Gandhinagar News: કૃષિમંત્રી રાઘવજી પટેલે ગોધરા ખાતેથી વિકાસ સપ્તાહ-2025 અંતર્ગત, કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ-2025નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.
રાઘવજી પટેલે જણાવેલા મુખ્ય મુદ્દાઓ
•તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિક્ષેત્રના વિકાસ માટે કૃષિ મહોત્સવની શરૂઆત કરી
•રાજ્યના ૨.૪ લાખ હેક્ટર વિસ્તારમાં ૫.૬૪ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે
•ખેડૂતો માટે ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકે તે અર્થે આઈ-ખેડૂત પોર્ટલ સેવા શરૂ
•છેલ્લા 10 વર્ષમાં 1 કરોડ વધુ ખેડૂતોને રૂ. 12 કરોડથી વધુની કુદરતી આપદા સહાય
•ખેતી માટેની વીજ બિલમાં રાહત માટે બજેટમાં રૂ.10 હજાર કરોડથી વધુની જોગવાઈ
ગુજરાતના કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતીમાં પંચમહાલ (Panchmahal) જિલ્લાના આંગણે કૃષિ વિકાસ દિન (Krishi Vikas Din) અને રવિ કૃષિ મહોત્સવ-2025 (Ravi Krishi Mahotsav-2025)ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી ગોધરાના રામ દરબાર મંદિર પાસે છબનપુર (Chabanpur) ખાતે કરવામાં આવી હતી.
આઈ-ખેડૂત પોર્ટલ
કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે (Raghavji Patel) પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યુ હતુ કે, વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુકાન સંભાળ્યા પછી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ સૂત્ર સાથે ગુજરાત (Gujarat)ને વિકાસના પંથે આગળ વધાર્યું. ઔદ્યોગિક વિકાસની સાથે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે તેમણે સૌપ્રથમ કૃષિ મહોત્સવનું આયોજન કર્યું, જેના દ્વારા કૃષિ રથો મારફતે ખેડૂતોને નવા બિયારણ, સંશોધનો, કાયદાઓ અને યાંત્રિક સાધનો અંગે માહિતગાર કરાયા. પરિણામે, ગુજરાતનો કૃષિ વિકાસ દર 9.75% રહ્યો છે. આ પ્રગતિને આગળ ધપાવવા માટે, સરકારે ખેડૂતો માટે ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકે તે અર્થે આઈ-ખેડૂત પોર્ટલ શરૂ કર્યું છે.
‘ડ્રોન દીદી યોજના’
મંત્રીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકારે ખેડૂતોને વિવિધ યોજનાઓ દ્વારા નોંધપાત્ર સહાય પૂરી પાડી છે. યાંત્રિક સાધનોમાં ટ્રેક્ટર સહાય રૂ. 45,000-60,000 થી વધારીને રૂ.1 લાખ સુધીની કરાઈ છે, તેમજ પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય પણ રૂ. 75,000થી વધારીને રૂ. 1 લાખ કરી છે. ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સરકારે ‘ડ્રોન દીદી યોજના’ અમલમાં મૂકી છે. છેલ્લા 10 વર્ષમાં 1 કરોડ વધુ ખેડૂતોને રૂ. 12 કરોડથી વધુની કુદરતી આફત સહાય આપવામાં આવી છે.
સિંચાઈ માટે નર્મદા ડેમનું કાર્ય પૂર્ણ થતાં સિંચાઈનો લાભ સમગ્ર ગુજરાતને મળ્યો છે, અને ખેતી માટેની વીજળીના બિલમાં રાહત માટે બજેટમાં રૂ. 10 હજાર કરોડથી વધુની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત, પીએમ કિસાન સન્માન નિધિ યોજના થકી અત્યાર સુધીમાં ખેડૂતો (Farmers)ને રૂ. 21 હજાર કરોડથી વધુની સહાય મળી છે.
પ્રાકૃતિક કૃષિ વિશ્વવિદ્યાલયની સ્થાપના
મંત્રીએ વધુમા ઉમેર્યુ હતુ કે, રાસાયણિક ખાતરોના ઉપયોગથી જમીન બિનઉપજાઉ ન બને તે માટે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીના વ્યાપ પર સમગ્ર દેશમાં ભાર મૂકવામાં આવ્યો છે. જે માટે પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે પ્રાકૃતિક કૃષિ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે અને પ્રાકૃતિક કૃષિ બોર્ડની રચના કરી રૂ. 150 કરોડનું ફંડ ફાળવ્યું છે. પ્રાકૃતિક ખેતી દેશી ગાય આધારિત હોવાથી, ખેડૂતને દેશી ગાય રાખવા માટે દર મહિને રૂ. 900 (વાર્ષિક રૂ. 10,800)ની આર્થિક સહાય આપવામાં આવે છે. હાલમાં રાજ્યના 2.4 લાખ હેક્ટર વિસ્તારમાં 5.64 લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે જે ખરેખર આપણા સૌની માટે ગૌરવની વાત છે.
