ગુજરાતના મંત્રીમંડળમાં વિસ્તરણનો ગંજીફો ચીપાવવાનો હતો તે ચીપાઈ ગયો છે. તેમા એક સમયે જેમનું સ્થાન નિશ્ચિત મનાતું હતું તે સૌરાષ્ટ્રના કદાવર નેતા જયેશ રાદડિયાને સ્થાન ન મળતાં આખા સૌરાષ્ટ્રમાં આશ્ચર્ય ફેલાયું છે. મંત્રીમંડળમાં સ્થાન ન મળવાના કારણે જયેશ રાદડિયાએ સમાજના મંચ પર પહેલી જ વખત મોઢું ખોલ્યું છે અને સમાજને હાંકલ કરી છે કે સમાજના આગેવાનો ટાંટિયાખેંચ ન કરે. તેના બદલે એકબીજાના હાથ ખેંચીને મદદ કરે તથા સમાજને ઉપર લાવે.
તેમણે જણાવ્યું હતું કે આ પહેલાં પણ હું દસ વર્ષ સુધી મંત્રીપદે રહી ચૂક્યો છું. તેથી મંત્રીપદ મારા માટે કંઈ નવી વાત નથી. સૌથી ચિંતાજનક વાત એ છે કે સમાજના આગેવાનો એકબીજા સાથે મળીને કામ કરે. એકબીજાની ટાંટિયાખેંચ ન કરે. તેના બદલે તેઓ એકબીજાની મદદ કરે અને એકબીજાનો હાથ ખેંચીને ઉપર લાવે. કોઈ સમાજ ટાંટિયાખેંચથી ઉપર નથી આવતો, પણ નીચે જરૂર આવે છે. તેના બદલે એકબીજાનો હાથ ખેંચવામાં આવે તો સમાજ ઉપર આવે છે.
રાદડિયાને નિશ્ચિત મનાતું મંત્રીપદ ન મળ્યું તેની પાછળ ઇફકો કાંડ અને તેની સાથે ખોડલધામના આગેવાન નરેશ પટેલ સાથેના મતભેદો કારણભૂત હોવાનું મનાય છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર બંનેના સમર્થકો વચ્ચે ચાલતો જંગ તેનો પુરાવો છે. રાદડિયાએ આ જ વાત પર નિશાન ટાંકતા જણાવ્યું હતું કે બીજા લોકો તો આપણી ટીકા કરે તે સમજી શકાય છે, કારણ કે તેઓ બહારના છે. પણ આપણા જ આપણને નડે તેનો પુરાવો સોશિયલ મીડિયા પર ચાલતો જંગ છે. તેમણે અગાઉ જુદાં-જુદા મુદ્દાઓને લઈને સોશિયલ મીડિયા પર તેમની સામે થયેલી ટીપ્પણીઓને ટાંકી હતી.
તેમણે જણાવ્યું હતું તે તમે સમાજ માટે જ્યારે પણ સારું કામ કરો ત્યારે ભૂલો તો થવાની જ છે. કહેવત છે કે સારા કામમાં સો વિઘ્ન. બીજા લોકો આ પ્રકારની ભૂલોને લઈને ટીકા કરે તે સમજી શકાય છે, પરંતુ સમાજનો એક વર્ગ રીતસર જાણે સારું કામ કરનારાઓની પાછળ જ પડી ગયો છે. તેઓને કરવું કશું નથી, પરંતુ પોતાની જ મહેનતથી સમાજમાં આગેવાન બનતા અને સારું કામ કરનારાઓની ટીકા કરવી છે, તેમની પાછળ પડી જવું છે. તેમના ટાંટિયા ખેંચવા છે. સમાજને માંડ-માંડ સારા આગેવાન મળતા હોય, હવે તેને ટાંટિયા ખેંચમાં દૂર કરો એટલે પછી નવો આગેવાન મળતા કેટલોય સમય લાગે. સારો આગેવાન ન હોવાથી સમાજને મળતાં રાજકીય પ્રતિનિધિત્વથી લઈને બધા પર અસર પડે. સમાજની તકલીફોની રજૂઆત કરનારું પણ કોઈ ન રહે. આજે સમાજ આપણો વિકાસ સાધી શક્યો તે એકબીજાનો હાથ પકડવાના કારણે વિકાસ સાધી શક્યો છે. હવે જો આપણા જ સમાજના આગેવાનો ટાંટિયાખેંચની રમત શરૂ કરશે તો સરવાળે નુકસાન તો સમાજને જ જવાનું છે. છેલ્લી અસર સમાજના વિકાસ પર પડશે.
