Vadodara News: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો અને વિધાનસભાની પાંચ બેઠકો માટે મતદાન ચાલી રહ્યુ છે. લોકશાહીના પર્વ ચૂંટણીમાં વડોદરા પણ ચૂંટણીના રંગે રંગાયું છે. આ ચૂંટણી રામમંદિરના ઐતિહાસિક નિર્માણ પછી લડાઈ રહેલી ચૂંટણી છે. હવે રામનું નામ હોય ત્યાં હનુમાન ન હોય તેવું તો બને જ નહી.
વડોદરામાં એક મતદાતા હનુમાનજીના વેશમાં હાથમાં ગદા રાખી મતદાન કરવા પહોંચ્યો હતો. આ અનોખો મતદાતા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તેણે મંત્રોચ્ચાર કરીને કેન્દ્ર પર મતદાન શરૂ કરાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. રામમંદિર બન્યાની ખુશીની ઉજવણીમાં તેઓ હનુમાનજીનો વેશ ધારણ કરી મતદાન કરવા પહોંચ્યા હતા.
વડોદરામાં મતદાતાઓએ ગરમીને મ્હાત કરવા વહેલી સવારથી જ મતદાન શરૂ કરી દીધુ હતુ. વડોદરામાં આ વખતનું મતદાન નવા રેકોર્ડ સર્જે તો નવાઈ નહી લાગે. વડોદરાના ફતેગંજ વિસ્તારની નવયુગ શાળા ખાતે ઊભા કરવામાં આવેલા મતદાન મથકમાં અચરજ પમાડે તેવી ઘટના જોવા મળી હતી. આ શાળાના મતદાર દીપકભાઈ શાસ્ત્રી હનુમાનજીના વેશમાં તૈયાર થઈને મતદાન કરવા માટે સવારે વહેલા પહોંચ્યા હતા. તેમણે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરીને મતદાન શરૂ કરાવ્યું હતું.
દીપકભાઈ શાસ્ત્રી શરીરે કેસરી વસ્ત્રો, માથે મુકુટ, હાથમાં ગદાની સાથે મોઢે કેસરિયો લેપ કરીને મતદાનમથક પર પહોંચ્યા ત્યારે લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. તેમને જોઈને બીજા મતદારો આશ્ચર્યમાં મૂકાયા હતા. જો કે આ માટે તેઓ રામમંદિરના નિર્માણનું કાર્ય પૂરુ થયું હોવાનું જણાવી રહ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે 500 વર્ષ બાદ રામમંદિરની સ્થાપના થઈ છે, જે હિન્દુ સમાજ માટે ગૌરવની વાત છે. તેનો યશ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. આજે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે ગઇકાલે યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે, જલ્દીથી મતદાન કરી લો…