આગામી સમયમાં પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝને સહાય આપી ઉદ્યોગ વિકસાવવામાં આવી રહ્યો છે. કેરી, શાકભાજી, સૂકી ડુંગળી અને લસણ જેવી કૃષિ પેદાશોની નિકાસ વધારવા પ્રયત્નો કરાયા છે. સરકાર ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવી વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા કૃષિ ક્ષેત્રે પૂરતા પ્રયત્નો કરી રહી છે તેમ જણાવી ખેડૂતોને પ્રદર્શન સ્ટોલોની મુલાકાત લઈ ઉપયોગી અને જરૂરી માહિતી મેળવવા મંત્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી.
મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કૃષિ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયુ
આ તકે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડે જણાવ્યુ હતુ કે, ગુજરાતની વિકાસની 24 વર્ષની વિકાસયાત્રાને વિકાસ સપ્તાહ (Vikas Saptah) ના રૂપે દર વર્ષે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન ઉજવવામાં આવે છે. વિકાસ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની વિકાસ યાત્રા, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને નાગરિકો માટે કરાયેલા કાર્યોને લોકો સુધી પહોંચાડવાનો છે તેમ જણાવી તેમણે રવિ કૃષિ મહોત્સવનું આગામી રવિ પાકને ધ્યાનમાં રાખીને રાજ્યના ખેડૂતોને રવિ પાકોની કૃષિ તાંત્રિકતા, વિવિધ યોજનાઓ અને નવીન સાધન સામગ્રી વિશે જાણકારી મળી રહે તે આશયથી કરવામાં આવ્યું છે તેમ ઉમેર્યુ હતુ.
વધુમાં ઉપાધ્યક્ષે પંચમહાલ ડેરી, પંચમહાલ બેંક ગુજરાત, પંચમહાલ, દાહોદ અને મહીસાગરના ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીનું કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) ધિરાણ આપવામાં આવે છે તેમ જણાવી પંચમહાલ બેંક અને ડેરીની કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. તેમજ તેમણે ગુજરાતની અંદર પંચમહાલ ડેરી અને પંચમહાલ બેંક બંનેનું મોડેલ આખા દેશ માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યું તેમ કહી પંચમહાલ ડેરી અને પંચમહાલ બેંકે 100% સિદ્ધિ હાંસલ કરી છે તેમ જણાવ્યુ હતુ.
“પ્રાકૃતિક ખેતી અને કૃષિના નવતર પ્રયોગો” જેવા વિષયો અંગે માર્ગદર્શન
આ કાર્યક્રમમાં પ્રારંભમાં કૃષિ ટેકનિકલ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને “પ્રાકૃતિક ખેતી અને કૃષિના નવતર પ્રયોગો” જેવા વિષયો અંગે માર્ગદર્શન આપી માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ જિલ્લાના અંદાજીત 30 થી વધુ ખેડૂત લાભાર્થીઓને મંચ ઉપરથી મહાનુભાવોના હસ્તે કૃષિ વિભાગના વિવિધ ઘટકો અંતર્ગત સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત કાર્યક્રમના અંતે મહાનુભાવોએ કૃષિ પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમાર, સાંસદ રાજપાલસિંહ જાદવ, જિલ્લાના ધારાસભ્યો જયદ્રથસિંહ પરમાર, ફતેસિંહ ચૌહાણ, સી.કે.રાઉલજી, નિમિષાબેન સુથાર, કૃષિ વિભાગના રાજ્યના અધિક મુખ્ય સચિવ ડૉ.અંજુ શર્મા, પશુપાલન વિભાગના સચિવ સંદીપ કુમાર, ગુજરાત કિસાન સંઘના મહામંત્રી આર કે પટેલ, આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર, જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.દેસાઈ, અગ્રણી મયંકભાઈ દેસાઈ, કૃષિ વિભાગના ઉપસ્થિત અધિકારીઓ, ખેતી નિયામક તેમજ પદાધિકારીઓ તેમજ પ્રગતિશીલ ખેડૂત-પશુપાલક ભાઈઓ-બહેનો, ઉચ્ચ અધિકારીઓ,પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: Gandhinagar News/નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ વિકાસયાત્રાના 24 વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ…
આ પણ વાંચો: Gujarat News/ગુજરાતના દૂધાળા પશુઓમાં વ્યંધત્વ ઘટાડીને દૂધ ઉત્પાદન વધારવા “ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ” અમલમાં મૂકાયો
આ પણ વાંચો: ગાંધીનગર ભાજપના નવા પ્રદેશ પ્રમુખનું શક્તિ પ્રદર્શન, મોટી સંખ્યામાં નેતાઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત
