MANTAVYA Vishesh/ ગુજરાતમાં શાસક પક્ષથી હવે બ્રહ્મસમાજ નારાજ, કરશે મોટું સંમેલન

ગુજરાતમાં શાસક પક્ષ સામે વધુ એક સમાજની નારાજગી બહાર આવી છે. અગાઉ કોળી સમાજે બેઠક યોજી શાસક પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી હતી. હવે બ્રહ્મસમાજે નારાજગી વ્યક્ત કરી છે.

Mantavya Vishesh

ગુજરાતમાં શાસક પક્ષ સામે વધુ એક સમાજની નારાજગી બહાર આવી છે. અગાઉ કોળી સમાજે બેઠક યોજી શાસક પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી હતી. હવે બ્રહ્મસમાજે નારાજગી વ્યક્ત કરી છે. બ્રહ્મસમાજનું કહેવું છે કે રાજ્યમાં 60થી 70 લાખ બ્રાહ્મણ હોવા છતાં પણ તેમને સરકારથી લઈને પક્ષમાં મહત્વનો હોદ્દો આપવામાં આવી રહ્યો નથી. પક્ષમાં અને સરકારમાં જાણે રામનું નામ લેતાં-લેતાં બ્રાહ્મણોના પ્રતિનિધિત્વને રામ નામ સત્ય કરી દેવાયું હોય તેમ લાગે છે. આખી કેબિનેટમાં સમખાવા પૂરતા એક જ બ્રાહ્મણને પ્રતિનિધિત્વ અપાયું છે, જ્યારે આ જ બ્રાહ્મણ વર્ષોથી શાસક પક્ષની વફાદાર વોટબેન્ક રહ્યો છે. પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી બ્રાહ્મણોએ પક્ષને સમર્થન આપ્યું છે.

હવે આ જ પક્ષ સત્તાના નશામાં અંધ બનીને બ્રાહ્મણોની અવગણના કરી રહ્યો છે. તેની સુધ લઈ રહ્યો નથી. તેમને પક્ષમાં પણ પ્રતિનિધિત્વ આપી રહ્યો નથી. આમ જે પક્ષની સ્થાપનાથી માંડીને તેને સત્તા પર સિંહાસને બેસાડવા સુધીની ચાવીરૂપ ભૂમિકા ભજવનારા વર્ગને જ પક્ષે જાણે વિસારે પાડી દીધો છે. તેને હાંસિયામાં ધકેલી દીધો છે. આ પહેલાં પણ યુપીમાં ભાજપે બ્રાહ્મણોની અવગણના કરવાની ભૂલ કરી હતી ત્યારે તેણે સત્તાની બહાર થઈ જવું પડ્યું હતું. હવે શું તે આ જ ભૂલનું પુનરાવર્તન ગુજરાતમાં કરી રહ્યું છે, જો તે આવી ભૂલ કરશે તો તે તેને ચોક્કસપણે ભારે પડશે.

આમ પક્ષથી લઈને મંત્રીમંડળમાં બ્રાહ્મણોને સ્થાન ન આપવામાં આવતા તેની સામે બ્રાહ્મણો અવાજ ઉઠાવશે. આ માટેનું સંમેલન 7મી ડિસેમ્બરે રાજકોટમાં યોજાશે. તેમણે જણાવ્યું હતું કે ભાજપમાંથી ભરતભાઈ પંડ્યા, કલ્પન શુક્લ, શશીકાંત પંડ્યા, રાજેન્દ્ર ત્રિવેદી, નીતિન ભારદ્વાજ, વિભાવરીબેન દવે જેવા નેતાઓને સાવ કોરાણે મૂકી દેવાયા છે. તેમને હાંસિયામાં ધકેલી દેવાયા છે. શું એક સમયે બનિયા-બ્રાહ્મણની પાર્ટી કહેવાતી ભાજપ હવે બ્રાહ્મણને પાછળ મૂકીને આગળ વધવા માંગે છે, એમ બ્રહ્મસમાજના આગેવાન મિલનભાઈ શુક્લએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ પહેલાં કોંગ્રેસે આવી જ ભૂલ કરી હતી, આજે તે 30-30 વર્ષ થયા હોવા છતાં સત્તા પર આવવા માટે ટળવળી રહી છે. આગામી દિવસોમાં શું ભાજપે પોતાની આવી સ્થિતિ બનાવવી છે. બીજા લોકોને પ્રતિનિધિત્વ આપવા સામે કોઈ વાંધો નથી, પરંતુ પક્ષના વફાદાર વર્ગને પક્ષમાં જ ક્યાંય સન્માનનીય સ્થાન ન મળે તો પછી તે વર્ગે પણ પોતાનું રાજકારણમાં પોતાનું સ્થાન નક્કી કરવું પડશે અને જેની તેમને જરૂર નથી તેને તેનું સ્થાન પણ બતાવી દેવું પડશે. બ્રાહ્મણો જનસંઘના સમયથી ભાજપ સાથે જોડાયેલા છે, પક્ષ માટે તેમણે છેક પાયાના સ્તરથી કામ કર્યુ છે. ગુજરાતમાં ચીમનભાઈ શુક્લ જેવા નેતાઓના સમયથી કેટલાય બ્રાહ્મણ આગેવાનો પક્ષને આપ્યા છે. આજે ગુજરાતમાં ભાજપની હાલની મજબૂત સ્થિતિનું કારણ કેટલાય બ્રાહ્મણ આગેવાનોની પાયાની મહેનત છે.