રાદડિયાએ આ સામાજિક કાર્યક્રમમાં તેમના વિરોધીઓ પર ચાબખા મારતા જણાવ્યું હતું કે એક વર્ગે સમાજને લગતા દરેક કાર્યોમાં જાણે વિરોધ કરવાનો ઠેકો લઈ લીધો છે. સમાજમાં કશું પણ સારું થતું હોય, સમાજની બદીઓ દૂર થતી હોય પણ આ વર્ગ વિરોધ કર્યા વગર નહી રહી શકે. જો આપણો વિરોધ થાય તો સમજવાનું કે આપણે પ્રગતિના પંથે છીએ. વિરોધ પણ તેનો થાય, જેની પ્રગતિ થતી હોય. તેથી અમને વિરોધની ચિંતા નથી, પણ સમાજની ચોક્કસ ચિંતા છે.
સમાજે વિકાસ કરવો હશે તો બધાએ બધું ભૂલીને એક મંચ પર આવવું પડશે. તેમણે તાજેતરમાં ઠાકોર સમાજના સંમેલનને ટાંકીને જણાવ્યું હતું કે તેમા જુદાં-જુદાં રાજકીય પક્ષોના આગેવાનો સમાજ માટે એક મંચ પર આવ્યા હતા, આપણા સમાજે પણ આ માનસિકતા કેળવવી પડશે. પેલો આગેવાન પેલા રાજકીય પક્ષમાં છે તેવું ભૂલીને સમાજ માટે એક મંચ પર આવવાની ટેવ કેળવવી પડશે. સમાજની અંદર જૂથબંધી નહી ચાલે, જૂથબંધી સમાજને નબળો પડશે. સમાજની અંદરની મુશ્કેલીઓ આપણે બધાએ ભેગા મળીને દૂર કરવાની છે.
આ ઉપરાંત સમાજમાં કોઈ ગામડામાં લાખો રૂપિયાની ખેતી હોય પણ કોઈ ત્યાં દીકરી દેતું નથી, પણ શહેરમાં ભલેને એક જ રૂમ હોય ત્યાં લોકો દીકરી આપવા તૈયાર થઈ જાય છે. સમાજની અંદર આ પ્રકારની માનસિકતા યોગ્ય નથી. શહેરમાં મજૂર બનીને રહેવા તૈયાર થઈ જતાં લોકો ગામડાના મોકળાશભર્યા વાતાવરણમાં રહીને આરામ કરવા માંગતા નથી, એમ તેમણે જણાવ્યું હતું.
જો કે સૌરાષ્ટ્રમાં રાદડિયાનું કદ જોતાં ભાજપના મોવડીમંડળને લાંબા સમય સુધી તેમની નારાજગી પોષાઈ શકે તેમ નથી. તેથી આગામી સમયમાં પક્ષમાં સંગઠનાત્મક ફેરફાર થાય ત્યારે તેમને સૌરાષ્ટ્રમાં મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે તેમ પક્ષનો ગણગણાટ કહે છે. આમ પણ પક્ષમાં સંગઠનાત્મક ફેરફારની મોટી ઘડીઓ ગણાઈ રહી છે.
આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય
આ પણ વાંચો: MANTAVYA Vishesh/ધરપકડનું વોરંટ નીકળતા હાર્દિક પટેલના બદલાયા તેવર
આ પણ વાંચો: MANTAVYA Vishesh/સરદાર યાત્રામાં નરેશ પટેલના પુત્ર શિવરાજના વિવાદાસ્પદ બોલ
