Lifestyle/ પનીરમાં છડેચોક થઇ રહી છે ભેળસેળ!! ઘરે બનાવો દૂધમાંથી શુદ્ધ તાજું પનીર…

1 લીટર દૂધમાંથી આશરે 200 ગ્રામ જેટલું પનીર તૈયાર થઇ જશે, જે તમને ઘણું સસ્તું પડશે અને સોનામાં સુગંધ જેવી વાત એ છે કે, એમાં ભેળસેળનો કોઇ ડર પણ નહિં હોય!

Trending Food Health & Fitness Lifestyle

Lifestyle: પનીર નાના-મોટા સૌની મનપસંદ વસ્તુ છે પરંતુ, બજાર (Market)માં ઘણી જગ્યાએ છડેચોક એમાં ભેળસેળ થઇ રહી છે! કેટલીયે પ્રકારના કેમિકલ (Chemicals) અને સિન્થેટિક પાઉડરથી નકલી ભેળસેળીયું પનીર (Adulterated Paneer) બનાવવામાં આવે છે જેની આપણને જાણ સુદ્ધાં થતી નથી. આપણા અને આપણા કુટુંબના સ્વાસ્થ્ય (Health) સાથે ચેડાં કરવા એના કરતાં તો ઘરે જ તાજું પનીર બનાવીને ખાવું હિતાવહ છે. ઘરે 1 લિટર દૂધમાંથી કેટલું પનીર તૈયાર થશે અને એ બનાવવાની વિધિ શી છે એ વિશે હવે જાણીશું…

80 ટકા સેમ્પલ નકલી અને ભેળસેળયુક્ત

FSSAI દ્વારા છેલ્લાં કેટલાક દિવસોમાં લેવાયેલાં નમૂનાઓ પૈકી 80 ટકા સેમ્પલ નકલી અને ભેળસેળયુક્ત જોવા મળ્યાં હતા. પનીર ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પણ વિડંબના એ છે કે, નકલી પનીર ખાવાથી એ શરીરને ઊલટાનું નુકસાન કરી શકે છે. હવે આ સંજોગોમાં શું કરવું? જો તમે પણ પનીર (Paneer) અને તેનાથી બનતી વાનગીઓ (Paneer Dishes)ના શોખીન હો તો ઘરે જ પનીર બનાવીને કોઇ પણ જાતના ડર વિના એની મજા માણી શકો છો. ઘરે સરળતાથી પનીર બની જાય છે અને એનો આકાર વ્યવસ્થિત ન બને તો પણ કોઇ વાંધો નહિં કારણ કે, પનીર પરોઠા કે પનીરની અમુક વાનગીઓ માટે ક્રમ્બલ્ડ (Crumbled) પનીરની જ જરુર હોય છે. અને તમે પનીરને કપડામાં બાંધીને ઉપર વજન મૂકી દેશો તો પણ પનીર સારી રીતે શૅપમાં આવી જશે. તો ચાલો જાણી લઇએ પનીર બનાવવાની સામગ્રી અને વિધિ અંગે…

ઘરે પનીર શી રીતે બનાવશો?

ઘરે પનીર બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી

1 લીટર દૂધ

1 લીંબુનો રસ અથવા

1 ચમચી વિનેગર અથવા

અડધી ચમચી લીંબુના ફૂલ

જરુર મુજબ પાણી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ મલાઈદાર પનીર બનાવવા માટે 1 લીટર ફુલ ક્રીમ દૂધ (Full Cream Milk) લેવું અને જો લૉ ફૅટ પનીર બનાવવું હોય તો ઓછી ફૅટ વાળું દૂધ લેવું.

2. આ દૂધને કોઈ પૅનમાં ઉકાળવા મૂકી દો. જ્યારે પણ દૂધમાં એક ઉકાળો આવે ત્યારે સફેદ સિરકો, લીંબુના ફૂલ અથવા તો લીંબુનો રસ નાખીને એક ઉકાળો વધુ આવે ત્યાં સુધી ગરમ કરવું.

3. દૂધ ફાડવા માટે તમે વિનેગર, લીંબુનો રસ કે પછી લીંબુના ફૂલ (Vinegar, Lemon Juice, Citric Acid)નો વપરાશ કરી શકો છો. આ માટે એક વાડકીમાં થોડા પાણીમાં આમાંથી કોઇ પણ એક વસ્તુને ઉમેરવી અને એનું મિશ્રણ બનાવવું. એક ચમચી વડે દૂધમાં ધીરે-ધીરે આ મિશ્રણ ઉમેરવું, એકસાથે ઉમેરવાથી પનીર સારું નહિં બને.

4. હવે દૂધ ફાટી જાય ત્યાં સુધી એને ઉમેરતાં રહીને હલાવ્યાં કરવું. જ્યારે દૂધ ફાટી જાય ત્યારબાદ ગૅસની ફ્લૅઇમ બંધ કરી દેવી.

5. હવે આ ફાટેલાં દૂધને કોઇ મલમલના કપડાં (Malmal Cloth) વડે ગાળી લેવું. કપડાને એક બાઉલ પર રાખવું જેથી તેમાંથી બધું જ પાણી નીકળી જશે અને કપડામાં ફક્ત પનીર રહેશે.

6. હવે સૌથી અગત્યની વાત છે પનીરને ધોવાની! બે વખત આ પનીરને પાણી વડે સારી રીતે ધોઈ લેવું જેથી એમાં લીંબુ કે વિનેગરની ખટાશ કે વાસ ન રહે.

7. હવે કપડાની પોટલી બનાવીને હળવેથી ગોળ ઘુમાવતા જઈને બધું જ પાણી નીચોવી લેવું. આ પનીરને કપડા સહિત જ કોઇ પ્લેટમાં રાખવું અને એક ભારે વસ્તુ જેવી કે, ચટણી વાટવાનો ખલ વગેરે મૂકીને 1 થી 2 કલાક પનીરને સેટ થવા રાખી મૂકવું.

8. હવે આ સેટ થયેલા પનીરને કપડામાંથી કાઢી લો. તો તૈયાર છે તમારું તદ્દન ભેળસેળ વિનાનું, ટેસ્ટી અને તાજું પનીર (Tasty & Fresh Paneer)! એમાંથી તમે મનપસંદ પનીરનું શાક, પકોડાં કે પછી બાળકોને પસંદ એવી કોઈ પણ વાનગી બનાવી શકો છો. 1 લીટર દૂધમાંથી આશરે 200 ગ્રામ જેટલું પનીર તૈયાર થઇ જશે, જે તમને માર્કેટ કરતાં ઘણું સસ્તું પડશે અને સોનામાં સુગંધ જેવી વાત એ છે કે, એમાં ભેળસેળનો કોઇ ડર પણ નહિં હોય!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દિવાળીએ ઘરે જ બનાવો ટેસ્ટી-હૅલ્ધી કરારા મગ દાળ સમોસા, ફટાફટ રેસિપી..!

આ પણ વાંચો: ઘરે બનાવો ખસ્તા કરારી આલુ-પ્યાજ કચોરી, આ રેસિપીને ફૉલો કરો…

આ પણ વાંચો: મખાના અને કોપરાના લાડુ બનાવો, નબળાં હાડકાંને મજબૂત બનાવો, ફૉલો કરો આ રેસિપીને…