આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં પાટીદાર આગેવાન ગોપાલ ઇટાલિયાના સફળ પ્રયોગ પછી હવે અન્ય પાટીદાર આગેવાન અને જાણીતા સામાજિક કાર્યકર જિગિષા પટેલ પર જુગાર ખેલ્યો છે. ગોપાલ ઇટાલિયાને પ્રારંભમાં સુરતમાં નિષ્ફળતા મળ્યા પછી આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં તંત્ર સામેના જબરદસ્ત આક્રોશને ધ્યાનમાં રાખીને ગોપાલ ઇટાલિયાને ત્યાં ઉતારીને આબાદ રાજકીટ સોગઠી મારી હતી.
હવે પાટીદારોમાં મહિલા મતો પર આમ આદમી પાર્ટીની નજર છે અને તેઓ પણ જાણે છે કે સૌરાષ્ટ્રમાં હાલમાં ખેડૂતો પર સરકારના લાઠીચાર્જના કારણે તંત્ર સામે અસંતોષ છે તેમાં પણ જો પાટીદાર મહિલા આગેવાનને પક્ષમાં લેવાય તો વધુને વધુ પાટીદાર મહિલાઓને તો તેમની સાથે જોડી શકાય છે. આમ પાટીદાર મહિલાઓને લક્ષ્યાંક બનાવવા માટે આમ આદમી પાર્ટીએ નવો જ રાજકીય દાવ ખેલ્યો છે. તેથી ગોંડલમાં કમસેકમ ભાજપના પ્રભુત્વને ઓછું કરી શકાય.
આમ જોવા જોઈએ તો ગોંડલમાં જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ ગોંડલના રાજકીય દબદબો છે. હવે આમ આદમી પાર્ટી મહિલા આગેવાન દ્વારા તેમના રાજકીય દબદબાને પડકારવામાં આવ્યો છે. જો કે પક્ષ પોતે પણ જાણે છે કે ત્રણ કે ચાર ટર્મથી ચૂંટાતા જયરાજના દબદબાનો કંઈ તાત્કાલિક અંત લાવવો શક્ય નથી, ગઢના કાંગરા ખેરવતા વાર તો લાગે જ છે. તેથી તેઓએ લાંબી લડતની તૈયારી રાખી છે.
તેમા પણ અગાઉ જિગિષા પટેલે સામાજિક કાર્યકર તરીકે પણ ગણેશ ગોંડલને તેના ગઢમાં જઈને જે રીતે પડકાર્યો હતો તે જોઈને રાજકીય સમીક્ષકો પણ મોઢામાં આંગળા નાખી ગયા હતા અને તેની હિંમતને દાદ આપી હતી. ગણેશ ગોંડલ જેવાની સામે એક મહિલા આગેવાને પડવાની હિંમત દાખવી તેના કારણે સામાન્ય લોકોથી લઈને વિવિધ પક્ષોના રાજકારણીઓ પણ તેમના પર ઓવારી ગયા હતા.
બસ તે સમયથી જ લાગતું હતું કે જિગિષા પટેલ હવે ગમે ત્યારે રાજકારણમાં ઝંપલાવી શકે છે. ભાજપમાં તો તેમની દાળ ગળે તેમ ન હતી. જ્યારે કોંગ્રેસમાં પણ મહિલા આગેવાનો માટે સ્થિતિ આજે પણ હકીકત સરળ નથી તે બાબત તે સારી રીતે જાણે છે. કોંગ્રેસમાં તો હજી જૂના લોકો જ પક્ષનો કેડો છોડતા નથી અને પક્ષના લોકોને તક મળતી નથી ત્યાં નવાસવાની તો વાત જ ક્યાંથી આવે. આ સંજોગોમાં ગોપાલ ઇટાલિયાને મળેલી સફળતા જોઈને તેમને આમ આદમી પાર્ટી રાજકીય કારકિર્દી શરૂ કરવા યોગ્ય લાગી.
બીજી બાજુએ આ આમ આદમી પાર્ટીને પણ મહિલા મતોને આકર્ષવા માટે ગોપાલ ઇટાલિયા જેવા પાટીદાર આગેવાન પછી મહિલા પાટીદાર આગેવાનની જરૂર વર્તાય છે. આ સંજોગોમાં તેમના માટે જિગિષા પટેલ કરતાં વધારે સારો વિકલ્પ ન હોઈ શકે. તેમાં પણ તેમને ગોંડલમાં ઉતારીને સૌરાષ્ટ્રમાં હાલમાં શાસક પક્ષ સામેનો અસંતોષ અંકે કરવાનો તેમનો ઇરાદો છે. પાટીદાર આગેવાન હોવાથી પાટીદાર મહિલાઓને તેમના તરફ ખેંચાય તેવી તેમની માન્યતા છે.
