Gujarat News : ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે. શનિવારે અમદાવાદ સહિત રાજ્યના 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વરસાદ (Gujarat Rain)ને લઈને હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ આગાહી કરી છે. 15 સપ્ટેમ્બર સુધી રાજ્યના 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે વરસાદી એલર્ટ (Rain Alert)ને ધ્યાનમાં રાખીને તંત્ર પણ સજ્જ બન્યું છે.
Gujarat Rain : 72 તાલુકામાં વરસાદ, અનેક વિસ્તારોમાં મેઘમહેર
શનિવારે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 72 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અમદાવાદ, પંચમહાલ, ડાંગ, છોટા ઉદેપુર, નર્મદા અને અમરેલી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો.
અમદાવાદ શહેરમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. પાલડી, વિશાલા, વાસણા, બોડકદેવ, રાણીપ, નવાવાડજ, અખબારનગર, મકરબા, સરખેજ અને એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. અમદાવાદ વરસાદ (Ahmedabad Rain)થી શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
છોટા ઉદેપુરમાં લાંબા વિરામ બાદ વરસાદ
છોટા ઉદેપુર જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદી માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ છોટા ઉદેપુર, પાનવડ અને બોડેલી પંથકમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો.
લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં હતા. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં ખેડૂતો ચોમાસુ પાક માટે વરસાદ પર નિર્ભર છે. હવે વરસાદ થતાં પાકને રાહત મળવાની આશા ખેડૂતોમાં જાગી છે.
ગોધરા અને લુણાવાડામાં પણ વરસાદ
પંચમહાલ જિલ્લામાં પણ એક મહિનાના વિરામ બાદ વરસાદે ફરી એન્ટ્રી કરી છે. ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદના આગમનથી ખેડૂતોમાં રાહત જોવા મળી છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું. છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં વરસાદથી ખુશી જોવા મળી હતી.
અમરેલીમાં ઝાપટાં, 15 સપ્ટેમ્બર સુધી આગાહી
સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા. જાફરાબાદના ટીંબી, છેલાણા સહિતના ગામોમાં હળવો વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
દરમિયાન ગુજરાત હવામાન (Gujarat Weather) અંગે હવામાન વિભાગે આગામી દિવસો માટે મહત્વની આગાહી કરી છે. 15 સપ્ટેમ્બર સુધી રાજ્યના 20થી વધુ જિલ્લામાં વરસાદની શક્યતા છે. ભારે વરસાદની આગાહી (Heavy Rain Forecast)ને પગલે ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો: દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું; 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 65 કિમીની ઝડપે પવન ફૂંકાશે
આ પણ વાંચો: જન્માષ્ટમી પર પણ મેઘરાજા રિસાયા! 11 સપ્ટેમ્બર સુધી સારા વરસાદની શક્યતા નહિવત્
આ પણ વાંચો: 11 સપ્ટેમ્બરે 25 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 75 કિમીની ઝડપે પવનની આગાહી
