MANTAVYA Vishesh/ કડદો એટલે શું, ખેડૂતોમાં તેની સામે કેમ છે આક્રોશ?

કડદો શબ્દનો સીધો સાદો અર્થ થાય છે કાપ કે ઘટાડો, માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાનો પાક વેચવા લાવે ત્યારે વેપારીઓ અથવા દલાલો વજન કરતી વખતે ગુણવત્તા બતાવતા જે કપાત કરે છે તેને કડદો કહેવાય છે

Mantavya Vishesh

કેન્દ્ર સરકાર એકબાજુએ ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયત્નોમાં લાગેલી છે અને રાજ્ય સરકાર પણ આ જ દિશામાં કાર્ય કરી રહી છે. પણ આ બધાથી વિપરીત રાજ્યની વિવિધ APMC આ બધાથી જાણે વિપરીત દિશામાં જ ચાલી રહી હોય તેમ લાગે છે. રાજ્યના માર્કેટિંગ યાર્ડ ખેડૂતોની આવક બમણી કરવાની વાત તો બાજુએ રહી, પરંતુ હોય તેમાથી અડધી કરવામાં લાગેલા છે. આ માટે તેમણે જે પ્રથાનો આશરો લીધો છે તેને ‘કડદા પ્રથા’ કહે છે.

આજે આ કડદા પ્રથાથી ખેડૂત એટલા ભડકેલા છે કે બોટાદમાં તેઓએ માર્કેટિંગ યાર્ડ સામે રીતસર આંદોલન કરવું પડ્યું છે. જો કે કેટલાય શહેરીજનો માટે કડદો શબ્દ જ નવો હશે. તેમને થાય કે આ કડદો શું છે, જેની સામે ખેડૂતો વારંવાર આક્રોશ વ્યક્ત કરે છે. આની સામે ફકત બોટાદના જ ખેડૂતોમાં નારાજગી છે તેવું નથી, આ કડદા પ્રથાની સામે નારાજ તો બધા ખેડૂત છે, પરંતુ બોટાદના ખેડૂતોએ તેમની નારાજગી વધારે વ્યાપક રીતે દર્શાવી છે.

કડદો શબ્દનો સીધો સાદો અર્થ થાય છે કાપ કે ઘટાડો, માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાનો પાક વેચવા લાવે ત્યારે વેપારીઓ અથવા દલાલો વજન કરતી વખતે ગુણવત્તા બતાવતા જે કપાત કરે છે તેને કડદો કહેવાય છે, જે ઘણી વખત ખેડૂતોને રીતસર અન્યાય કરતી હોય છે.

આ કડદા પ્રથાને સમજવી હોય તો એક ઉદાહરણથી સમજીએ. ખેડૂત 100 કિલો પાક લઈ આવ્યો હોય તો કડદાના નામે તેમા પહેલા સીધી ત્રણ કિલોની ઘટ કરી દેવામાં આવે. તેની સાથે પાક.માં ભેજ છે, દાણા નાના છે, કચરું છે તેમ કહીને કિંમતમાં ઘટાડો કરી દેવામાં આવે. આ કડદો પ્રથા વર્ષોથી છે, પરંતુ આજકાલ તે વધારે ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે ખેડૂત હવે મૌન નથી. ખેડૂતને પણ તેની સંગઠનશક્તિનો અહેસાસ થવા લાગ્યો છે.

કોઈને પણ થાય કે વર્ષો જૂની આ પ્રથા સામે હવે અવાજ કેમ ઉઠવા લાગ્યો છે અને આ પ્રથાને ખેડૂતો કેમ ખોટી માને છે. આ પ્રથા ખોટી હોવાનું કારણ એ છે કે તે ખેડૂતોને વળતર આપવામાં નિષ્ફળ ગઈ છે. ખેડૂતોને આ પ્રથાના કારણે તેમના પાકનું જોઈએ તેવું વળતર મળતું નથી. અહીં ખેડૂતોના પાકનું વજન કે ગુણવત્તા ચકાસવા માટે કોઈ સ્પષ્ટ નીતિ કે મશીનનો ઉપયોગ થતો નથી. આમ અહીં પારદર્શકતાનો અભાવ છે. ખેડૂતોનું શોષણ જ થાય છે તેમ કહી શકાય.

રાજ્યના કેટલાય માર્કેટિંગ યાર્ડમાં કડદો પ્રથા જાણે અલિખિત નિયમ બની ગઈ છે. વાસ્તવમાં આવો કોઈ સત્તાવાર નિયમ નથી. કોઈપણ નિયમાધીન ન હોવા છતાં પણ નિયમ તરીકે તે ચાલતી થઈ ગઈ છે. આના કારણે ખેડૂતોમાં જબરદસ્ત અસંતોષ છે.