મિલન શુક્લનું કહેવું હતું કે મંત્રીમંડળમાં 10મુ અને 12મું પાસ જેવા નેતાઓને સ્થાન આપવામાં આવ્યું, પરંતુ અમિત ઠાકર અને શૈલેષ સોઢા જેવા નેતાઓની અવગણના કરવામાં આવી. આમ પક્ષ ક્યાં સુધી હંમેશા દર વખતે બ્રાહ્મણ પાસેથી જ બલિદાન લેતો રહેશે, પણ આ જ બલિદાન આપનારા બ્રાહ્મણોને હોદ્દો આપવામાં આવે ત્યારે હંમેશા પક્ષનો પનો ટૂંકો પડે છે. તે ક્યાં તો બ્રાહ્મણને સમજાવી દે છે અથવા તો શિસ્તના નેજા હેઠળ તેનું મોઢું ચૂપ કરાવી દે છે. તેથી બ્રાહ્મણને ધૂંધવાટ તો થાય, પરંતુ તે કશું કરી શકતો નથી. બ્રાહ્મણો રાષ્ટ્રવાદને વરેલા છે, તેથી હંમેશા રાષ્ટ્રનું હિત જ પહેલાં જુએ છે. આ રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને જ કોઈપણ પ્રકારની અપેક્ષા વગર શાસક પક્ષને મત આપતા આવ્યા છીએ. હવે જો આ અપેક્ષાનો જવાબ ઉપેક્ષાથી મળે તો બ્રાહ્મણો પણ રસ્તા પર ઉતરીને આંદોલન કરી શકે છે એમ તેમણે જણાવ્યું હતું.

આના માટે આગામી સાત ડિસેમ્બરના રોજ રાજકોટમાં બ્રાહ્મણોનું મહાસંમેલન રાખવામાં આવનાર છે. તેમા એક લાખ બ્રાહ્મણો ભાગ લેશે. તેના પહેલા તમામ જિલ્લાઓમાં જિલ્લા સ્તરે બ્રાહ્મણો સરકારને આવેદન આપશે. આ ઉપરાંત બ્રહ્મ સમાજને પ્રતિનિધિત્વ મળે તે માટે પક્ષની અંદર આક્રમક રજૂઆત કરતાં રહીશું અને બહાર આક્રમક વિરોધ પ્રદર્શન પણ જરૂર લાગે ત્યાં કરીશું. જરૂર પડી તો આના માટે દરેક જિલ્લામાં જાગૃતિ સંમેલન પણ યોજવામાં આવશે. આમ બ્રહ્મસમાજ શાસક પક્ષમાં તેના રાજકીય પ્રતિનિધિત્વને લઈને આક્રમક મુદ્રામાં આવી ગયો છે. આગામી દિવસોમાં તેના માટે રાજ્યસ્તરની કાર્યવાહી પણ શરૂ કરી શકે છે. આ ઉપરાંત જિલ્લાસ્તરના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી શકે છે. હવે વર્તમાન શાસક પક્ષ બ્રહ્મસમાજની આ નારાજગીને કઈ રીતે પહોંચી વળે છે તેના પર ચોક્કસપણે બધાની નજર રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય

આ પણ વાંચો: MANTAVYA Vishesh/ધરપકડનું વોરંટ નીકળતા હાર્દિક પટેલના બદલાયા તેવર

આ પણ વાંચો: MANTAVYA Vishesh/સરદાર યાત્રામાં નરેશ પટેલના પુત્ર શિવરાજના વિવાદાસ્પદ બોલ