તેથી જિગિષાબેન પટેલે ગોંડલમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો. જો કે તેના પછી તેમણે ત્યાં સરદાર પટેલની જયંતિ નિમિત્તે સરદાર યાત્રા કરીને તેમાં ઘણી પાંખી હાજરી હતી. તેના પરથી જ જિગિષાબેનને સમજાઈ ગયું છે કે સામાજિક કાર્યો અલગ વસ્તુ છે અને રાજકારણ વસ્તુ જુદી છે. આ તો તેમની હજી શરૂઆત છે અને તેમણે હજી ઘણો લાંબો પથ કાપવાનો છે.
જિગિષા પટેલે કહ્યું હતું કે હું સૌથી પહેલાં ગોંડલ આવી હતી ત્યારે મને મળવા માંડ પંદર લોકો આવ્યા હતા. બીજી વખત આવી ત્યારે દોઢસો લોકો હતા, ત્રીજી વખત આવી ત્યારે હજાર લોકો હતા અને પછી આંકડો હજારોમાં પહોંચ્યો હતો. તેમને ગોંડલના પાટીદારો તેનામાં વિશ્વાસ દાખવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આમ આદમી પાર્ટીને પાટીદારોનો ઝુકાવ સફળ લાગતા તેની સૌરાષ્ટ્રની વ્યૂહરચનામાં પાટીદારો કેન્દ્રસ્થાને આવી ગયા છે. આના કારણે પક્ષની અંદર જ બીજા સમાજના આગેવાનો નારાજ થઈને પક્ષમાંથી વિદાય લે તો પણ આશ્ચર્ય નહીં થાય. અગાઉ પણ ગોપાલ ઇટાલિયાનું પક્ષમાં વજન વધવાના કારણે બીજા સમાજના રાજકીય આગેવાનોએ પક્ષને અલવિદા કહી દીધી હતી. તેના કારણે એક સમયે પક્ષ સાવ નિષ્પ્રાણ થઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી, હવે વિસાવદરની જીતથી પક્ષના જીવમાં જીવ આવ્યો છે અને તેને પોતાનું રાજકીય અસ્તિત્વ હોય તેવું લાગી રહ્યું છે.
જો કે એક રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટી સુપેરે સમજે છે કે પાટીદાર આગેવાનો પર મદાર બાંધવાની સાથે-સાથે બીજા સમાજના લોકોને પણ સાથે લેવા પડશે. તેથી જ તેણે ભાજપમાંથી આવેલા નરેન્દ્રસિંહ રાઠોડ, કોટડાસાંગાણી તાલુકા પંચાયતના ભૂતપૂર્વ સભ્ય ખોડાભાઈ સોલંકી, લવજી મેઘાણી, કેતન રાઠોડ, નિલેશ જાદવ, સંજય વાઘેલા, કિરણ ગોહેલ, રવજી સોલંકીને પક્ષમાં જોડ્યાની જાહેરાત કરી છે.
જિગિષા પટેલને હવે ગોંડલના સ્વરૂપમાં રાજકીય જમીન મળી છે, હવે તેમણે સમજી જવાનું છે કે તેમને પણ આમ આદમી પાર્ટીએ પક્ષમાં કેમ સમાવ્યા છે. તેમને પક્ષમાં સમાવવાનું મુખ્ય કારણે આજે ભલે જણાવાયું નથી પણ તે કારણ જયરાજના પરિવારનો દબદબો ઘટાડવાનો છે. તેથી તેમના પર આગામી દિવસોમાં ગોંડલને જયરાજ અને ગણેશના તાપમાંથી છોડાવવાની મોટી જવાબદારી છે, જો તેમને આ નિયત લક્ષ્યાંક પાર પાડવામાં સફળતા મળશે તો તેમનું પક્ષમાં જ નહીં ગુજરાતના રાજકારણમાં કદ મુઠી ઉંચેરુ થઈ જશે, તે વાતમાં કોઈ બેમત નથી. તેથી તેમણે અભિમન્યુના સાત કોઠાની જેમ પહેલો કોઠો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સ્વરૂપમાં વીંધવાનો છે. અહીં જ તેમના શાસક પક્ષ સામેના બળાબળના પારખા થશે.
આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય
આ પણ વાંચો: કેબિનેટ પછી હવે શાસક પક્ષના માળખામાં થશે ફેરફાર કે સાફસૂફી!
આ પણ વાંચો: મતદાર યાદી સુધારણા ગુજરાતમાં પાંચ કરોડ મતદારોની ચકાસણી કઈ રીતે થશે તે જાણો!