આમ આ કડદો પ્રથા વાસ્તવિક ધોરણે જોઈએ તો ખેડૂતની મહેનતની કરવામાં આવતી ચોરી છે. હવે કોઈ વ્યક્તિ પૂરેપૂરી મહેનત કરે અને તેની મહેનતનું પૂરું વળતર ન આપવાનો આ અવ્યવહારુ નિયમ કડદા પ્રથા છે. ખેડૂત વેરા નથી માંગતો, તે ફક્ત પોતાના પરિશ્રમનું પારિશ્રમિક માંગે છે. શું લોકોના પેટની આગ બૂઝાવતા ખેડૂતને પોતાના પરિશ્રમ જેટલું અને પોતાના જીવન ગુજરાન જેટલું પણ મેળવવાનો અધિકાર નથી. ખેડૂત આમ પણ કુદરતના પ્રહારો તો ઝીલતો જ હોય છે, તેમા વેપારી અને તંત્ર પણ આ પ્રકારના પ્રહારો કરે તો પછી તે કેટલાની ઝીંક ઝીલે. તેની પણ મર્યાદા હોયને. તેને સાવ કોરાણે જ મૂકી દેવાય તો ક્યાંથી ચાલે.

આ જોતાં કડદો પ્રથા તે ફક્ત વજનનો જ કડદો નથી, પરંતુ ખેડૂતની મહેનતનો, ખેડૂતના હક્કનો અને ખેડૂતના વિશ્વાસનો પણ કડદો છે. ખેડૂતો આ જ અન્યાય દૂર કરવા માટે મથી રહ્યા છે. આજે દરેક માર્કેટિંગ યાર્ડમાં આ અન્યાયી પ્રથમ અમલી બની છે. તેની સામે ખેડૂતોનો પણ અસંતોષ ઉગ્ર બન્યો છે. બોટાદની ઘટનાને જો કોઈ છૂટકછવાયી ઘટના માનતું હોય તો તે ભૂલે છે, વાસ્તવમાં આ ઘટના પાશેરામાં પહેલી પૂણી છે.

માર્કેટિંગ યાર્ડ પણ જો આ અન્યાયી પ્રથા દૂર નહીં કરે અને પારદર્શક રીતરસમો નહીં અપનાવે તો આવું કરનારા દરેક માર્કેટિંગ યાર્ડને પણ ખેડૂતોનો આક્રોશનો સામનો કરવો પડશે. બોટાદમાં ખેડૂતોના આક્રોશની જે પ્રકારની ઘટના બની તેવી જ ઘટના બીજા માર્કેટિંગ યાર્ડમાં બનશે ત્યાં સુધી શું તેઓ રાહ જોશે. આ બધા માર્કેટિંગ યાર્ડો ખેડૂતોના આક્રોશ પછી જ કડદાની પ્રથા બંધ કરશે.

માર્કેટિંગ યાર્ડો ખેડૂતોને અન્યાય કરતી આ પ્રથાથી આગામી દિવસોમાં મુક્તિ મેળવવી પડશે, નહીં તો ખેડૂતોનો મિજાજ ફાટશે ત્યારે ઘણી વખત લીલાના ભેગું સૂકુ બળે તેમ કાયદેસરની પણ કેટલીક વસ્તુઓ ભૂલી જવાની ફરજ પડશે.

ખેડૂત જગતનો તાત કહેવાય, પરંતુ તેની સ્થિતિ તે માર્કેટિંગ યાર્ડમાં આવે તો એક ભીખારીથી ઓછી હોતી નથી. એક ટેબલથી બીજા ટેબલે ધક્કા ભાવા પડે છે, નંબરો લેવા પડે છે, લાઇનમાં ઊભા રહેવું પડે છે. આ જોઈને કોણ કહી શકે કે ખેડૂત જગતનો તાત છે, માર્કેટિંગ યાર્ડ અને વેપારીઓ આગળ જગતનો આ તાત બિચારો હાથ જોડીને ઊભો રહે છે. તેની સ્થિતિ જાણે તેમની જ દયા પર જીવતા હોય તેવી છે. કમસેકમ 21મી સદીમાં તો ખેડૂતને આ સ્થિતિથી છૂટકારો મેળવવાનો હક્ક છે. તે પોતાની સંગઠનશક્તિના જોરે કડદા પ્રથા જેવી અન્યાયી રીતરસમોમાંથી છૂટકારો મેળવી શકે તેમ છે. તેથી આ કડદા પ્રથા સામે બોટાદના ખેડૂતોની લડત શરૂઆત છે. આગામી દિવસોમાં કડદા પ્રથા જેવી અન્યાયી પ્રથાઓ સામે ખેડૂતોના ઘણા આંદોલન જોવા મળી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય

આ પણ વાંચો: MANTAVYA Vishesh/ધરપકડનું વોરંટ નીકળતા હાર્દિક પટેલના બદલાયા તેવર

આ પણ વાંચો: MANTAVYA Vishesh/સરદાર યાત્રામાં નરેશ પટેલના પુત્ર શિવરાજના વિવાદાસ્પદ બોલ