનનો જીવ લીધો હતો. જો તાત્કાલિક નયનને સારવાર મળી હોત તો તેનો જીવ બચી શક્યો હોત. જેને લઈને શાળા સામે પણ ગુનો નોંધાયો છે. દરમિયાન ક્રાઈમ બ્રાંચે આ હત્યાકેસમાં ડિજિટલ પુરાવા અકઠા કર્યા છે. પોલીસે સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સીપાલ સામે ગુનો દાખલ કર્યો છે.
સેવન્થ ડે સ્કૂલના ધોો.10મં અભ્યાસ કરતા નયન સંતાણી હત્યા કેસને લઈને હવે અન્ય સ્કૂલોની સુરત્રા વ્યવસ્થા તથા સંચાલન સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. જેને પગલે આ કેસની તપાસ હવે ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા છે. જેમાં શાળાના પ્રિન્સિપાલ અને સંચાલકો સામે ગંભીર બેદરકારી તથા પુરાવાનો નાશ કરવાના આરોપ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ ઘટના 19 ઓગસ્ટની બપોરે મણિનગરની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલની સામે આવેલા મેલડી માતા મંદિર પાસે બની હતી. ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાણી પર ધોરણ 8ના એક વિદ્યાર્થીએ થર્મોકોલ કટર વડે હુમલો કર્યો હતો, જેના કારણે નયનને ગંભીર ઈજાઓ થઈ. શાળાના ચોકીદારે આ ઘટનાની જાણ કરી અને નયનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જોકે, હુમલા બાદ લગભગ 45 મિનિટ સુધી નયનને હોસ્પિટલ પહોંચાડવામાં વિલંબ થયો અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
બીજીતરફ શાળા સંચાલકોએ આ ઘટના બાદ પોલીસ કે વાલીઓને તાત્કાલિક જાણ કરી ન હોવાનું ક્રાઈમ બ્રાંચની તપાસમાં બહાર આવ્યું છે. એટલું જ નહી નયનના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમને ઘટનાની ગંભીરતા વિશે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. વધુ ચોંકાવનારી વાત એ છે કે શાળા વહીવટે નયનના લોહીના ડાઘ ધોવા માટે એમ્બ્યુલન્સને બદલે વોટર ટેન્કર બોલાવ્યું હતું, જેના કારણે પુરાવા નષ્ટ કરવાનો આરોપ લાગ્યો છે. આ બેદરકારી અને પુરાવા નષ્ટ કરવાના પ્રયાસના કારણે શાળા અને પ્રિન્સિપાલ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 211અને 239 (ગુનામાં વપરાયેલું હથિયાર છુપાવવું) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
તે સિવાય ક્રાઈમ બ્રાંચે આરોપી વિદ્યાર્થી, તેના પરિવારજનો અને શાળાના સ્ટાફની ઝીણવટભરી પુછપરછ કરી હતી. ઉપરાંત હત્યામાં વપરાયેલું થર્મોકોલ કટર પણ કબજે કરવામાં આવ્યું છે. સાથે સાથે ડિજિટલ પુરાવાઓ, જેમ કે આરોપીના ઇન્સ્ટાગ્રામ ચેટ પણ એકત્રિત કરવામાં આવ્યા છે. આ ચેટમાં આરોપીએ હુમલાની કબૂલાત કરી હોવાનું જણાયું છે, જેમાં તેણે એક મિત્ર સાથેની વાતચીતમાં કહ્યું, “હા, તો” અને “જે થયું એ થયું.” આ ડિજિટલ પુરાવાઓએ તપાસને વધુ મજબૂત બનાવી છે.
તે સિવાય આરોપી વિદ્યાર્થી સગીર હોવાથી તેને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં તેને રિમાન્ડ હોમમાં મોકલવામાં આવ્યો છે. જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ તેની સામે વધુ તપાસ ચાલશે. આ ઉપરાંત, એક અન્ય વિદ્યાર્થી જેના પર હુમલામાં સહાય કરવાનો આરોપ છે, તેની પણ ધરપકડ કરવામાં આવી છે.
જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ની ટીમે તપાસમાં જાણવા મળ્યું કે શાળાએ 108 એમ્બ્યુલન્સને તાત્કાલિક બોલાવવાને બદલે રિક્ષામાં નયનને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો, જેના કારણે મૂલ્યવાન સમય બગડ્યો હતો. DEOના અહેવાલમાં જણાવાયું છે કે “શાળા વહીવટે તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં નિષ્ફળતા દાખવી જેના કારણે બાળકનો જીવ બચાવવાની તક ગુમાવાઈ.” આ ઉપરાંત, શાળાએ આ ઘટના અંગે વાલીઓ કે શિક્ષણ અધિકારીઓને જાણ કરી ન હતી, જે ગંભીર બેદરકારી દર્શાવે છે.
આ પણ વાંચો:આણંદમાં નશીલા પદાર્થના જથ્થા સાથે 7.42 લાખનો મુદ્દામાલ કબજે, એક આરોપી ઝડપાયો
આ પણ વાંચો:આણંદમાં પૂર્વ કોંગ્રેસ કાઉન્સિલર ઇકબાલ મલેકની છરીના ઘા મારી હત્યા, હુમલાખોર ફરાર
