ગાંધીનગરઃ બોગસ ડોક્ટર, બોગસ પોલીસ, બોગસ નેતા પછી હવે વાત આવી છે બોગસ શિક્ષકોની. (Bogus Teacher) અમદાવાદામાં બોગસ શિક્ષકોનો રાફડો ફાટ્યો છે. આ મુદ્દે સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે બોગસ શિક્ષકોના પ્રશ્નની ગૂંજ રાજ્યની વિધાનસભા સુધી પહોંચી છે.
રાજ્ય સરકારે પણ સ્વીકાર્યુ છે કે અમદાવાદ જિલ્લામાં 348 બોગસ પ્રાથમિક સ્કૂલ શિક્ષકો પકડાયા છે. હવે જો પ્રાથમિક સ્કૂલ શિક્ષકો જ બોગસ હોય તો પછી આગળ તો શું સ્થિતિ હશે. અમદાવાદ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાંથી આ બોગસ શિક્ષકો પકડાયા છે. તેઓ લાયકાત વગર ખાનગી સ્કૂલોમાં નોકરી કરતા હતા. આ શિક્ષકોને શિક્ષણ સત્ર પૂરુ થયા પછી છૂટા કરવામાં આવશે.
આશ્ચર્યની વાત તો એ છે કે બોગસ શિક્ષકોને સત્ર પૂરુ થયા પછી છૂટા કરીને સરકાર બેસી રહેશે. તેમને સામે કોઈપણ પ્રકારની બીજી કાર્યવાહી નહીં કરે. તેમણે આટલા સમય સુધી તેમની બોગસ ડિગ્રી દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા તેનો જવાબ કોણ આપશે. બોગસ શિક્ષકોની નહીં તો સરકારની જવાબદારી તો બને જ છે. આ તો ફક્ત અમદાવાદ જિલ્લાના જુદા-જુદા તાલુકાના પ્રાથમિક શિક્ષકોની વાત થઈ.
રાજ્યમાં કુલ 33 જિલ્લા છે અને દૂરદૂરના વિસ્તારોમાં આવેલી આ સ્કૂલોમાં આ જ પ્રકારના બોગસ શિક્ષકો હોય તેવી સંભાવના વધુ પ્રબળ બની ગઈ છે. એક જિલ્લાની તો ચકાસણી થઈ ગઈ, હવે રાજ્યના બીજા જિલ્લાઓની સ્કૂલોમાં આ રીતે આવેલા બોગસ શિક્ષકોની તપાસ ક્યારે થશે. આ જે રીતે બધુ બોગસ બહાર આવી રહ્યું છે તે જોતાં લાગે છે કે જતાં દિવસે બોગસ યુનિવર્સિટી જ ખોલવી ના પડે, જ્યાં બધુ બોગસ જ હોય.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