RELATIONSHIP: છેલ્લાં અમુક વર્ષોમાં એવા કેટલાય મામલા સામે આવ્યા છે કે, જેમાં એક પાર્ટનર દ્વારા પોતાના જ પાર્ટનરને દગો આપવામાં આવ્યો હોય અને ઘણી વાર તો એનો લોહિયાળ અંજામ પણ આવ્યો હોય! અને હવે એક તાજા રિપોર્ટ મુજબ, લગ્નેતર સંબંધો(ઍક્સટ્રા મેરિટલ અફૅર)ને લઇને રાજધાની દિલ્હીની પોલ ખુલી ગઇ છે. આ રિપોર્ટમાં બેવફાઇના મામલે દિલ્હીવાસીઓએ બીજો નંબર હાંસલ કર્યો છે!
રિપોર્ટમાં ખુલી ગઇ દિલ્હીની પોલ
ગ્લોબલ ડેટિંગ સાઇટ ‘એશ્લે મેડિસન’ દ્વારા આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં દિલ્હી-એનસીઆર ના ઘણા વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. 20 શહેરોના સર્વેક્ષણની આ યાદીમાં દિલ્હીનો ક્રમ બીજો છે અર્થાત્ રાજધાનીમાં લોકો પોતાના પાર્ટનરને દગો આપવાનું વલણ વધુ ધરાવે છે. તમિલનાડુનું કાંચીપુરમ્ શહેર આ યાદીમાં પ્રથમ ક્રમે છે. આવા રિપોર્ટ પરથી તમે સારી પેઠે સમજી ગયા હશો કે, તમારે પણ સાવધાન રહેવાની જરુર છે. એવી કેટલીક વાતોની તમને જાણ હોવી જોઇએ કે જેના પરથી તમે સમજી શકો કે તમારો જીવનસાથી તમારી સાથે દગાની રમત રમી રહ્યો છે!
આદતોમાં પરિવર્તન
જો તમારો પાર્ટનર કંઇક જુદી જાતની હરકતો કરવા લાગ્યો છો અને તમને એની ટેવોમાં પરિવર્તન નજરે ચઢી રહ્યું છે તો તમારે સાવધાન થઇ જવાની જરુર છે. અહિં પુરુષ અથવા સ્ત્રી, બંનેમાંથી કોઇ પણ પાર્ટનર આમ કરી શકે છે. આ અંગે તમે એની સાથે વાતચીત કરીને સત્ય જાણવાની કોશિશ કરી શકો છો.
નાની-નાની વાત પર ગુસ્સો
મહદ્ અંશે જોવા મળ્યું છે કે જ્યારે કોઇ વ્યક્તિ પોતાની પત્ની અથવા પતિને દગો આપી રહી હોય, ત્યારે એનો ગુસ્સો વધી જાય છે. આવા લોકો પોતાના પાર્ટનરની નાની અમથી ભૂલ પર એ રીતે રિએક્ટ કરે છે કે જાણે કોઇક મોટી વાત ના હોય! તમારો પાર્ટનર પણ જો આ રીતે નાની-નાની વાત પર ગુસ્સો કરતો હોય તો તમારે સાવધ રહેવાની જરુર છે.
અચાનક ચોંકી જવું અને ફોન છુપાવવો
તમારો પાર્ટનર તમારી પીઠ પાછળ કોઇ અફૅર કરી રહ્યો હશે અને ફોનમાં ગૂંથાયેલો હશે તો, જ્યારે તમે અચાનક આવી ચઢો ત્યારે એ એકદમ ગભરાઇ જાય છે. જો આવું જણાય તો તમે એની અન્ય ટેવોને પણ ધ્યાનમાં લેવાનું શરુ કરી દો. આ ઉપરાંત, જો એ તમારી બાજુમાં બેસીને ફોન છુપાવવાની ચેષ્ટા કરી રહ્યો છે કે પછી બ્રાઇટનેસ ઓછી કરીને ચૅટ કરે છે તો, તમારા માટે આ એક રેડ અલર્ટ હોઇ શકે છે.
ફોન કૉલ ન ઉઠાવવો
લગભગ એવું જોવા મળે છે કે, જ્યારે પણ કોઇ વ્યક્તિ અન્યને દગો આપતી હોય, ત્યારે એ જેની સાથે લગ્નેતર સંબંધ ધરાવતી હોય એની સામે પોતાના પાર્ટનરનો ફોન સુદ્ધાં ઉઠાવતી નથી! તમારો જીવનસાથી પણ તમારો ફોન કૉલ વારંવાર ન ઉઠાવતો હોય તો તમારા માટે સતર્ક થઇ જવાનો આ એક ઈશારો હોઇ શકે છે.
સૌથી સચોટ માર્ગ છે સંવાદ
અલબત્ત, એવું બિલકુલ પણ જરુરી નથી કે, જો તમને આવા સંકેતો મળે તો તમારો પાર્ટનર તમને દગો જ આપી રહ્યો હોય! એની પાછળ અન્ય કારણો પણ હોઇ શકે છે. જો તમને સતત શંકા-કુશંકાઓ થઇ રહી હોય તો, ટોણા મારવાને બદલે, શાંતિથી બેસીને તમે વાતચીત કરી શકો છો. આવી રીતે સંવાદ સાધવાથી તમે સમજી શકશો કે સમસ્યા શું છે તથા તમારો જીવનસાથી શું ઇચ્છે છે?
આ પણ વાંચો:આ વખતે શ્રાવણ ઉપવાસમાં ફલહારી સાબુદાણા ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો, તમને પુષ્કળ ઉર્જા મળશે.
આ પણ વાંચો:શું તમે પણ ચોમાસામાં કોબીજ અને ફુલાવર ખાઓ છો? આ 5 ટિપ્સ અંદર છુપાયેલા જંતુઓ તરત જ દૂર કરશે
